લોએસ : પવનજન્ય નિક્ષેપ જથ્થો. જમીનનો એક પ્રકાર. તે મુખ્યત્વે સિલિકાયુક્ત-ચૂનાદ્રવ્યયુક્ત રેતી કે રજકણોથી બનેલો હોય છે. ક્યારેક આ પ્રકારનો જથ્થો સ્તરબદ્ધતાવિહીન, જામ્યા વગરનો છૂટો પણ હોય છે, જે મુખ્યત્વે કાંપકાદવ(silt) – કણકદવાળા દ્રવ્યથી બનેલો હોય છે. તેની સાથે ગૌણ પ્રમાણમાં અતિ સૂક્ષ્મ રેતી રજકણો અને/અથવા માટીદ્રવ્ય પણ હોય છે. આ બધું જ દ્રવ્ય સમાંગ લક્ષણવાળું, ભેદ્ય અને રંગમાં પીળાશ પડતું કે બફ કે રાખોડી હોય છે. સ્થાન અને સંજોગભેદે તેમાં ચૂનાયુક્ત કંકર અને જીવાવશેષોની કવચકણિકાઓ પણ હોઈ શકે છે.

રહાઇન નદીના ખીણપ્રદેશની આજુબાજુના પ્રદેશમાં પવનની ક્રિયાથી જમાવટ પામેલા આ પ્રકારના નિક્ષેપ માટે આલ્ફ્રેડ શીડીંગ દ્વારા 1821માં ‘લોએસ’ પર્યાય પ્રયોજાયેલો; ત્યારપછી 1834માં ઇંગ્લૅન્ડના કેટલાક વિસ્તારોમાં જોવા મળેલા એવા જ નિક્ષેપ માટે સર ચાર્લ્સ લાયલ દ્વારા પણ આ જ પર્યાય ઉપયોગમાં લેવાયો, ત્યારપછી તો તે રૂઢ પણ થઈ ગયો.

લોએસનાં કણકદ સરેરાશ 1/16 થી 1/32 મિમી. વચ્ચેનાં હોય છે. ભૌતિક પદ્ધતિ દ્વારા કરેલાં પૃથક્કરણો દ્વારા તેનું બંધારણ આ પ્રમાણે હોવાનું જાણવા મળેલું છે : સૂક્ષ્મ રેતીકણો (> 0.074 મિમી.) 0 % થી 10 %, કાંપકાદવ (0.074 થી 0.005 મિમી.) 50 % થી 85 % અને માટીદ્રવ્ય (< 0.005 મિમી.). 15 % થી 45 %. બંધારણમાં રહેલા રેતી કણો ઓછાવત્તા  કોણાકાર અને કાંપકાદવ પ્રમાણમાં વ્યવસ્થિત ગોઠવણીવાળો હોય છે. રેતીકણો ઉપર માટીદ્રવ્યનું આવરણ ચઢી જતું હોય છે, રેતીકણો વચ્ચેની આંતરકણજગાઓ પણ માટીથી ભરાઈ જાય છે. રેતી અને કાંપકાદવનું ખનિજીય બંધારણ આ પ્રમાણે હોય છે : ક્વાર્ટઝ : 50 % થી 70 %, ફેલ્સ્પાર : 15 % થી 30 %, કાર્બોનેટ (મુખ્યત્વે કૅલ્સાઇટ) : 0 %થી 11 %, ભારે ખનિજો : 5 % થી 15 %. ક્ષ-કિરણો દ્વારા કરવામાં આવેલી લોએસની પરખમાં વિપુલ ક્વાર્ટઝ કણો, મોન્ટમોરિલોનાઇટ, ઇલાઇટ અને ક્લોરાઇટ હોવાનું જણાયું છે. કણરચના-ખનિજ બંધારણની દૃદૃષ્ટિએ તેને પંકપાષાણ કે શેલ ખડકની સાથે સરખાવી શકાય.

લોએસ

ઉ. અમેરિકા, ઉ. યુરોપ કે ઉ. એશિયામાં પ્રવર્તેલી છેલ્લામાં છેલ્લી હિમચાદરો (હિમપટ) જ્યાં આચ્છાદિત હતી તેની આજુબાજુની કિનારીઓના ભાગોમાં લોએસનો વિકાસ થયેલો છે. લોએસમાં જોવા મળતા રજકણો મૂળભૂત રીતે તો રણવિસ્તારોમાંથી કે આજુબાજુના વનસ્પતિવિહીન વિસ્તારોમાંથી ઊડી આવેલા હોવાનું જણાય છે. મોટા- ભાગના લોએસ નિક્ષેપો છેલ્લા હિમકાળ (વિસ્કૉન્સિન) દરમિયાન કે તે પછીથી થયેલા હોઈ શકે. અર્થાત્ હિમકાળ દરમિયાન જમા થયેલા સૂક્ષ્મ નિક્ષેપ જથ્થાઓમાંથી તરત પછીના ગરમ, સૂકા થતા જતા આંતરહિમકાળમાં લોએસની જમાવટ થયેલી હોવાનું મનાય છે. તે અગાઉના હિમકાળ સાથે સંકલિત કોઈ ખાસ લોએસ જમાવટ થયેલી જણાતી નથી, એટલે કે પ્લાયસ્ટોસીનથી જૂના કાળમાં લોએસ રચના થઈ નથી જ.

