લૉવેલ, બર્નાર્ડ (સર) (જ. 31 ઑગસ્ટ 1913, ગ્લૉસ્ટરશાયર, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડના રેડિયો-ખગોળશાસ્ત્રી. ઇંગ્લૅન્ડમાં આવેલા જૉડ્રેલ બૅન્ક પ્રાયોગિક મથકના સ્થાપક અને નિયામક (1951-1981). 1961માં તેમને સરનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમણે બ્રિસ્ટલ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી 1936માં મેળવી. માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા બન્યા. એક વર્ષ બાદ બ્રહ્માંડ કિરણો (cosmic rays) અંગેના સંશોધન-જૂથના સભ્ય તરીકે કાર્ય કર્યું. 1939માં શરૂ થયેલા બીજા વિશ્વયુદ્ધ સમયે તેમનું પહેલું પુસ્તક ‘સાયન્સ ઍન્ડ સિવિલિઝેશન’ પ્રસિદ્ધ થયું.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે વાયુ મંત્રાલય (Air Ministry) માટે રડાર આધારિત શોધ (detection) અને નૌકાવહન (navigation) અંગે મહત્વનું સંશોધન કર્યું, જેને માટે 1946માં તેમને ‘ઑર્ડર ઑવ્ બ્રિટિશ એમ્પાયર’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.
1945માં માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે ફરી કાર્ય શરૂ કર્યું ત્યારે બ્રહ્માંડ કિરણોના સંશોધન માટે ઉપયોગી થાય તે માટે તેમને લશ્કરનું ફાજલ પડેલું એક રડારયંત્ર અને સર્ચલાઇટનો પાયો મળ્યાં હતાં. શહેરમાં ચારેબાજુની ઇમારતોને લીધે તેમના સંશોધનકાર્યમાં અડચણ પડતી હોવાથી તેમણે તેમનાં પ્રાયોગિક સાધનો માન્ચેસ્ટરથી 32.10 કિલોમીટર (20 માઈલ) દૂર દક્ષિણે જૉડ્રેલ બૅન્કના ખુલ્લા મેદાનમાં ખસેડ્યાં હતાં. ત્યારબાદ યુનિવર્સિટીના અધિકારીઓએ તેમને એ સ્થાન (જે યુનિવર્સિટીના વનસ્પતિશાસ્ત્રના વિભાગ માટે હતું) ઉપર તેમનાં વૈજ્ઞાનિક ઉપકરણો કાયમી ધોરણે સ્થાપવા માટે રજા આપી હતી અને રેડિયો-દૂરબીન બનાવવા માટે આર્થિક સહાય આપી હતી. એ રેડિયો-દૂરબીનને મૂકવા માટે તેમણે સર્ચલાઇટના પાયાનો ઉપયોગ કર્યો હતો.
રેડિયો-દૂરબીનની મદદથી લૉવેલે શરૂઆતમાં ઉલ્કાકણોનો અભ્યાસ કર્યો હતો. એ અગાઉ 15 વર્ષ પહેલાં કેટલીક ઉલ્કાવર્ષા દરમિયાન ઉલ્કાકણો દ્વારા થતા રેડિયો-તરંગોના પડઘાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો ત્યારે કેટલાક ખગોળશાસ્ત્રીઓએ નોંધ્યું હતું કે શ્યમાન ઉલ્કાની સંખ્યા, રેડિયો-પડઘાની સંખ્યા કરતાં ઘણી ઓછી હતી. એ ઉપરથી જાણવા મળ્યું હતું કે ઉલ્કાવર્ષા દરમિયાન દેખાય છે તેના કરતાં ઉલ્કાકણોની સંખ્યા ઘણી વધારે હોય છે. ત્યારપછી ઑક્ટોબર 9-10, 1946ના રોજ થયેલી પ્રખર ઉલ્કાવર્ષાના અભ્યાસ દ્વારા તેમણે સાબિત કર્યું હતું કે દૃશ્યમાન ઉલ્કાની સંખ્યા અને રેડિયો-પડઘાની સંખ્યા એકબીજી સાથે ઉલ્કાવર્ષાની આગાહીના સમય પ્રમાણે સુસંગત હતી. આ રીતે તેમણે નિર્ણયાત્મક રીતે સાબિત કર્યું હતું કે રેડિયો-પડઘા ઉલ્કાકણો દ્વારા જ થાય છે. રેડિયો-દૂરબીન વડે કરેલા ઉલ્કાના વધુ અભ્યાસ દ્વારા દિવસ દરમિયાન થતી ઉલ્કાવર્ષાનું અસ્તિત્વ સાબિત કર્યું હતું, જેને વિશે તે પહેલાં કોઈ જાણતું નહોતું. આ ઉપરાંત, તેમણે સાબિત કર્યું હતું કે ઉલ્કાકણોની કક્ષા લંબ-વર્તુળાકાર હોય છે, અને એ સાથે બતાવ્યું હતું કે ઉલ્કાકણો સૌર મંડળના જ સભ્ય છે અને તેમનું ઉદગમસ્થાન આંતરતારકીય (intersteller) માધ્યમમાં નથી હોતું.
