લૉસ ઍન્જલસ : યુ.એસ.નું વસ્તીની દૃદૃષ્ટિએ ત્રીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 34° 03´ ઉ. અ. અને 118° 14´ પ. રે.. તે કૅલિફૉર્નિયા રાજ્યનું સૌથી મોટું શહેર ગણાય છે. તેની પશ્ચિમે પૅસિફિક મહાસાગર અને પૂર્વમાં ગેબ્રિયલ પર્વત આવેલા છે, તેમની વચ્ચેના મેદાની વિસ્તારમાં વસેલું આ શહેર સમુદ્રસપાટીથી 83 મીટરની ઊંચાઈ પર છે. તેનો બંદર વિભાગ સાન પેદ્રોના અખાત પર 80 કિમી.ના અંતરે આવેલો છે. આ શહેર અગ્નિ દિશાએ 209 કિમી. અંતરે મેક્સિકોની સીમાએ સાન ડિયેગો શહેર તથા વાયવ્ય તરફ 563 કિમી.ને અંતરે સાન ફ્રાન્સિસ્કો શહેર આવેલાં છે. મુખ્ય શહેરનો વિસ્તાર 1,204 ચોકિમી. જેટલો છે, જ્યારે બૃહદ ઍન્જલસનો કુલ વિસ્તાર 10,572 ચોકિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ન્યૂયૉર્ક પછી આ શહેરનો ક્રમ આવે છે. બૃહદ ઍન્જલસ શહેરની વસ્તી આશરે 90 લાખ જેટલી છે, જ્યારે શહેરની વસ્તી 1999 મુજબ આશરે 36,33,591 છે.
સમુદ્રકિનારો અહીં નજીક આવેલો હોવાથી આ શહેરની આબોહવા સમધાત રહે છે. અહીંનાં ઑગસ્ટ અને જાન્યુઆરીનાં સરેરાશ દૈનિક તાપમાન અનુક્રમે 24°થી 17° સે. અને 17°થી 7° સે. જેટલાં રહે છે. આજ સુધીમાં નોંધાયેલાં અહીંનાં વિક્રમ તાપમાન મહત્તમ 43° સે. અને લઘુતમ 5° સે. જેટલાં છે. નવેમ્બરથી એપ્રિલ દરમિયાન અહીં સરેરાશ 300 મિમી. જેટલો વરસાદ પડે છે, જ્યારે કોઈક વાર સૂકી ઋતુમાં પર્વતીય વિસ્તારમાં દવ લાગે છે.
લૉસ ઍન્જલસ કૅલિફૉર્નિયામાંથી પસાર થતા સાન ઍન્ડ્રેઅસ સ્તરભંગની રેખીય દિશામાં આવેલું હોવાથી ત્યાં જ્યારે જ્યારે ભૂકંપ થાય છે ત્યારે તેની અસર આ શહેર પર વરતાય છે અને કુદરતી હોનારત સર્જાય છે. 1971ના 6.5 તીવ્રતાવાળા ભૂકંપની અસર અહીં થયેલી.
અર્થતંત્ર : લૉસ ઍન્જલસ યુ.એસ.ના પશ્ચિમ ભાગનું સૌથી મહત્વનું ઔદ્યોગિક, વ્યાપારિક અને પરિવહનનું કેન્દ્ર ગણાય છે. બીજા વિશ્વયુદ્ધ પછી અહીં વસ્તી અને વિકાસ વધતાં ગયાં છે.
