લોહિત : ભારતના છેક ઈશાન છેડે આવેલા રાજ્ય અરુણાચલ પ્રદેશનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 28° 00’ ઉ. અ. અને 96° 40’ પૂ. રે.ની આજુબાજુનો 11,402 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ચીન, પૂર્વ અને અગ્નિ તરફ મ્યાનમાર, દક્ષિણે રાજ્યનો તિરાપ જિલ્લો તથા પશ્ચિમે દિબાંગ વેલી જિલ્લો અને આસામ રાજ્યની સીમા આવેલાં છે. તેઝુ અહીંનું જિલ્લામથક છે, તે જિલ્લાના મધ્ય પશ્ચિમ ભાગમાં આવેલું છે. જિલ્લાનું નામ અહીં વહેતી એકમાત્ર નદી લોહિત પરથી પડેલું છે.

લોહિત જિલ્લો

ભૂપૃષ્ઠ-જળપરિવાહ-આબોહવા : જિલ્લાનો મોટો ભાગ પહાડી છે, બાકીનો થોડો ભાગ તળેટી અને મેદાની ભાગોથી બનેલો છે. અહીંના અસમતળ પ્રદેશને ત્રણ ભાગોમાં વહેંચી શકાય છે : (i) ઊંચાઈવાળો ટેકરી વિભાગ, (ii) મધ્યમ ઊંચાઈ ધરાવતો ટેકરી વિભાગ તથા (iii) તળેટી વિભાગ અને મેદાની વિભાગ.  જિલ્લાનો 57.69 % વિસ્તાર જંગલોથી અને 26.62 % વિસ્તાર અનામત જંગલોથી બનેલો છે.

લોહિત, તેંગાપાની અને નોઆદિહિંગ અહીંની મુખ્ય નદીઓ છે, તે સિવાય નાની નાની નદીઓ ઘણી છે. અહીં સરોવરો, કુદરતી જળાશયો, તળાવો તેમજ કળણો પણ ઘણી સંખ્યામાં છે. નદીઓ નજીક તૈયાર થયેલાં સરોવરો જેવાં કુદરતી જળાશયો (beels) અહીંની કુલ 500 હેક્ટર ભૂમિને આવરી લે છે.

આ જિલ્લો ઉપઅયનવૃત્તીય અને સમશીતોષ્ણ પ્રકારની આબોહવા ધરાવે છે. લાંબો ઉનાળો અને ટૂંકો શિયાળો – એવી માત્ર બે જ ઋતુઓ અહીં પ્રવર્તે છે.

ખેતી-પશુપાલન : ખેતી અને પશુપાલન અહીંના લોકોના મુખ્ય વ્યવસાયો છે. પહાડી વિભાગોમાં સ્થળાંતરિત ખેતી થાય છે, જ્યારે તળેટી-મેદાની વિભાગોમાં ખાસ કરીને ફળો અને શાકભાજીની બાગાયતી ખેતી થાય છે. ડાંગર, બાજરી, મકાઈ, ઘઉં, રાઈ, મગફળી, કઠોળ, તેલીબિયાં, સોયાબીન, મરચાં, બટાટા, પપૈયાં, કેળાં, નારંગી, પાઇનૅપલ, જામફળ, લીંબુ, કેરી અહીંના મુખ્ય કૃષિ-બાગાયતી પાકો છે. ફળોની બાગાયતી ખેતી માટે સરકાર તરફથી સહાય મળે છે. અહીંના ગ્રામીણ લોકોનો મોભો તેમની પશુસંખ્યા પરથી નક્કી થતો હોય છે. માંસ અહીંના લોકો ખોરાકમાં લેતા હોવાથી તેઓ પશુપાલન કરે છે. ગાય, ભેંસ, યાક, મિથુન (વિરલ પ્રાણી), ડુક્કર, ઘેટાંબકરાં અને મરઘાં-બતકાં અહીંનાં મુખ્ય પશુઓ છે. સહકારી ધોરણે ડેરી ઉદ્યોગ પણ ચાલે છે. પશુઓ માટે અહીં ઘણી મોટી સંખ્યામાં પશુ-દવાખાનાં અને ચિકિત્સાલયોની સુવિધા ઊભી કરવામાં આવી છે.

