લેમ્બ્રુક, વિલ્હેમ (જ. 4 જાન્યુઆરી 1881, મીડેરિખ, જર્મની; અ. 25 માર્ચ 1919, બર્લિન, જર્મની) : જર્મન અભિવ્યક્તિવાદી શિલ્પી. તેઓ ચિત્રકાર અને કવિ પણ હતા. જર્મન અભિવ્યક્તિવાદી કળાની ચળવળમાં તેઓ એક મુખ્ય ચાલકબળ હતા. લંબાવેલાં અંગોપાંગો ધરાવતી તથા દયા, પીડા અને વેદનાની અનુભૂતિ જગાડતી માનવ-આકૃતિઓને તે શિલ્પમાં કંડારવા માટે પ્રખ્યાત છે. ઍકેડેમિક-રૂઢ શિલ્પો સર્જવાની તાલીમ તેમણે જર્મનીમાં તરુણાવસ્થામાં લીધેલી. એ પછી 1905માં પ્રસિદ્ધ ફ્રેન્ચ શિલ્પી ઑગુસ્તે રોદાંનાં શિલ્પો જોતાં તેમના શિલ્પ-સર્જનમાં ધરમૂળ બદલાવ આવ્યો. રોદાંના પ્રગાઢ પ્રભાવ હેઠળ તેમણે 1905માં શિલ્પ સર્જ્યું – ‘ધ બૅધર’ અને એ પછી માઇકેલૅન્જલોના પ્રભાવ હેઠળ તેમણે 1909માં શિલ્પ સર્જ્યું – ‘મૅનકાઇન્ડ’.
1910માં લેમ્બ્રુક પૅરિસમાં સ્થિર થયા, ત્યાં શિલ્પસર્જન ઉપરાંત ચિત્રો અને છાપચિત્રો ઉપર પણ હાથ અજમાવ્યો. પૅરિસમાં તેઓ આધુનિક શિલ્પી ઍરિસ્ટાઇડ મઇલૉલની અસર નીચે આવ્યા. એ અસર નીચે 1910માં તેમણે મહાકદ ધરાવતું શિલ્પ સર્જ્યું – ‘સ્ટૅન્ડિંગ વુમન’. સ્નાયુબદ્ધ બાવડાં, ખભા, છાતી, પેટ, પીઠ અને નિતંબો ધરાવતી આ મર્દાના મહિલા ખુમારીભરી અદામાં પોતાના બે હાથ કેડે ટેકવીને ઊભી છે. તેના મોં પર સ્ત્રીસહજ લજ્જા કે લાવણ્ય નથી, પણ વિચારશીલ મુદ્રામાં પોતાની દુનિયામાં ખોવાઈ ગઈ હોય એવી લાગે છે. કેટલાક વિદ્વાનોના મતે પ્રાચીન ગ્રીક શિલ્પ પ્રૅક્સિટિલસે સર્જેલા શિલ્પોના ચહેરા પરથી આ શિલ્પનો ચહેરો કંડારવામાં આવેલો છે. આ શિલ્પ હાલમાં ન્યૂયૉર્ક નગરના ‘મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટ’માં પ્રદર્શિત છે.
1911માં લેમ્બ્રુકે ઘૂંટણિયે પડતી મહિલા (નીલિંગ વુમન) અને 1913માં ઊભા રહેતા યુવક (સ્ટૅન્ડિંગ યૂથ)ને કંડાર્યાં. એ બંને શિલ્પના મુખ પર ખિન્નતા અને ઉદ્વેગ જોઈ શકાય છે. પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં લેમ્બ્રુક જર્મની ચાલ્યા ગયા. અહીં એક હૉસ્પિટલમાં દર્દીઓની ચાકરી તેમણે શરૂ કરી. ઘવાયેલા અને મૃત્યુ પામી રહેલા પીડાતા સૈનિકોના સંસર્ગથી એ હતાશામાં ડૂબી ગયા. તેમની હતાશ મનોદશા તેમના પછીનાં શિલ્પોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. તેમનાં છેલ્લાં બે શિલ્પ ‘સિટેડ યૂથ’ અને ‘ધ ફૉલન’ તેમની આ મનોદશાનાં દ્યોતક છે. આ બે શિલ્પ સર્જીને તુરત પછીના વર્ષે તેમણે આત્મહત્યા કરી.
અમિતાભ મડિયા