લોહની, વિનાયક (જ. 12 એપ્રિલ 1978, ભોપાલ) : માનવજાતની સેવાના ઉદ્દેશ સાથે સ્થાપિત સામાજિક સેવાભાવી સંસ્થા પરિવાર (Parivaar.org)ના સ્થાપક. સંસ્થાની કામગીરી મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાં કેન્દ્રિત. મુખ્ય ઉદ્દેશ વંચિત સમુદાય, ગરીબ અને આદિવાસી સમુદાયોનાં બાળકોને પોષણયુક્ત આહારની સાથે ઉચ્ચ-ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાનો. ‘માનવસેવા એ જ પ્રભુસેવા’ના સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસના સંકલ્પ તથા મધર ટેરેસાની સેવાભાવનાથી પ્રેરિત લોહની સામાજિક ઉદ્યોગસાહસિક અને ‘ફાધર ટેરેસા’ તરીકે દેશવિદેશમાં પ્રસિદ્ધ.
પરિવાર મૂળે ઉત્તરાખંડના કુમાઉં વિસ્તારમાં અલ્મોડા જિલ્લાનો. જન્મ મધ્યપ્રદેશના ભોપાલમાં, પણ લોહનીએ કર્મભૂમિ બંગાળને બનાવી. પિતા ઉચ્ચ સનદી અધિકારી. પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ભોપાલમાં મેળવ્યું. વર્ષ 2000માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી (IIT), ખડગપુરમાંથી માઇનિંગ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી. ત્યાર બાદ વર્ષ 2003માં IIM-કૉલકાતામાંથી MBAની ડિગ્રી મેળવી. કૉલકાતામાં અભ્યાસ દરમિયાન રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રભાવિત થયા. સ્વામી વિવેકાનંદે આપેલા મંત્ર ‘માનવસેવા એ જ પ્રભુસેવા’ને પોતાનો જીવનમંત્ર બનાવ્યો. કૉલકાતામાં જ મધર ટેરેસાની સેવાભાવનાએ પણ તેમના માનસ પર ઊંડી અસર કરી. આજીવન લગ્ન ન કરવાનો નિર્ણય લીધો. કૉર્પોરેટ ક્ષેત્રમાં નોકરી કરવામાંથી રસ ઊડી ગયો. ગરીબ, વંચિત અને આદિવાસી પરિવારોનાં બાળકોની દારુણ ગરીબી જોઈને પરિવાર નામની સંસ્થાનો વિચાર આવ્યો.
IIM કૉલકાતામાં MBAનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી પ્લેસમેન્ટ પ્રક્રિયામાંથી ખસી જઈને વિનાયકે વર્ષ 2003ને અંતે કૉલકાતાના ઠાકુરપુકુર નજીક ભાડાની નાની બિલ્ડિંગમાં ફક્ત 3 બાળકો સાથે પરિવાર સંસ્થાની સ્થાપના કરી. પરિવારનો ઉદ્દેશ વંચિત અને ગરીબ બાળકોને પોષણયુક્ત આહારની સાથે શિક્ષણ પ્રદાન કરવાનો છે. શરૂઆતમાં કોઈ પણ પ્રકારના સંસાધનનો અભાવ. માતાએ પુત્રની સંસ્થા માટે સૌપ્રથમ દાન કર્યું. એટલે મિશન શરૂ કરવા અને પરિવારમાં 15 બાળકોનું રહેવા માટે વિનાયકે મૅનેજમેન્ટ પ્રવેશપરીક્ષાઓ આપવા માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું. આ રીતે પરિવાર સંસ્થાનો ખર્ચ પૂર્ણ કર્યો. ધીમે ધીમે લોકો તેમની સમર્પિત સેવા અને પહેલથી પ્રેરિત થઈને સાથસહકાર આપવા લાગ્યા. સાથે સાથે પરિવારમાં બાળકોની સંખ્યા વધવા લાગી. સંસ્થાએ શરૂઆતથી જ કોઈ પણ વિદેશી સંસ્થાઓ કે નાગરિકો પાસેથી દાન ન લેવાનો નિર્ધાર કર્યો. સંસ્થાના તમામ દાતાઓ ભારતીયો કે ભારતીય મૂળના છે. વળી સંસ્થા સરકાર પાસેથી કોઈ સહાય મેળવતી નથી.
વર્ષ 2004ના અંત સુધીમાં પરિવારે પોતાની જમીન ખરીદી અને પ્રથમ કૅમ્પસ – પરિવાર આશ્રમ શરૂ કર્યો. પરિવારના મિશને અનેક યુવાનોને આકર્ષિત કર્યા, જેની અંદર સમર્પણની ભાવના હતી. તેમાંથી અનેક લોકો પરિવાર સાથે જોડાઈ ગયા અને ત્યાં જ રહીને વિનાયક સાથે કામ કરવા લાગ્યા. વર્ષ 2011માં પરિવારે છોકરાઓ અને છોકરીઓ માટે અલગ કૅમ્પસ શરૂ કર્યા. ડિસેમ્બર, 2023 સુધીમાં પરિવાર સંસ્થા 1900થી વધારે રહેવાસી છોકરાઓ અને છોકરીઓ ધરાવે છે. એક અંદાજ મુજબ, જાન્યુઆરી, 2024 સુધી બંગાળમાં પરિવાર સંસ્થાની આશ્રમશાળાઓમાં 2100થી વધારે બાળકો રહીને અભ્યાસ કરે છે. આ સંસ્થા આશ્રમશાળાના માળખામાં નિરાશ્રિત બાળકોની દેખભાળ અને સર્વાંગી વિકાસ કરવા માટે આદર્શ બની ગઈ. આ પશ્ચિમ બંગાળમાં બાળકો માટે સૌથી મોટો અને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત રહેવાસી શૈક્ષણિક કાર્યક્રમ છે, જેમાં પોષણયુક્ત આહારની સુવિધા પણ ઉપલબ્ધ છે. પરિવાર ધોરણ 10 સુધી સહશિક્ષણ આપવા અમર ભારત વિદ્યાપીઠ નામની શાળા પણ ધરાવે છે.
બંગાળમાં લોહનની 14 વર્ષની અવિતરત સેવા પછી વર્ષ 2016-17માં પરિવારે મધ્યપ્રદેશમાં કામગીરી શરૂ કરી. રાજ્યમાં સંસ્થા 18 જિલ્લાઓમાં આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં ‘શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા કુટિર’ નામે પોષક ભોજન કમ શૈક્ષણિક કેન્દ્રો ચલાવે છે. તેમાં 40,000થી વધારે બાળકોને પોષણયુક્ત આહારની સાથે શિક્ષણ મળે છે. પરિવાર મધ્યપ્રદેશના જ દેવાલ, સીહોર અને મંડલા જિલ્લાઓમાં 2 આશ્રમશાળાઓ અને 2 હૉસ્ટેલ પણ ચલાવે છે. આ સંકુલોમાં રાજ્યના વિવિધ આદિવાસી વિસ્તારોમાંથી 1100થી વધારે છોકરાઓ અને છોકરીઓ રહે છે. ઉપરાંત સંસ્થા મધ્યપ્રદેશમાં 23 જિલ્લાઓમાં 93 નિઃશુલ્ક 24X7 ઍમ્બુલન્સ અને 982 ગામને આવરી લેતા 8 જિલ્લાઓમાં 21 મોબાઇલ મેડિકલ ક્લિનિક્સ પણ ચલાવે છે. ડિસેમ્બર, 2024 સુધી સંસ્થાએ રાજ્યમાં 15 લાખથી વધારે દર્દીઓને સેવા આપી છે. પોતાના વિઝન રિસ્ટોરેશન પ્રોગ્રામ અંતર્ગત પરિવારે આંખોની કેટલીક હૉસ્પિટલો સાથે જોડાણમાં 42 મહિનાઓમાં 5700થી વધારે કૅમ્પનું આયોજન કર્યું હતું, જેમાં 6.48 લાખથી વધારે દર્દીઓને દૃષ્ટિ સંબંધિત સારવાર મળી છે અને આંખોની 72,000 નિઃશુલ્ક સર્જરી થઈ છે. ઉપરાંત પરિવારે છતીસગઢ અને ઝારખંડમાં એક-એક જિલ્લાનાં કેટલાંક ગરીબ આદિવાસી વિસ્તારોમાં બાળકોને સેવા પ્રદાન કરવાનું શરૂ કર્યું છે.
સાથે સાથે વિનાયક યુવાન સામાજિક ઉદ્યોગસાહસિકોને મદદ અને માર્ગદર્શન પૂરું પાડે છે. લગભગ બે દાયકા સુધી બંગાળી ધુતી (ધોતિયું) ધારણ કર્યા પછી બે વર્ષ અગાઉ સફેદ કુર્તા-પાયજામા, જાડાં, કાળાં-રિમ ચશ્માં તેમની ઓળખ બની ગઈ છે. કૉલકાતાની જૂની શેરીઓમાં રાતે ફરવાનું પસંદ કરતા વિનાયક સત્યજિત રે અને ઋત્વિક ઘટકની ફિલ્મોના પ્રશંસક છે.
સમાજમાં ગરીબ, વંચિત અને આદિવાસી બાળકોની નિઃસ્વાર્થભાવે અવિરત સેવા કરવા બદલ વિનાયકને અત્યાર સુધી અનેક પુરસ્કારો મળ્યા. વર્ષ 2011માં રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના માનનીય રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે રાષ્ટ્રીય બાળકલ્યાણ પુરસ્કાર એનાયત થયો. એ જ વર્ષે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ પી જે અબ્દુલ કલામના કરકમળે યુવા ઉપલબ્ધિઓ માટે દેશનો સૌથી મોટો પુરસ્કાર સંસ્કૃતિ પુરસ્કાર એનાયત થયો. વર્ષ 2018માં ભારતના ઉપરાષ્ટ્રપતિ ડૉ. વૈંકયા નાયડુએ શ્રી ‘સત્ય સાંઈ પુરસ્કાર’થી વિનાયકનું સન્માન કર્યું. વર્ષ 2011 અને વર્ષ 2014માં અનુક્રમે IIM કૉલકાતા અને IIT, ખડગપુર બંનેનો ‘પ્રતિષ્ઠિત પૂર્વવિદ્યાર્થી પુરસ્કાર’ પણ મળ્યો. વર્ષ 2025માં ભારત સરકારે દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘પદ્મશ્રી’ એનાયત કર્યો.
કેયૂર કોટક