લૉરેન્શિયન ગર્ત

January, 2005

લૉરેન્શિયન ગર્ત : ઉત્તર અમેરિકાની પૂર્વીય ખંડીય છાજલીમાં રહેલું અધોદરિયાઈ હિમજન્ય ગર્ત. તે પૃથ્વી પરના ઘણા અગત્યના લક્ષણ તરીકે જાણીતું છે. તે સેન્ટ લૉરેન્સ નદીમુખથી શરૂ થઈ, સેન્ટ લૉરેન્સના અખાતમાંથી પસાર થઈ, ખંડીય છાજલીની ધાર સુધી વિસ્તરેલું છે. તે ન્યૂ ફાઉન્ડલૅન્ડથી 306 કિમી.ને અંતરે આવેલું છે. તેની સરેરાશ પહોળાઈ 80 કિમી. અને વધુમાં વધુ ઊંડાઈ 518 મીટર જેટલી છે. પ્લાયસ્ટોસીન કાલખંડ વખતે આ ગર્તની તળ આકારિકીમાં હિમક્રિયાને કારણે ઘણો ફેરફાર થયેલો. પૃથ્વીના પોપડાના આ ગર્ત તરફ હિમનદીઓના વિસ્તરવાને કારણે તેના તળભાગ પર કાંપજથ્થાનું આવરણ જામેલું, તથા ગર્તની કિનારીઓ હિમબોજથી અવતલન પામેલી. આથી આ ગર્ત થાળાના સ્વરૂપમાં ફેરવાયેલું. આ ગર્તની સાથે ફાંટાઓના રૂપમાં ઘણાં સહાયક ગર્તો પણ છે.

ગિરીશભાઈ પંડ્યા