લ્યુઝોન : ફિલિપાઇન્સમાં આવેલો મહત્ત્વનો અને મોટામાં મોટો ટાપુ. ભૌગોલિક સ્થાન તે : 16° 00’ ઉ. અ. અને 121° 00’ પૂ. રે.ની આજુબાજુનો 1,04,688 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. સમગ્ર દ્વીપસમૂહના ત્રીજા ભાગ કરતાં પણ તે મોટો છે. તેના આ વિશાળ વિસ્તારને કારણે લ્યુઝોનને છ વહીવટી વિભાગોમાં વહેંચેલો છે. તેની કુલ વસ્તી 2000 મુજબ આશરે 3 કરોડ જેટલી છે. ફિલિપાઇન્સની 50 % વસ્તી લ્યુઝોનમાં રહે છે.
ઉત્તર તરફનો ઇલોકોસ વિસ્તાર તેની તમાકુ તથા સોના, ચાંદી અને તાંબાની ખનિજપેદાશો માટે તો પૂર્વ તરફનો કાગાયન ખીણવિસ્તાર દુનિયાભરમાં જાણીતાં બનેલાં તેનાં ચોખાનાં સીડીદાર ખેતરો માટે જાણીતો છે. દક્ષિણ તરફ મધ્ય લ્યુઝોન વિભાગ આવે છે. તે પણ ડાંગરનો મુખ્ય પેદાશી વિસ્તાર છે. મધ્ય લ્યુઝોન વિસ્તારની દક્ષિણે નૅશનલ કૅપિટલ રીજિયન છે. જૂના વખતમાં તે ‘મેટ્રો મનિલા’ કહેવાતો હતો. આ વિભાગ ફિલિપાઇન્સનો મહત્ત્વનો આર્થિક, રાજકીય અને સામાજિક વિભાગ ગણાય છે. આ કારણે તે ગીચ વસ્તીવાળો પણ બની રહેલો છે. તેમાં પાટનગર મનિલા તેમજ અન્ય ઘણાં શહેરો પણ આવેલાં છે. અહીંથી વધુ દક્ષિણે દક્ષિણ તાગાલૉગ વિસ્તાર છે. ચોખા, મકાઈ, ખાંડ, નાળિયેરી, કૉફી, લાકડાં, ખનિજો, નારંગી, પશુધન તેની મુખ્ય સંપત્તિ છે. લ્યુઝોનના અગ્નિકોણમાં બિકોલ વિભાગ છે. તેમાં જ્વાળામુખીઓ, મેદાનો અને બિકોલ ખીણ જેવાં ભૂમિલક્ષણો જોવા મળે છે. લોકો તેમની સ્થાનિક બોલી બિકોલ બોલે છે. આ ટાપુના કેટલાક ભાગો પર અવારનવાર ટાઇફૂન (વાવાઝોડાં) ફૂંકાય છે અને નુકસાન કરી જાય છે.
ગિરીશભાઈ પંડ્યા