ઉદ્યોગો : યુ.એસ.ના સૌથી વધુ ઉદ્યોગો આ શહેરમાં સ્થપાયેલા છે. અહીં આશરે 18,000 ફૅક્ટરીઓ છે; જે પૈકીની 2,000 ફૅક્ટરીઓ વિમાનો અને તેના પુરજા બનાવે છે. આ કારણે તે યુ.એસ.નું વિમાનો બનાવતું સૌથી મોટું કેન્દ્ર ગણાય છે. અહીં આવેલા એકમોમાં વૈજ્ઞાનિકો, ગણિતજ્ઞો અને ઇજનેરોને પોતાની દક્ષતા બતાવવાની તક મળે છે. લૉસ ઍન્જલસમાં આવેલો હૉલિવુડ જિલ્લો દુનિયાભરના ચિત્રપટ ઉદ્યોગની રાજધાની તરીકે જાણીતો છે. અહીંનો આ ચિત્રઉદ્યોગ 1940થી પ્રગતિ કરતો રહ્યો છે. અહીંના ભૂસ્તરમાંથી ખનિજતેલ મેળવાય છે. તેને શુદ્ધ કરવાની ઘણી રિફાઇનરીઓ અહીં આવેલી છે. આ ઉપરાંત અહીં મોટર, વીજસાધનો, વીજાણુયંત્રો, રબર, ટાયર-ટ્યૂબ, રસાયણો, કાચની સાધનસામગ્રી, લોખંડ-પોલાદ, રમકડાં, વાદ્ય-સંગીતનાં સાધનો બનાવવાના અને મુદ્રણકલાના એકમો આવેલા છે.
વેપાર : યુ.એસ.ના પૅસિફિક કિનારે સૌથી વધુ જહાજો લૉસ ઍન્જલસના બંદરે લાંગરે છે. યુ.એસ.ની સૌથી વધુ આયાત-નિકાસ પણ આ બંદરેથી જ થાય છે. યુ.એસ. અને જાપાન વચ્ચે થતો વેપાર આ બંદર દ્વારા થાય છે. જાપાન, ઑસ્ટ્રેલિયા, કૅનેડા, મેક્સિકો, દક્ષિણ અમેરિકા અને અગ્નિ એશિયાના દેશો સાથેના ઘનિષ્ઠ વેપારી સંબંધો આ બંદરને કારણે સ્થપાયા છે.
પરિવહન : અહીંના મોટાભાગના નિવાસીઓ પોતાની અવરજવર માટે મોટરવાહનનો ઉપયોગ કરે છે. ઑરેન્જ અને વેન્ટુરા તાલુકાઓને સાંકળતો 1,050 કિમી.નો રસ્તો આ શહેરની નજીકથી જ પસાર થાય છે, માત્ર વધુ ઝડપી વાહનો જ અહીં હેરફેર કરી શકે છે. દુનિયાના લાંબામાં લાંબા મોટરમાર્ગ પૈકીનો આ માર્ગ ગણાય છે. અહીંથી પસાર થતા વાહનમાલિકોને કોઈ કર ભરવો પડતો નથી. આ ઉપરાંત અહીં ઘણા પાકા રસ્તાઓ આવેલા છે. લૉસ ઍન્જલસ દુનિયાભરમાં વધુમાં વધુ ઉપયોગમાં લેવાતાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો પૈકીનું એક છે.
લૉસ ઍન્જલસ અને સાન્તા મોનિકા, લાગ બીચ, ટોરાન્સ, પાસાડેના અને સાન્તા ઍના જેવાં તેનાં પરાંમાંથી અનેક વર્તમાનપત્રો પ્રગટ થાય છે. અહીં 13 જેટલાં ટી.વી. કેન્દ્રો અને 70 રેડિયોમથકો આવેલાં છે.
મનોરંજન : આ શહેર મોકાના સ્થાને આવેલું હોવાથી તથા તેની અનુકૂળ આબોહવાને કારણે અનેક લોકો સમુદ્રસ્નાન માટે આવે છે અને તેની મોજ માણે છે. સ્કીઇંગ અને ગૉલ્ફ અહીંની જાણીતી રમતો છે. શહેરમાં હૉલિવુડ બાઉલ અને ધ ગ્રીક થિયેટર નામનાં બે વિશાળ ઓપન-એર થિયેટરો આવેલાં છે. અહીં કૅલિફૉર્નિયા યુનિવર્સિટી, માઉન્ટ વિલ્સન અને માઉન્ટ પાલોમર વેધશાળા, ડિઝનીલૅન્ડ, હન્ટિંગ આર્ટ ગૅલરી અને પુસ્તકાલય આવેલાં છે.
