લોફોટન ટાપુઓ (Lofoten islands) : નૉર્વેના વાયવ્ય કિનારાથી દૂર સમુદ્રમાં આવેલા નાનામોટા ટાપુઓનો સમૂહ. ભૌગોલિક સ્થાન : 68° 00´ ઉ. અ. અને 13° 30´ પૂ. રે.. તેમનો વિસ્તાર આશરે 1,227 ચોકિમી. જેટલો છે. અહીંથી ઉત્તર તરફના વેસ્ટરલેન દ્વીપસમૂહને ક્યારેક લોફોટન ટાપુઓના એક ભાગ રૂપે ગણવામાં આવે છે, તેમનો વિસ્તાર 1,502 ચોકિમી. જેટલો છે. લોફોટન ટાપુઓની અને વેસ્ટરલેન દ્વીપસમૂહની વસ્તી (1991 મુજબ) અનુક્રમે 26,000 અને 33,000 જેટલી છે.
આ ટાપુઓ તેમની મત્સ્યસંપત્તિ અને માછીમારી માટે જાણીતા છે. અહીં કૉડ માછલી પકડવાનો વ્યવસાય ચાલે છે. કૉડ માછલી અહીંની આવકનો મુખ્ય સ્રોત બની રહેલી છે. માછીમારીના આ વ્યવસાયને કારણે બહારથી પણ માછલી પકડનારાઓ આવતા હોવાથી વસંતઋતુ દરમિયાન અહીંની વસ્તી બમણી થઈ જાય છે.
આ ટાપુઓ પર કેટલાક ઉદ્યોગો પણ વિકસ્યા છે. તેમાં ખાદ્યચીજોને પૅક કરવાના ડબ્બાઓ, મત્સ્યતેલ, માછલીઓનું માંસ વગેરેનો સમાવેશ થાય છે. સ્વોલ્વેર અહીંનું મુખ્ય બંદર છે.
મૉસ્કેનસોયા અને વેરોય નામના બે ટાપુઓ વચ્ચે મેલસ્ટ્રોમ નામે ઓળખાતો જળ-ભમરો (whirlpool) આવેલો છે. વાસ્તવમાં તો તે ભમરો નથી, પરંતુ અહીં એક વેગીલો ભરતીપ્રવાહ વહે છે, જે આ બે ટાપુઓ વચ્ચે આગળપાછળ વહેતો રહે છે.
બીજા વિશ્વયુદ્ધમાં જર્મનોએ જ્યારે નૉર્વેનો કબજો મેળવેલો ત્યારે બ્રિટિશ અને નૉર્વેજિયન લશ્કરી દળોએ જર્મનો સામે આ ટાપુઓ પર બે હિંમતભર્યા હુમલા કરેલા.
ગિરીશભાઈ પંડ્યા