લૉરેન્ઝો, મૉનેકો

January, 2005

લૉરેન્ઝો, મૉનેકો (જ. આશરે 1370/71, સિયેના, ઇટાલી; અ. આશરે 1425, ફ્લૉરેન્સ, ઇટાલી) : ઇન્ટરનૅશનલ ગૉથિક ચિત્રશૈલીમાં કામ કરનાર ઇટાલિયન ચિત્રકાર. તેનાં ચિત્રોમાં રેનેસાંસ ચિત્રકાર જ્યોત્તોના પ્રભાવ સાથે લય અને લાવણ્યયુક્ત પ્રવાહી રેખાઓનું સંયોજન જોવા મળે છે.

મૉનેકો લૉરેન્ઝોએ ચીતરેલું ચિત્ર ‘નેટિવિટી’

1391માં તેણે ફ્લૉરેન્સના સાન્તા મારિયા ડૅગ્લી એન્જેલી મઠમાં ખ્રિસ્તી ધર્મના કૅમેલ્ડોલિઝ સંપ્રદાયમાં જોડાઈને સાધુજીવન અપનાવી લીધું અને નામ પણ બદલી નાખ્યું. તેનું મૂળ નામ હતું પિયેરો દિ જિયોવાની.

લૉરેન્ઝોનાં ચિત્રોના રંગો ખૂબ જ આછી ઝાંય (tints) ધરાવે છે. વમળાકાર પોશાકો અને એમાં ગડીદાર ડૂચાઓ, એક દિશામાંથી આવતો પ્રકાશ અને પ્રવાહી રેખાઓ વડે એનાં ચિત્રોમાં હૂંફાળું વાતાવરણ સર્જાયેલું જોવા મળે છે. એનાં શ્રેષ્ઠ ચિત્રોમાં કૉરોનેશન ઑવ્  વર્જિન, ‘મૅડોના ઍન્ડ ચાઇલ્ડ’, ‘નેટિવિટી’, ‘લાઇફ ઑવ્ એ હર્મિટ’,  ‘ઍનન્સિયેશન’ અને ‘ઍડોરેશન ઑવ્ મેજાઈ’નો સમાવેશ પામે છે.

જીવનનાં અંતિમ વર્ષોમાં ચિત્રકાર લોરેન્ઝો ધીબર્તીનો પ્રભાવ લૉરેન્ઝો મૉનેકો પર પડેલો.

અમિતાભ મડિયા