વસ્તી : યુ.એસ.ના મૂળ નિવાસીઓ ઉપરાંત દુનિયાના ઘણા દેશોમાંથી લોકો આવીને અહીં વસ્યા છે. શહેરની કુલ વસ્તીના 50 % વસ્તી તો એશિયન જાતિના લોકોથી બનેલી છે. અહીં લૅટિન અમેરિકી લોકો છે, અશ્વેતો અને યુરોપિયનો પણ છે. યુરોપિયનો પૈકી બ્રિટન, જર્મની, આયર્લૅન્ડ, ઇટાલી અને રશિયાના લોકોનો સમાવેશ થાય છે. અહીં રોમન કૅથલિકોનું પ્રમાણ વધુ છે. યુ.એસ.નાં અન્ય શહેરો કરતાં અહીં મૅક્સિકનોનું પ્રમાણ વિશેષ છે. તેમની વસ્તી આશરે 6 લાખ જેટલી છે, તેમાંના કેટલાક તો યુ.એસ.માં જ જન્મેલા છે, તો બીજા કેટલાક મેક્સિકોમાંથી આવેલા છે. આ ઉપરાંત, કેટલાક મધ્ય
અમેરિકા, ક્યૂબા, પુઅર્ટોરીકો વગેરેમાંથી પણ સ્થળાંતર કરીને આવેલા છે. અહીંના લોકોની ભાષા અંગ્રેજી છે. આ શહેરની કુલ વસ્તીના 17 % લોકો કાળી ચામડીવાળા છે, તેઓ ગરીબાઈભર્યું જીવન ગુજારે છે, તેમની વસાહતો પરાવિસ્તારોમાં વધુ છે. એશિયન જાતિના લોકોનું પ્રમાણ માત્ર 9 % જેટલું છે. તેમાં વધુ પ્રમાણ ફિલિપિનો, ચીની, જાપાની અને કોરિયનોનું છે. અહીંના ગરીબ લોકો શિક્ષણથી વંચિત રહે છે. ગરીબાઈ, જાતિ અને ધર્મના સંદર્ભમાં અહીં ઘણી જાતના સામાજિક સંઘર્ષો થતા રહે છે.
ઇતિહાસ : આ શહેરના સ્થળે સર્વપ્રથમ અમેરિકી ઇન્ડિયનો વસતા હતા. 1500માં શોશાને જાતિના લોકોએ અહીંની નદીના કિનારે યાંગ-ના નામની એક ગ્રામવસાહત ઊભી કરેલી. 1769માં ગૅસ્પર-દ-પૉર્ટોલા નામના સ્પૅનિશ કૅપ્ટને ઉત્તર સાન ડિયેગોથી મૉન્ટેરી સુધી એક અભિયાન ખેડેલું, તેને પરિણામે 1781માં સર્વપ્રથમ વાર સ્પૅનિશ વસાહત સ્થપાયેલી. આ પ્રદેશ ખેતીને અનુકૂળ હોવાથી નારંગીની ખેતી વિશેષ લેવાતી હતી. 1920માં અહીંથી ખનિજતેલ મળતાં શહેરનો વિકાસ વધ્યો. બીજા વિશ્વયુદ્ધ પછી વિમાનો બનાવવાના વિશાળ એકમો સ્થપાયા. 1965 અને 1992માં અહીં જાતિવાદી સંઘર્ષો થયા અને હુલ્લડો સર્જાયાં. 1994માં અહીં ભૂકંપ થયેલો, જેની અસરથી અહીંના ઘણા નિવાસીઓ આવાસવિહોણા થઈ ગયેલા.
નીતિન કોઠારી