લેહ : ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યના લદ્દાખ જિલ્લાનું મુખ્ય મથક અને શહેર. હવે લદ્દાખ જિલ્લાને લેહ જિલ્લા તરીકે અને લદ્દાખને વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. ભૌગોલિક સ્થાન : 34° 09´ ઉ. અ. અને 77° 59´ પૂ. રે.. દુનિયાના છાપરા તરીકે ઓળખાતા તિબેટ વિસ્તારની નજીક, પરંતુ તેના પાટનગર લ્હાસાથી 2,160 કિમી. અંતરે આવેલું આ શહેર હિમાલયની પર્વતમાળાઓ વચ્ચે 3,520 મીટરની ઊંચાઈ પર વસેલું છે. તેની આજુબાજુ 6,300 મીટર ઊંચી પર્વતમાળાઓ વિસ્તરેલી છે. કારાકોરમ તરફથી લેહ નદી ઉત્તર-દક્ષિણ વહે છે. લેહથી પશ્ચિમ તરફ માત્ર પાંચ જ કિમી.ને અંતરે સિંધુ નદી પસાર થાય છે.
અહીંનું હવામાન ખૂબ જ ઠંડું અને સૂકું રહે છે. તાપમાનની સરેરાશ 5° સે. જેટલી ગણાય છે. શિયાળાનું તાપમાન 9° સે. જેટલું થઈ જાય છે, જ્યારે ઉનાળામાં ક્યારેક 31° સે. જેટલું પણ પહોંચે છે. વરસાદ અહીં ખૂબ જ ઓછો પડે છે, 180 મિમી.થી વધુ વરસાદ અહીં નોંધાયો નથી. અહીં વૃક્ષોનું પ્રમાણ તદ્દન ઓછું છે, પરંતુ ઘાસ વધુ ઊગેલું રહે છે. સામાન્ય ખેતીપાકો પણ લેવાય છે.
લેહની પૂર્વે આશરે 150 કિમી. દૂર ચીનની સીમા, પશ્ચિમે શ્રીનગર, વાયવ્યે કારગિલ અને ઉત્તરે કારાકોરમ હારમાળા આવેલાં છે. અહીંથી આશરે 170 કિમી. દૂર ભારત, પાકિસ્તાન અને ચીનની સરહદ તથા દક્ષિણે ઝાસ્કર હારમાળા આવેલાં છે. ભારત-પાક સરહદ નજીક પરંતુ ભારતની હદમાં દુનિયાની મોટી ગણાતી સિયાચેન હિમનદી (આશરે 75 કિમી. લાંબી અને સ્થાનભેદે 2થી 8 કિમી. પહોળી) વહે છે. વ્યૂહાત્મક દૃષ્ટિએ લેહનું ઘણું જ મહત્વ અંકાય છે. મધ્ય એશિયાના સિક્યાંગ અને અગ્નિ તરફ આવેલા ડેમચોક(તિબેટ)ને સાંકળતો વણજારમાર્ગ અહીંથી પસાર થતો હતો. વણજારમાર્ગ માટે આ શહેર એક વખતે મુખ્ય કેન્દ્ર ગણાતું હતું. આજે તો આ શહેરનું મહત્વ ઘટી ગયું છે, તેમ છતાં અહીંથી તિબેટ સાથે થોડોઘણો વેપાર થાય છે. આ શહેરમાં એક લાંબી-પહોળી શેરી આવેલી છે, ત્યાં દુકાનો અને આવાસો છે. સ્પિટોક (Spitok) અને શામકેર નામના બે વિશાળ મઠ અહીં આવેલા છે. આ જિલ્લાનો કુલ વિસ્તાર 82,665 ચોકિમી. જેટલો છે. તે પૈકી 37,555 ચોકિમી. જેટલો તેનો વિસ્તાર બિનઅધિકૃતપણે ચીનના કબજા હેઠળ છે. અહીં હવામાન-મથક વિકસાવાયું છે. દુનિયાની સૌથી મોટી ગણાતી વેધશાળા અહીં સ્થપાઈ છે. 2001 મુજબ લેહ જિલ્લાની વસ્તી 1,17,637 જેટલી છે.
નીતિન કોઠારી