લૉવેલનાં સંશોધનકાર્ય અને વધતી જતી ખ્યાતિને માન્યતા આપીને 1947માં તેમને માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં વરિષ્ઠ વ્યાખ્યાતા, 1949માં રીડર અને ત્યારબાદ 1951-1980 દરમિયાન રેડિયો-ખગોળશાસ્ત્રના પ્રાધ્યાપક બનાવવામાં આવ્યા હતા. એ સમય દરમિયાન વધારે મોટું અને ઉત્કૃષ્ટ પ્રકારનું રેડિયો-દૂરબીન તૈયાર કરવા માટે તેમણે આયોજન કર્યું હતું. 76.20 મીટર (250 ફૂટ) વ્યાસનું એ રેડિયો-દૂરબીન 1957માં તૈયાર થયું ત્યારે તે સમયનું દુનિયાનું એ સૌથી મોટું રેડિયો-દૂરબીન હતું. તેને સમક્ષિતિજ દિશામાં એક મિનિટમાં 20° ફેરવી શકાતું હતું અને તેનું પરાવર્તક લંબદિશામાં એક મિનિટમાં 24°ના દરે ફેરવી શકાતું હતું. આ દૂરબીનનું કામ જ્યારે ચાલતું હતું ત્યારે તેમનાં ત્રણ પુસ્તકો (1) રેડિયો-ખગોળશાસ્ત્ર (1952), (2) ઉલ્કા-ખગોળશાસ્ત્ર (1954) અને (3) રેડિયો-તરંગો દ્વારા અંતરીક્ષનું અન્વેષણ (1957) પ્રસિદ્ધ થયાં હતાં.
લૉવેલે નિખાલસતાથી કબૂલ કર્યું હતું કે તત્કાલીન સોવિયેત સંઘ દ્વારા ઑક્ટોબર 4, 1957ના રોજ પ્રક્ષેપિત થનારા પહેલા ‘સ્પુટનિક’ના પથશોધન (traking) માટે નવા રેડિયો-દૂરબીનનો ઉપયોગ કરવાની અપેક્ષાથી જ એ રેડિયો-દૂરબીનને સમયસર તૈયાર કરવાના પ્રયત્નોમાં પ્રેરણા મળી હતી. એ રેડિયો-દૂરબીનના નવા ઉપયોગને કારણે તેની સફળતા અને લૉવેલની વ્યક્તિગત ખ્યાતિ સાબિત થઈ હતી. ત્યારપછી પૃથ્વીના કૃત્રિમ ઉપગ્રહો, અંતરીક્ષ અન્વેષી યાનો અને સ-માનવ અંતરીક્ષયાનોનાં અંતરીક્ષમાં ચોક્કસ સ્થાન નક્કી કરવા માટે તથા અંતરીક્ષયાનોનાં ઉપકરણો દ્વારા પ્રસારિત થતા આંકડા મેળવવા માટે જૉડ્રેલ બૅન્કનું એ વિશાળ રેડિયો-દૂરબીન હંમેશાં મહત્વનું સાધન રહ્યું હતું.