ઉદ્યોગ-વેપાર : આ જિલ્લો પહાડી ભૂપૃષ્ઠવાળો હોવાથી પરિવહન-સુવિધા વિકસેલી નથી, નદીઓ વેગથી વહે છે અને વારંવાર પ્રવાહો બદલે છે, વીજળીની તંગી છે, ડિઝલ જનરેટર સેટ મોંઘા પડે છે. આ બધાં કારણોથી અહીં ઉદ્યોગો વિકસી શક્યા નથી; તેઝુ નજીક દુરાનામા ખાતે નાનું જળવિદ્યુત-મથક છે, જે માત્ર નાના એકમોને ઊર્જા પૂરી પાડવા પૂરતું જ સક્ષમ છે. અહીં જંગલ-પેદાશો પર આધારિત, ભારતભરમાં સૌથી મોટું ગણાતું પ્લાયવુડનું કારખાનું નામસાઈ ખાતે આવેલું છે. નેતર અને વાંસ જેવી સમૃદ્ધ જંગલ પેદાશો, તેના એકમો, લાટીઓ અને રાચરચીલાના એકમો અહીં આવેલા છે. ડાંગર છડવાના અને રાઈનું તેલ પીલવાના, લાટીઓના, ચૂનાને પીસવાના ભઠ્ઠા તથા ઈંટો બનાવવાના એકમો આવેલા છે. અહીં ગ્રૅફાઇટ, ઍસ્બેસ્ટૉસ, તાંબાના અયસ્ક, ક્વાટર્ઝની શિરાઓ, ચૂનાખડકો અને આરસપહાણ સારા પ્રમાણમાં મળે છે. અહીં સિમેન્ટ, કાગળ, ફળ-પ્રક્રમણ અને મસાલા બનાવવાના એકમો નાખવા માટે ઊજળી તકો છે. આ ઉપરાંત ગૃહઉદ્યોગો પૈકી હાથસાળના એકમો છે, પરંતુ માટીનાં વિવિધ પ્રકારનાં પાત્રો; કેળના રેસામાંથી સુશોભનીય થેલા-થેલીઓ, સાદડીઓ; ઊની વસ્ત્રો; મધમાખીનાં ઉછેરકેન્દ્રો; લાકડા પરનું નકશીકામ અને કોતરકામ માટેના ગૃહઉદ્યોગો વિકસી શકે તેમ છે. ચાંદીકામ અને લુહારીકામ અહીંના ગ્રામીણ ક્ષેત્રે સદીઓથી ચાલતું આવેલું છે. ખેતી અને બગીચાઓ માટેનાં સાધનો, ઓજારો અને હથિયારો બનાવાય છે.

આ જિલ્લામાં વન્ય પેદાશો અને ખેતીની પેદાશોનો વેપાર ચાલે છે. વાહનવહેવારની સુવિધાઓ વિકસે તો આયાત-નિકાસને પ્રોત્સાહન મળે અને વેપાર વિકસી શકે તેમ છે.

પરિવહન : પહાડી પ્રદેશ હોવાથી પરિવહનનો વિકાસ થઈ શક્યો નથી. ચોમાસામાં પૂરને કારણે જે કોઈ માર્ગો છે, તે ખોરવાઈ જાય છે, હોડી-વ્યવહાર અંશત: ચાલે છે, પરંતુ નદીઓ વેગવાળી, છીછરી અને ખડકાળ હોવાથી મુશ્કેલી રહે છે. સહકારી મંડળીઓ ત્રણ બસસેવાઓ ચલાવે છે. વિદ્યુત હવાઈ સેવા તેઝુ જિલ્લામથકને અઠવાડિયે બે વાર સેવા આપે છે અને ભારતીય હવાઈદળ ક્યારેક વાલૉંગને સેવા આપે છે. જિલ્લામાં 1981 સુધી 108 કિમી.ના સારા તથા 73 કિમી.ના બાંધેલા પણ કાચા રસ્તા હતા. તે પછી નવા માર્ગો બનાવાયા છે.

પ્રવાસન : પરશુરામ કુંડ, ચૌખામ, એમ્પાગ, ફાનેંગ, મોહોંગ અને મહાદેવપુર અહીંનાં જાણીતાં જોવાલાયક મથકો છે. આ ધાર્મિક સ્થળો છે. પરશુરામ કુંડ તેઝુથી 25 કિમી. અંતરે આવેલું યાત્રાધામ છે. ચૌખામ અને એમ્પૉંગ બંનેમાં બૌદ્ધ મઠો છે. ચૌખામમાં હીનયાન પંથીઓ ભેગા થાય છે, જ્યારે એમ્પાગમાં સાંગકેન તહેવાર વખતે દર વર્ષે એપ્રિલમાં બૌદ્ધધર્મીઓ ભેગા થાય છે. ફાનેંગ એમ્પૉંગ જેવું જ ધાર્મિક સ્થળ છે. મહાદેવપુર ખાતેના આસામના બલિયાબાબા-પિશાદેમાનું મંદિર છે, મોહોંગ ખાતે તામ્રેશ્વરી માઈનું મંદિર છે, આ બંને સ્થળે એક રંગવાળા બકરા, નરબતક, કૂકડા અને કબૂતરના બલિ અપાય છે. મોહોંગ, બોરગોથા, ખેલ-દેવરી સમૂહમાં લોકોનું ધાર્મિક સ્થળ છે. મોહોંગમાં માઘ અને વૈશાખી પૂર્ણિમાએ બિહુ ઉત્સવો યોજાય છે.

