લ્યૂક્રીશ્યસ (જ. ઈ. પૂ. 99; અ. ઈ. પૂ. 55) : રોમન કવિ. ‘દ રેરમ નેચરા’(‘ઑન ધ નેચર ઑવ્ થિંગ્ઝ’)ના કવિ. પૂરું નામ ટાઇટસ લ્યૂક્રીશ્યસ કારસ. ઉચ્ચ કુટુંબના રોમન નાગરિક. એમના જીવન વિશેની માહિતી માત્ર સેન્ટ જેરોમીના અહેવાલ દ્વારા જ મળે છે. માનસિક અસ્વસ્થતામાં મુકાયા પછી વચગાળાના સારા સમયમાં એમણે લખ્યું હતું. જેનું સિસરોએ પછીથી પરામર્શન કરેલું. 44 વર્ષની જ વયે તેમણે આત્મહત્યા કરેલી. એમની માનસિક અસ્વસ્થતા અને આત્મહત્યા વિશે અલબત્ત વિવાદ થયેલો; પણ આ જ બાબતે અંગ્રેજ કવિ ટેનિસનને તેમનું કાવ્ય ‘લ્યૂક્રીશ્યસ’ લખવા પ્રેર્યા હતા. મોટેભાગે લ્યૂક્રીશ્યસ એક ભાગેડુનું જીવન જીવેલા. એ દિવસો રોમમાં આંતરવિગ્રહના હતા. રોમની સમૃદ્ધિ નષ્ટ થતી જતી હતી. કાવ્યમાં કવિએ પોતે પણ આ વાત નોંધી છે. એમની આ રચના 340 ઈ. પૂ.  270 ઈ. પૂ. દરમિયાન થઈ ગયેલા એપિક્યુરસની ભૌતિકવાદી જીવનદર્શન વિશેની પૂર્ણ માહિતી આપતી કૃતિ છે. તે છ ભાગમાં વિભાજિત છે. પહેલા ત્રણ ભાગમાં દર્શનના મૂળભૂત સિદ્ધાંતો સ્થાપિત કરવામાં આવ્યા છે. પછી એવી સ્થાપના કરવામાં આવી છે કે બ્રહ્માંડ અણુ-પરમાણુઓ જેવા અવિનાશી પદાર્થ/પુદગલનું જ બનેલું છે અને અસીમ અવકાશમાં તે પડ્યા કરે છે, ફર્યા કરે છે. પછીના ત્રણ ભાગમાં આ સિદ્ધાંતો જુદી જુદી ઘટનાઓને સમજાવવા કામે લગાડ્યા છે. સમગ્ર વિચાર-વિમર્શ તળે મૂળભૂત એપિક્યુરિયન માન્યતા (postulate) એ રહેલી છે કે જ્ઞાન માટેનો એકમાત્ર સ્રોત ઇંદ્રિયગમ્ય છે (sense perception). લ્યૂક્રીશ્યસ પોતાની રચનામાં અનુભવ-વિશ્વનાં શબ્દચિત્રો આપી આ વાતને છતી કરવાનો પ્રયાસ કરે છે.

લ્યૂક્રીશ્યસને એપિક્યુરિયન ચિંતને ઊંડી અસર કરી છે અને તેમાં તેમને સત્ય દેખાયું છે. તે જણાવે છે કે આ ભૌતિકવાદી સિદ્ધાંત – ‘ઇંદ્રિયોને સારું/સત્/માન્ય (‘good’) લાગે તે સિવાયનું કશુંય સારું ‘good’ નથી’’ – એવા નૈતિકવાદી આગ્રહ (dogma) માટે એક દૃઢ આધાર બની રહે છે. જોકે તેમણે નૈતિક પ્રશ્ર્નોના નિરાકરણ અંગે ચર્ચા કરી નથી. એક ‘એપિક્યુરિયન’ તરીકે તેમને પ્લેટૉનિક ‘ધી આઇડિયા ઑવ્ ધ ગુડ’ અથવા તો સ્ટૉઇકના ‘ડ્યુટી’ જેવાં અમૂર્ત તત્વોની વાત કરવાની જરૂર જણાઈ નથી. તેમણે આ સ્વાંગ લીધો ત્યારે તે માનવજાતનાં દુ:ખોને, વેદનાઓને મદદરૂપ થવા માટેનું નિમિત્ત હતું; નહિ કે તેમનાં પાપોને હીણપતભર્યાં કહેવાનું કે આલેખવાનું. તે સમયે રોમન સામ્રાજ્યમાં પુરાણો રોમન ધર્મ નષ્ટ થયો હતો અને એ અરાજકતામાં લોકો અંધશ્રદ્ધાળુ તેમજ ઉદ્વિગ્ન બન્યા હતા. એ પોતે એપિક્યુરિયન દર્શનમાં શ્રદ્ધા ધરાવતા અને જીવનમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તેમજ એક ચિકિત્સકની માનસિકતા ધરાવતા હતા. એપિક્યુરિયન દર્શનની આવી પૂર્ણપણે કરેલી અભિવ્યક્તિ દ્વારા તેઓ તેમના સમકાલીનોની અંધશ્રદ્ધા અને ચિંતાને દૂર કરવા ઇચ્છતા હતા.

