લ્યૂબેક : જર્મની-ડેન્માર્કની સરહદ નજીક જર્મનીના સ્લેસ્વિગ-હોલ્સ્ટાઇન વિભાગમાં, બાલ્ટિક સમુદ્રના નૈર્ઋત્ય કાંઠા પર આવેલું મહત્વનું બંદર. ભૌગોલિક સ્થાન : તે 53° 50´ ઉ. અ. અને 10° 40´ પૂ. રે. પર હૅમ્બર્ગથી ઈશાનમાં 60 કિમી. અંતરે બાલ્ટિક સમુદ્રમાં ઠલવાતી ટ્રાવે નદી પર વસેલું છે. અહીં તે જહાજવાડાનું અને યંત્રસામગ્રીના ઉત્પાદનનું મથક બની રહેલું છે. અહીંના અન્ય મહત્વના ઉદ્યોગોમાં હવાઈ જહાજનાં તેમજ અવકાશી સાધનોનાં ઉપકરણો, લોખંડ-પોલાદનાં માળખાં, જહાજોની જાળવણીની મરામતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં હવાચુસ્ત ડબ્બાઓમાં માછલીઓ પૅક કરવામાં આવે છે. તે દારૂના વેપાર માટે પણ જાણીતું છે.
1143માં તેની સ્થાપના થઈ ત્યારથી તેમજ તે કુદરતી બંદર હોવાથી જર્મનીના વેપારનું મહત્વનું મથક બની રહેલું છે. 1226માં તેને સ્વ-વહીવટ કરતું મુક્ત શહેર બનાવવામાં આવેલું. એક વખતે તે હેન્સિયેટિક લીગનું મુખ્ય મથક પણ હતું. 1669માં આ સંઘની છેલ્લી બેઠક યોજાઈ તે પછીથી તેનું મહત્વ ઘટી ગયેલું. મોટાભાગનો વેપાર હૅમ્બર્ગ અને બ્રેમન ખાતે વિકસેલો. 1900માં એલ્બ-ટ્રાવે નહેરનું સંકલન થતાં સુવિધાઓ ઉપલબ્ધ થઈ ત્યારે ફરીથી લ્યૂબેક એેક મહત્વના બંદર તરીકે ઊપસી આવેલું છે.
અહીં 1173નું એક કથીડ્રલ અને પાંચ ગૉથિક શૈલીનાં ચર્ચ છે. બે મિનારા સહિતનો હૉલસ્ટેન્ટર (1477) અહીંનું પ્રતીક ગણાય છે. 1993 મુજબ લ્યૂબેક શહેરની વસ્તી 2,17,100 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા