લોબામ્બા : આફ્રિકાના દક્ષિણ ભાગમાં આવેલા સ્વાઝિલૅન્ડના હોહો (Hhohho) જિલ્લાનો ગીચ વસ્તીવાળો ગ્રામીણ વિસ્તાર. ભૌગોલિક સ્થાન : 26° 27´ દ. અ. અને 31° 12´ પૂ. રે.. આ લોબામ્બા એ પરંપરાગત સ્વાઝી રીતરિવાજો મુજબ રાણીમાનું નિવાસસ્થાન છે. તે દેશની પંરપરા પ્રમાણે કાયદેસરનું લેખાતું પાટનગર પણ છે.

લોબામ્બા મધ્ય વેલ્ડ પ્રદેશમાં આવેલી પૂર્વીય એઝૂલવીની ખીણમાં આવેલું છે. તે દેશના અત્યારના વહીવટી અને અદાલતી પાટનગર મ્બાબાનેથી દક્ષિણમાં 18 કિમી.ને અંતરે આવેલું છે; એટલું જ નહિ, ભૌગોલિક દૃષ્ટિએ પણ તે દેશની લગભગ મધ્યમાં પશ્ચિમ તરફ ન્કાનીની નામના અગાઉના શાહી ગામના મૂળ સ્થળ પર આવેલું છે. અહીં શાહી આવાસો છે. તેમાં સંસદની ઇમારતો, સત્તાવાર શાહી નિવાસસ્થાન, શાહી રાષ્ટ્રીય કાઉન્સિલ અને રાષ્ટ્રીય સ્ટેડિયમ આવેલાં છે. રાષ્ટ્રીય ઉત્સવ (ઇન્કવાલા) અને નૃત્ય (ઉમ્હલાંગા) જેવી બે સાંસ્કૃતિક પરંપરાઓની અહીં ઉજવણી થાય છે. આ ઉપરાંત મ્લિલવાને ગેઇમ સૅંન્ચુરી અને ગિલ્બર્ટ રેનોલ્ડ્ઝ મેમૉરિયલ ગાર્ડન  બંને લોબામ્બાની વાયવ્યમાં 10 કિમી. અંતરે આવેલી જોવાલાયક જગાઓ છે.

ગિરીશભાઈ પંડ્યા