લોઅર ડેપ્થ્સ (જ. 1902) : રૂસી નાટ્યકાર અને વાર્તાકાર મૅક્સિમ ગૉર્કી તરીકે જાણીતા અલેકસેઈ મક્સિમોવિચ પ્યેશ્કોવ(1868-1936)નું વિશ્વવિખ્યાત અને ઉચ્ચ નાટ્યાત્મકતા ધરાવતું ત્રિઅંકી નાટક. શહેરના ગંદા વિસ્તારમાં કોઈ ગુફા જેવા ભંડકિયામાં વસતાં, ભૂખ અને અભાવોની જિંદગી જીવતાં પાત્રોનું નિરૂપણ એના સર્જકના સ્વાનુભવમાંથી ઊતરી આવ્યું છે. રંગીલી વેશ્યા નાસ્ત્યા, બંને ફેફસાં સબડી ગયેલાં છે એવો દારૂડિયો સેતીન, બેકાર ક્લેશ્ર્ચ અને મરવા પડેલી એની પત્ની અન્ના, અઠંગ ચોર વાસ્કા પેપેલ વગેરે પાસેથી આ ભંડકિયાનું ભાડું ઉઘરાવતો અને ચોરીનો માલ સંઘરતો કોસ્તિલ્યેફ અને એની વાસનામાં સબડતી પત્ની વાસીલીસા વગેરે દ્વારા કહે છે કે ગૉર્કીએ એક રીતે તો ક્રાંતિ પૂર્વેના તત્કાલીન રૂસનું અને રૂસી પ્રજાનાં દુ:ખદર્દનું આલેખન કર્યું છે. આ બધાં પાત્રોની વચ્ચે એક પ્રવાસી સ્વપ્નદ્રષ્ટા લ્યુકા આવે છે અને આ લોકોમાં નવા જીવનની આશાનો સંચાર કરે છે. એક પણ દિવસ ભૂખ્યું ન સૂવું પડ્યું હોય એને યાદ કરવા મથતી અન્ના એવા નવા જીવનની આશા સેવે છે, જ્યારે એને હંમેશ પેટ પૂરતું જમવાનું મળશે. દારૂડિયાને લ્યુકા કહે છે કે રૂસમાં ક્યાંક તો એનાં ફેફસાં સારાં થાય એવી ઇસ્પિતાલ હશે જ. ચોર પેપેલને એ એક સ્ત્રી સાથે પરણાવી પ્રામાણિક ધંધા તરફ વાળે છે અને કહે છે કે ‘સ્ત્રીને હૃદય હોય છે, આપણે પુરુષો તો પશુજીવન જીવીએ છીએ’ વગેરે. અલબત્ત આ તત્વજ્ઞાન પણ પૂરતું નથી, કારણ કે સમગ્ર જીવન અને પરિસ્થિતિ ભ્રામક છે. ઉત્કટ ઝંખનાઓ અને લાલસાઓના અંતિમ દૃશ્યમાં ભંડકિયાના માલિકની હત્યા થાય છે અને ચોર પેપેલને જેલમાં પૂરવામાં આવે છે. દુ:ખદર્દમાં સબડતાં આ પાત્રોને અંતે ખબર પડે છે કે લ્યુકા તો ઓચિંતો અદૃશ્ય થઈ ગયો છે અને ત્યારે સેતીન બોલી પડે છે કે આપણું પરોપજીવી જીવન એટલું નમાલું છે કે એ અસત્યને આધારે ટક્યું છે. અંતે તો સત્ય એ જ મુક્ત માનવીનો ધર્મ છે. ભલે એમ કહેવાતું હોય કે વ્યક્તિ માત્ર પોતાના માટે જીવે છે, પરંતુ હકીકતે એ બહેતર જીવનની અપેક્ષામાં દિવસો પૂરા કરતો હોય છે.
મૅક્સિમ ગૉર્કીના આ નાટકની જાણીતા રૂસી દિગ્દર્શક કન્સ્તાન્તિન સ્તાનિસ્લાવ્સ્કીએ વાસ્તવવાદી રજૂઆત કરી ત્યારે રૂસી નાટ્યપ્રસ્તુતિની પ્રણાલીને નવી દિશા મળી હતી. જીવનનું અને વાસ્તવિકતાનું યથાતથ વાસ્તવવાદી નિરૂપણ કરવા માટે સ્તાનિસ્લાવ્સ્કીએ મૉસ્કોના આવા વિસ્તારોમાં વસતાં પાત્રોનો અભ્યાસ કર્યો. એટલું જ નહિ, નટોને પણ એ માટે આ વિસ્તારોમાં મોકલ્યા હતા. અનેક દેશી-વિદેશી દિગ્દર્શકોને આ નાટક આકર્ષતું રહ્યું છે. હિન્દીમાં અને ગુજરાતીમાં એના અનેક પ્રયોગો થયા છે. ગુજરાતીમાં ‘ઊંડા અંધારેથી’ નામે સ્વ. જશવંત ઠાકરે તેનો અનુવાદ કર્યો છે. વિશ્વવિખ્યાત રૂસી નાટ્યકાર અન્તોન ચેહફ અને લિયો તોલ્સતોયના સમકાલીન ગૉર્કીનું આ નાટક વિશ્વનાટ્ય સાહિત્યમાં ખૂબ નોંધપાત્ર બન્યું છે.
હસમુખ બારાડી