બ્રહ્માંડની કાર્યવહી નિયમથી ચાલે છે અને તેમાં દેવોને કોઈ સ્થાન નથી. અહીં પ્રાણીજીવનમાં માનવી જ અપવાદ છે, જે સ્વતંત્ર ઇચ્છાશક્તિ ધરાવે છે, જે પરમાણુઓનાં ઘર્ષણ અને બદલાતા માર્ગને આભારી છે. આત્મા અ-મૃત નથી. તે પણ કોષોનો બનેલો છે અને દેહ સાથે નષ્ટ થાય છે. ભાગ 3માં લ્યૂક્રીશ્યસે વિગતે આની છણાવટ કરી છે. જીવવૈજ્ઞાનિક પ્રક્રિયાઓની ચર્ચા કરી પ્રેમની વિભાવનાને નકારી દીધી છે. સમગ્ર રચનામાં સૌથી રસપ્રદ વિભાગ છે (વિભાગ 5માં), જેમાં તે વનસ્પતિ અને માનવજીવનના ઉદગમની વાત કરી આદિમાનવ અને સભ્યતા(civilization)ના વિકાસને અદભુત આંતરદૃષ્ટિથી વર્ણવે છે. કોઈ નીતિશાસ્ત્રની વાત નથી; એપિક્યુરસના અભિગમને સ્વીકારી લ્યૂક્રીશ્યસ જણાવે છે કે વ્યવહાર અને વર્તણૂકમાં સુખ અને દુ:ખની ભાવના જ માર્ગદર્શક હોય છે; પરંતુ સુખની વિભાવના સ્પષ્ટ કરતાં કહે છે કે સુખ એટલે શાતા, દુખ અને તૃષ્ણાનો અભાવ, ભય અને ઉદ્વેગમાંથી મુક્તિ. તે તે સમયના આડંબરભર્યા અને મોજશોખભર્યા જીવનને વખોડી કાઢે છે અને સાદગીભરી જીવનરુચિ તેમજ પ્રકૃતિ-સૌંદર્યમાંથી ઉદભવતા આનંદને – સુખને સ્થાપે છે. કૃતિ અધૂરી રહેલી લાગે છે. શૈલી પ્રાચીન લૅટિન કવિઓને મળતી આવે છે. સમાસયુક્ત શબ્દપ્રયોગોનો તેમજ અનુરવકારી શૈલીનો વિનિયોગ જોવા મળે છે. રચના ઉપદેશાત્મક વધારે અને આનંદ આપવાના હેતુથી લખાયેલી ન હોવાથી કાવ્યતત્વની ઊણપ વર્તાય છે. કૃતિ તેથી વિવાદાસ્પદ પણ બની છે. તેમ છતાં લ્યૂક્રીશ્યસની ભવ્યતાભરી શૈલી તેના એવા જ ભવ્ય કથ્ય સાથે સંવાદિતા સાધે છે. તેમની પ્રકૃતિ-સૌંદર્યની પ્રીતિ તેમજ માનવજીવનની વ્યથા કાવ્યમાં ઘણા ઉમદા ખંડો તેમજ પંક્તિઓની પ્રેરક બની છે.

લ્યૂક્રીશ્યસની રચના વર્જિલ અને ઑવિડની પ્રશંસા પામી શકે છે; પણ મધ્યકાલીન યુગમાં તે સાવ ભુલાઈ ગયેલી. કૃતિને પુનર્નિર્મિત કરવામાં ખાસો સમય અને ઘણા વિદ્વાનોની મહેનત કામે લગાડવામાં આવ્યાં હતાં. 1473માં પહેલી સંપાદિત-સંમાર્જિત આવૃત્તિ છાપવામાં આવેલી. મિલ્ટનના ‘પૅરેડાઇઝ લૉસ્ટ’ના કેટલાક ખંડો પર એની અસર વર્તાય છે. ડ્રાયડને પહેલા પાંચ ભાગમાંથી કેટલાક ખંડોનો અનુવાદ કર્યો છે. લ્યૂક્રીશ્યસની આ રચનાની સંપૂર્ણ સંમાર્જિત આવૃત્તિ 1864માં એચ. એ. જે. મુનરોએ પ્રકટ કરી હતી. ટેનિસનના કાવ્ય ‘લ્યૂક્રીશ્યસ’માં એક સંત, તેની પત્નીએ પાયેલાં પ્રેમ-વિષથી માનસિક સ્વાસ્થ્ય ગુમાવતા અને પછી દર્શન/ચિંતનના ભૂતથી ઘેરાયેલા, કોઈ અદૃશ્ય રાક્ષસ પ્રતિ પોતાના સમર્પણથી વ્યથિત થતા અને છેવટે પોતાની જ હત્યા કરતા નાયકની કથાનું નિરૂપણ થયું છે. આધુનિક અણુ-પરમાણુ યુગમાં એમની ફિલસૂફીની કેટલી પ્રસ્તુતતા છે તે સંશોધનનો વિષય છે.

અનિલા દલાલ