લૉરેન્સ, થૉમસ (જ. 1769, બ્રિસ્ટોલ, બ્રિટન; અ. 1830) : બ્રિટિશ વ્યક્તિચિત્રકાર. 1787માં તે લંડનની રૉયલ એકૅડેમીમાં ચિત્રકલાના વિદ્યાર્થી તરીકે દાખલ થયા. એ જ વર્ષે પોતાનું પ્રથમ વૈયક્તિક પ્રદર્શન કર્યું. અભ્યાસ પૂરો થતાં, 1791માં તે રૉયલ એકૅડેમીના સભ્ય બન્યા.
1792માં વ્યક્તિચિત્રકાર સર જોશુઆ રેનૉલ્ડ્ઝનું અવસાન થતાં રાજાના ખાસ ચિત્રકારના ખાલી પડેલા પદ ‘પેઇન્ટર ટુ ધ કિન્ગ’ ઉપર તેમની નિમણૂક થઈ. 1815માં તેમને રાજાએ ‘નાઇટહૂડ’ આપ્યું. 1820માં તે રૉયલ એકૅડેમીના પ્રમુખ બન્યા. એમના શ્રેષ્ઠ વ્યક્તિચિત્રોમાં નીચેનાંનો સમાવેશ થાય છે. (1) મિસ ફેરેન, (2) ક્વીન શાર્લોટી, (3) ધ આર્ચડ્યૂક્ ઑવ્ ઑસ્ટ્રિયા અને (4) પોપ પાયસ સાતમો.
અમિતાભ મડિયા