લૉઇડ, હેરોલ્ડ (જ. 20 એપ્રિલ 1893, બુર્ચાર્ડ, નેબ્રાસ્કા, અમેરિકા; અ. 8 માર્ચ 1971) : અભિનેતા. હૉલિવુડના મહાન હાસ્ય-અભિનેતાઓની પંગતમાં સ્થાન મેળવનાર હેરોલ્ડ લૉઇડે તેમની કારકિર્દીનો પ્રારંભ 1912માં કૅલિફૉર્નિયાના સાન ડિયેગોમાં એક રિલનાં લઘુ હાસ્યચિત્રોમાં કામ કરીને કર્યો હતો. 1914માં નિર્માતા-દિગ્દર્શક હૉલ રોચ સાથે મળીને તેમણે એક પાત્રનું સર્જન કર્યું હતું. મૂછો ધરાવતું અને ધડા વગરનાં કપડાં પહેરતું આ પાત્ર ‘લોનસમ લ્યુક’ ખૂબ લોકપ્રિય થયું હતું. હેરોલ્ડ અને રોચ બંનેને પોતાને આ પાત્રથી કોઈ સંતોષ નહોતો પણ તેની લોકપ્રિયતાને કારણે માત્ર બે જ વર્ષમાં આ પાત્રને લઈને 100 જેટલાં એક રિલનાં ચિત્રોનું નિર્માણ કરાયું હતું. 1917માં રોચે તેમના સ્થાયી પાત્રમાં થોડોક સુધારો કર્યો. મૂછો અને ધડા વગરનાં કપડાંના સ્થાને એક સાધારણ યુવાનનું પાત્ર ઘડાયું. તેને મોટી સાઇઝનાં ચશ્માં પહેરાવાયાં. આ પાત્ર પણ લોકપ્રિય થયું; એટલું જ નહિ, તેણે પહેરેલાં ચશ્માં તો હેરોલ્ડ લૉઇડની હંમેશ માટેની ઓળખ બની ગયાં. થોડાં જ વર્ષોમાં હેરોલ્ડ લૉઇડની ગણના અમેરિકન ચિત્રોના મહાન હાસ્ય-અદાકારોમાં થવા માંડી. હંમેશાં મૂંઝવણમાં રહેતા પણ આશાવાદી અને અંતે નસીબના જોરે પોતાના ધ્યેયમાં સફળતા મેળવી લેતા તેના પાત્રમાં સામાન્ય લોકો પોતાની છબિ જોઈ શકતા હતા અને એ જ તેમની સફળતાનું રહસ્ય હતું. એક સમય તો એવો આવી ગયો કે લૉઇડ હૉલિવુડમાં સૌથી વધુ નાણાં કમાતા અભિનેતા બની રહ્યા હતા.

હેરોલ્ડ લૉઇડ

ચિત્રોમાં હાસ્ય નિષ્પન્ન કરવા માટે સમાવાતાં કેટલાંક જોખમી દૃશ્યોમાં હેરોલ્ડ લૉઇડ બધાં જ દૃશ્યો જાતે જ ભજવતા. 1920માં ‘હૉન્ટેડ સ્પૂક’ ચિત્રના નિર્માણ-વેળા એક બૉંબ હાથમાં જ ફાટતાં લૉઇડને જમણો અંગૂઠો અને એક આંગળી ગુમાવવાં પડ્યાં હતાં અને આ જમણા હાથમાં લકવા જેવી અસર થઈ હતી; તેમ છતાં તેમણે કામ ચાલુ રાખ્યું હતું. 1923માં બનેલા એક ચિત્ર ‘સેફટી લાસ્ટ’માં તેમને એક ટાવર પરથી માત્ર ઘડિયાળનો એક કાંટો પકડીને લટકી પડવાનું દૃશ્ય હતું. એ પણ એમણે જાતે જ ભજવ્યું હતું. લઘુ હાસ્યચિત્રોને મળી રહેલી સફળતા જોઈને પૂર્ણ લંબાઈના ચિત્ર ‘ગ્રાન્ડમાસ બૉય’માં તેમણે કામ કર્યું. એ પછીનાં ઘણાં ચિત્રોએ હેરોલ્ડને ખ્યાતિ અપાવી. પણ 1940ના દાયકામાં તેઓ લગભગ નિવૃત્ત થઈ ગયા હતા. સવાક ચિત્રોના આગમન સાથે તેમનાં મૂક ચિત્રોમાં પ્રેક્ષકોનો રસ ઓછો થઈ ગયો. જોકે 1947માં દિગ્દર્શક પ્રેસ્ટન સ્ટર્જિસે તેમને ફરી વાર ચિત્રમાં કામ કરવા રાજી કર્યા અને તેમના એ જ જાણીતા પાત્રની પાછલી જિંદગીનું નિરૂપણ કરતું હાસ્યચિત્ર બનાવ્યું. આ ચિત્રમાં તેમના એક ખૂબ જાણીતા ચિત્ર ‘ધ ફ્રેશમૅન’નાં દૃશ્યો પણ સામેલ કરવામાં આવ્યાં હતાં. આ ચિત્ર ‘ધ સિન ઑવ્ હેરોલ્ડ ડિડલબૉક’ વ્યાવસાયિક રીતે નિષ્ફળ નીવડ્યું અને એ પછીનું ‘મૅડ વેડનસડે’ પણ કોઈ પ્રભાવ પાડી શક્યું નહોતું. હેરોલ્ડે 1962માં પોતે જ પોતાનાં લોકપ્રિય ચિત્રોનાં કેટલાંક દૃશ્યોને સાંકળીને ‘હેરોલ્ડ લૉઇડ્સ વર્લ્ડ ઑવ્ કૉમેડી’નું નિર્માણ કર્યું અને એ પછી 1963માં તેનો બીજો ભાગ ‘ધ ફની સાઇડ ઑવ્ લાઇફ’નું નિર્માણ કર્યું. આ બંને ચિત્રોએ લોકોને ફરી આ અભિનેતાના કામમાં રસ લેતા કરી દીધા. હેરોલ્ડની આત્મકથા ‘ધી અમેરિકન કૉમેડી’ 1928માં પ્રગટ થઈ હતી. કૉમેડી-ચલચિત્રોમાં તેમણે કરેલા મહત્વપૂર્ણ યોગદાન બદલ તેમને 1952માં ખાસ ઑસ્કર ઍવૉર્ડ એનાયત કરાયો હતો. તેમનું નિધન કૅન્સરને કારણે થયું હતું.

હરસુખ થાનકી