જૉડ્રેલ બૅન્કના રેડિયો-દૂરબીન અને તેના નિયામક લૉવેલને મળેલી વ્યાપક પ્રસિદ્ધિ તથા સાથે સાથે વિજ્ઞાનને લોકપ્રિય બનાવનાર તરીકે તેમની ખ્યાતિને કારણે બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન (બી.બી.સી.) તરફથી 1958માં તેમને રીથ (Reith) વ્યાખ્યાનોના નામથી ઓળખાતી રેડિયો-વાર્તાલાપોની શ્રેણી આપવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ એ રેડિયો-વાર્તાલાપોની શ્રેણી 1959માં ‘ધી ઇન્ડિવિડ્યુઅલ ઍન્ડ યુનિવર્સ’ શીર્ષક હેઠળ પ્રગટ થઈ હતી.
રેડિયો-ખગોળશાસ્ત્રમાં અગ્રેસર કાર્ય માટે લૉવેલને જ્યારે ‘સર’નો ખિતાબ આપવામાં આવ્યો ત્યારે જૉડ્રેલ બૅન્કના રેડિયો-દૂરબીનની મદદથી 20 જેટલાં વિવિધ સંશોધનો કરવામાં આવી રહ્યાં હતાં, જે મુખ્યત્વે અબજો પ્રકાશ-વર્ષ દૂરના સ્રોતોમાંથી ઉદભવતા રેડિયો-ઉત્સર્જન વિશે હતાં. આમાંનાં કેટલાંક સંશોધનો વિશે તેમના પુસ્તક ‘બાહ્ય અંતરીક્ષનાં અન્વેષણો’(1962)માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારપછી તેમનાં સંશોધનો મુખ્યત્વે બ્રહ્માંડશાસ્ત્ર (cosmology), બાહ્ય અંતરીક્ષમાંથી ઉદભવતાં રેડિયો-ઉત્સર્જન (જેમાં 1968માં શોધાયેલા સ્પંદિત રેડિયો-સ્રોતો – Pulsars – નો પણ સમાવેશ થતો હતો) તથા અત્યંત દૂરના ક્વેઝાર્સ અને સ્ફોટક તારાઓ (flare stars) અંગેનાં હતાં.
ઘણી શૈક્ષણિક સંસ્થાઓ તરફથી લૉવેલને માનાર્હ ઉપાધિઓ મળી હતી. તે ઉપરાંત, 1955માં તે રૉયલ સોસાયટીના સભ્ય (ફેલો) ચૂંટાયા હતા અને 1960માં તેમને ‘રૉયલ ચંદ્રક’ એનાયત કરવામાં આવ્યો હતો. વિશેષમાં વિદેશની ઘણી શૈક્ષણિક અને વ્યાવસાયિક સંસ્થાઓના તેઓ માનાર્હ સભ્ય હતા. અન્ય સન્માનમાં ફિઝિકલ સોસાયટી તરફથી 1954માં ડડેલ મેડલ, 1961માં ‘ધ ડૅનિયલ ઍન્ડ ફ્લૉરેન્સ ગુગેનહાઇમ ઇન્ટરનૅશનલ ઍસ્ટ્રોનૉટિક્સ ઍવૉર્ડ, 1962માં’ ‘ફ્રેન્ચ ઑર્ડર ઑવ્ મેરિટ, 1964’માં ધ સોસાયટી ઑવ્ એન્જિનિયર્સ ચર્ચિલ ગોલ્ડ મેડલ’, 1980માં ‘ધ બેન્જામિન ફ્રાન્કલિન મેડલ ઑવ્ ધ રૉયલ સોસાયટી ઑવ્ આર્ટ્સ’, 1981માં ‘ધ રૉયલ ઍસ્ટ્રોનૉમિકલ સોસાયટી ગોલ્ડ મેડલ’, ધ રૉયલ એસ્ટ્રૉનૉમિકલ સોસાયટીનું પ્રમુખ પદ (1969-1971) વગેરે વગેરે હતાં.
પરંતપ પાઠક, ચેતન ગિ. લિંબાચીયા