આ જિલ્લામાં ખામતીઓ અને સિંગ્પો નામના બૌદ્ધધર્મીઓ એપ્રિલમાં સાંગકેનનો ઉત્સવ ઊજવે છે. ખામતીઓ ‘નુનહાક’ મે માસમાં ઊજવે છે, તેઓ અન્ય ઉત્સવો મઠોમાં જઈને જુલાઈને અંતે ફૂલો, શાકભાજી અને ચોખાથી ઊજવે છે. તેમને તેમનાં પોતાનાં શાસ્ત્રો છે. તેમની ‘તાઈ’ ભાષા છે. તેમનો સમાજ ત્રણ સમૂહોમાં વહેંચાયેલો છે, તેમને જુદા જુદા ધર્મગુરુઓ છે. તેઓ માંસ ખાતા નથી. ગૌતમ બુદ્ધના જન્મ અને મરણ બંને દિવસો ઊજવે છે. સિંગ્પો લોકોએ જૂની માન્યતાઓને જાળવી રાખી છે. અમુક પ્રસંગોએ તેઓ બળદ, ગાય, ડુક્કર અને મરઘીનાં બચ્ચાંનો બલિ આપે છે. ત્રીજી જાતના ‘દેવરી’ લોકોના ત્રણ સમૂહો છે; દિબાંગિયા, તેંગાપનિયા અને બોરગોયા આ ત્રણે સમૂહોના પણ કુલ 24 જેટલાં જૂથ છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 1,43,478 હતી. તે પૈકી 55 % પુરુષો અને 45 % સ્ત્રીઓ છે; ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ 80 % અને 20 % જેટલું છે. અહીં હિંદુઓ વિશેષ, બૌદ્ધો અને ખ્રિસ્તીઓ બીજા ક્રમે, મુસ્લિમ અને શીખ ઓછા જ્યારે જૈન તદ્દન ઓછા છે. સાક્ષરતાનું પ્રમાણ 40 % જેટલું છે. મુખ્ય ભાષાઓ અસમી, બંગાળી અને હિન્દી છે. વીસમી સદીના છેલ્લા દશકામાં લોકો તબીબી સેવાઓનો લાભ લેતા થયા છે. વહીવટી સરળતા માટે જિલ્લાને બાર વર્તુળોમાં, આ વર્તુળોને પાંચ સમાજ-વિકાસ ઘટકોમાં વિભાજિત કરેલો છે. જિલ્લામાં બે નગરો અને 487 ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : ઈ. સ. 1914 સુધી તે લખીમપુર જિલ્લાનો ભાગ હતો. ઈ. સ. 1914થી આ વિસ્તાર ઉત્તર પૂર્વીય સરહદી વિસ્તારમાં સમાવાયો. ઈ. સ. 1919થી તે સદિયા સરહદી વિસ્તાર તરીકે ઓળખાવા લાગ્યો. ઈ. સ. 1948થી આ વિસ્તાર એબોર ટેકરીઓ અને મીશમી ટેકરીઓ એ બે જિલ્લાઓમાં વહેંચાયો. આ બંને જિલ્લાઓનો વહીવટ રાજકીય નિષ્ણાતો દ્વારા થવા લાગ્યો, જેનું મુખ્ય વહીવટી મથક પાસીઘાટ હતું. ઈ. સ. 1952માં મીશમી ટેકરીઓના જિલ્લાનો સમાવેશ તેઝુ (Tezu) સરહદી વિસ્તારમાં કરાયો. ઈ. સ. 1954થી ઉત્તર પૂર્વીય સરહદી વિસ્તાર, ઉત્તર પૂર્વીય સરહદી એજન્સી તરીકે ઓળખાયો. એ જ રીતે મીશમી ટેકરીઓનો જિલ્લો લોહિત સરહદીય વિભાગ તરીકે ઓળખાયો. ‘ડીબાંગના ખીણ’ વિસ્તારની નવા વહીવટી વિભાગ તરીકે રચના કરવામાં આવી. ઈ. સ. 1980થી અરુણાચલ પ્રદેશના જિલ્લાઓના પુનર્નિર્માણના મુદ્દે બે નવા જિલ્લાઓ અસ્તિત્વમાં આવ્યા : લોહિત જિલ્લો અને ડીબાંગ ખીણનો જિલ્લો.

ગિરીશભાઈ પંડ્યા, નીતિન કોઠારી