લૉંગેસ્ટ ડે, ધ : ચલચિત્ર. ભાષા : અંગ્રેજી. શ્વેત અને શ્યામ. નિર્માણ-વર્ષ : 1962. નિર્માણ-સંસ્થા : ટ્વેન્ટિયેથ સેન્ચરી ફૉક્સ. નિર્માતા : ડેરિલ એફ. ઝેનુક. દિગ્દર્શક : ઍન્ડ્રૂ માર્ટન, કેન એનોકિન, બર્નહાર્ડ વિકી, ગર્ડ ઑસ્વાલ્ડ. પટકથા : કૉર્નેલિયસ રાયન, રોમેન ગૅરી, જેમ્સ જોન્સ, ડેવિડ પરસોલ, જૅક સિડૅન. કથા : કૉર્નેલિયસ રાયનની નવલકથા પર આધારિત. સંપાદક : સૅમ્યુઅલ ઇ. બિટલી. છબિકલા : ઝાં બોર્ગોઇન, હેન્રી પર્સિન, વૉલ્ટર વૉટિટ્ઝ, ગાય ટોબોરી. સંગીત : મિચ મિલર. કળા-નિર્દેશન : ટેડ હાવર્થ, લિયોં બાર્સેક, વિન્સેન્ટ કોરડા. મુખ્ય કલાકારો : જૉન વેન, રૉબર્ટ મિચમ, હેન્રી ફૉન્ડા, રૉબર્ટ રાયન, રૉડ સ્ટેઇગર, રૉબર્ટ વૅગનર, રિચાર્ડ ટૉડ, રિચાર્ડ બર્ટન, સીન કૉનેરી, ક્રિસ્ટોફર લી.
બીજા વિશ્વયુદ્ધની ઘટનાઓ પર અનેક ચિત્રો બન્યાં છે, પણ જે કેટલાંક શિરમોર સમાં ભવ્ય યુદ્ધચિત્રો છે તેમાં ‘ધ લૉંગેસ્ટ ડે’નો સમાવેશ થાય છે. કૉર્નેલિયસ રાયનના ખ્યાતનામ પુસ્તક પર આધારિત આ પ્રશિષ્ટ યુદ્ધ-ચિત્રમાં 1944ની 6 જૂનના મહત્ત્વપૂર્ણ દિવસે મિત્ર દેશોની સૈન્ય ટુકડીઓ નૉર્મંડીના તટ પર જે રીતે પહોંચે છે અને બંને પક્ષોના સેનાનીઓની કાર્યવહીને જે વિગતો સાથે પડદા પર પેશ કરાઈ છે તે એક દસ્તાવેજ સમાન બની ગયેલ છે. હૉલિવુડના એ સમયના ટોચના લગભગ 43 અભિનેતાઓએ આ ચિત્રમાં કામ કર્યું છે. આ ચિત્રમાં યુદ્ધનાં શ્યો જે રીતે નિરૂપાયાં છે તેવાં બીજી યુદ્ધ-ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળી શકે. ચિત્રમાં યુદ્ધનાં દૃશ્યોમાં દારૂગોળાનો એટલો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરાયો છે કે તેના વિશે એવું પ્રચલિત બન્યું છે કે આ સ્થળે વાસ્તવિક યુદ્ધ લડાયું હતું તે દિવસે પણ આટલો દારૂગોળો વપરાયો નહોતો. સમીક્ષકો કહે છે કે ઇતિહાસને પડદા પર લાવવો મુશ્કેલ હોય છે, પણ આ ચિત્રે એ કરી બતાવ્યું છે. અમેરિકા, બ્રિટન, કૅનેડા અને ફ્રાન્સ – આ ચાર મિત્રદેશોની સૈન્ય ટુકડીઓ નૉર્મંડીમાં આવી છે. જે તે દેશના અભિનેતાઓએ જે તે દેશના લશ્કરી અધિકારીઓની ભૂમિકા ભજવી છે. આ ચિત્રને વર્ષો પછી કમ્પ્યૂટર ટેક્નૉલોજીની મદદથી સિનેમાસ્કોપમાં રંગીન પણ બનાવાયું હતું. શ્રેષ્ઠ ચિત્ર, શ્રેષ્ઠ કલાનિર્દેશન સેટસજાવટ, શ્રેષ્ઠ સંપાદન માટે આ ચિત્રને ઑસ્કરનાં નામાંકન અને શ્રેષ્ઠ છબિકલા તથા શ્રેષ્ઠ સ્પેશિયલ ઇફેક્ટ માટે ઑસ્કર ઍવૉર્ડ મળ્યા હતા.
હરસુખ થાનકી