લેરિયૉનૉવ, મિખાઇલ ફ્યૉદૉરોવિચ
January, 2005
લેરિયૉનૉવ, મિખાઇલ ફ્યૉદૉરોવિચ (જ. 3 જૂન 1881, ઓડેસા નજીક તિરાસ્પૉલ, રશિયા; અ. 11 મે 1964, પૅરિસ, ફ્રાન્સ) : નાતાલ્યા ગૉન્ચારોવા સાથે રશિયામાં અમૂર્ત ચિત્રણાની પહેલ કરનાર ચિત્રકાર અને સ્ટેજ-ડિઝાઇનર.
લેરિયૉનૉવની પ્રારંભિક ચિત્રકલા પ્રભાવવાદ અને પ્રતીકવાદ વડે ઘેરી પ્રભાવિત હતી. પણ 1909માં ઘનવાદ, ફ્યૂચરિઝમ અને ઑર્ફિઝમની અસર હેઠળ એમણે પોતાનું પ્રથમ અમૂર્ત ચિત્ર ‘ગ્લાસ’ સર્જ્યું. નાતાલ્યા ગૉન્ચારોવા સાથે રશિયન અમૂર્ત કલાની ચળવળ ‘રેયૉનિઝમ’ની શરૂઆત કરી અને 1910માં નાતાલ્યા ગૉન્ચારોવાને એ પરણી પણ ગયા.
1913માં તેમણે ‘રેયૉનિઝમ’નો ઢંઢેરો બહાર પાડ્યો, જેમાં એમણે જાહેર કર્યું કે પદાર્થ પર પડતાં પ્રકાશ-કિરણોનાં પરાવર્તનોને કૅન્વાસ પર આલેખવાની ‘રેયૉનિઝમ’ની નેમ છે.
1910માં મૉસ્કોમાં યોજાયેલા ‘જૅક ઑવ્ ડાયમન્ડ્ઝ’ નામના પ્રદર્શનમાં ગૉન્ચારોવા સાથે લેરિયૉનૉવે પણ ભાગ લીધો. રશિયાથી ભાગી છૂટીને એ બંને 1914માં પૅરિસ આવી વસ્યાં, જ્યાં પ્રસિદ્ધ બૅલેસર્જક સર્ગેઈ ડાયઘિલાવની કંપની ‘બૅલે રુસિસ’માં પિછવાઈ અને પડદા ચીતરવાનું તથા રંગમંચસજ્જાનું કામ મેળવ્યું.
અમિતાભ મડિયા