લોહિત્યગિરિ : લાલ પર્વત. લોહિત્ય અર્થાત્ બ્રહ્મપુત્રા ખીણના પ્રદેશમાં આ પર્વત આવેલો છે. રામાયણ (કિષ્કિન્ધાકાંડ, 10-26) અને મહાભારત (ભીષ્મપર્વ પ્ર. 9, અનુશાસનપર્વ 7, 647)માં આ પર્વતનો ઉલ્લેખ છે. લોહિત કે લૌહિત્ય નદી ત્યાંથી પસાર થાય છે. કિરાતો આ લૌહિત્ય પર્વતની બંને બાજુ કેવી રીતે રહેતા હતા તે પણ મહાભારતના સભાપર્વમાં દર્શાવ્યું છે. આ કિરાતો યુધિષ્ઠિરને ખંડણી તરીકે આપવા માટે સુખડના લાકડાના ભારા, શ્યામ એળિયો (કુંવાર), કીમતી ચામડાં, સોનું, અત્તર, સેંકડો કિરાત નર્તકીઓ, દૂર દેશાવરનાં વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓ લાવ્યા હતા.
થૉમસ પરમાર