લોએસની જમાવટ સમજાવવા ઘણા સિદ્ધાંતો સૂચવવામાં આવેલા છે, તે પૈકીનો સર્વસ્વીકૃત સિદ્ધાંત પવન દ્વારા રજકણો વહન પામી નિક્ષેપક્રિયા થયા વિશેનો છે. લોએસ જમાવટ માટે ઉત્તર ચીન (જ્યાં એશિયાઈ રણમાંથી વાતજન્ય રજકણોનો જથ્થો જમાવટ પામેલો છે) અને આર્જેન્ટીના અગત્યના પ્રદેશો છે. ભારત-પાકિસ્તાનમાં સિંધુ નદીના પૂર્વ પ્રદેશોમાં, વાયવ્ય પંજાબમાં અને સૉલ્ટ રેન્જ ઉપર છૂટા, સ્તરરચનાવિહીન માટી કે રેતી જેવા, મેદાની કાંપથી થોડા જુદા બંધારણવાળા, લોએસનાં લક્ષણ ધરાવતા પાર્થિવ પ્લાયસ્ટોસીન જથ્થાઓ આવેલા છે. ઊંચાઈએ મળી આવવાને કારણે તેમજ તેના પર ઊગતા ઘાસનાં મૂળને લીધે રહી ગયેલાં સૂક્ષ્મ કાણાંઓને કારણે તે મેદાની કાંપથી અલગ તારવી શકાય છે. બલૂચિસ્તાનના ભાગો પવન દ્વારા ઊડી આવેલી, સ્તરરચનાવિહીન અને ઓછું સંશ્ર્લેષણ પામેલી, ઓછેવત્તે અંશે ચૂનાયુક્ત અને રેતીવાળી માટીથી ઢંકાયેલા છે. સૉલ્ટ રેન્જના ઉચ્ચ-પ્રદેશના સપાટ શિરોભાગ પર ખૂબ જ બહોળા વિસ્તારમાં ઉપરછલ્લા નિક્ષેપ સ્વરૂપે લોએસ મળે છે. અહીં આજે પણ પંજાબનાં મેદાનોમાંથી ઊડી આવતી રેતી અને રજકણોમાંથી લોએસ જમાવટની ક્રિયા થઈ રહી છે. તેના અનિયમિત વિતરણને લીધે ઉત્પન્ન થતી સપાટીની અસમાનતા સૉલ્ટ રેન્જના ઊંચાઈવાળા ભાગોમાં જોવા મળતાં અસંખ્ય છીછરાં સરોવરો માટે જવાબદાર છે. પોટવાર(પાકિસ્તાન)ના પ્રદેશમાં પણ લોએસ પ્રધાન રચનારૂપે મળે છે, જ્યાં ખીણશાખાઓની ગૂંથણીમાં થયેલા તેના છેદનને કારણે ખરાબાના પ્રદેશો અસ્તિત્વમાં આવ્યા છે. આ બધા ભાગોમાં પ્રવર્તતી અર્ધશુષ્કતા અને અનાવૃદૃષ્ટિની લાંબી ઋતુઓ જેવા સંજોગોએ લોએસની વૃદ્ધિ માટે અનુકૂળતા કરી આપી છે. પરિણામે ચોમાસાની અગાઉના ગરમ મહિનાઓમાં રેતીનાં પ્રચંડ તોફાનો ઉદ્ભવે છે, તે સૂર્યતાપથી ગરમ બનેલાં મેદાનોમાંથી તેમજ સુકાઈ ગયેલાં કેટલાંક નદીથાળાંઓમાંથી કાંપ અને રજકણોનો વિપુલ જથ્થો ખેંચી લાવે છે અને નજીકના ઊંચાણવાળા પ્રદેશ ઉપર કે અન્યત્ર તેના ઢગ રચે છે. પંજાબના કેટલાક ભાગોમાં જોવા મળતા રજકણોના છૂટાછવાયા ઢગલાઓ માટે આ કારણ આપી શકાય.

ગિરીશભાઈ પંડ્યા