લેમલે, કાર્લ (જ. 17 જાન્યુઆરી 1867, લોફેઇમ, જર્મની; અ. 1939) : ચલચિત્ર-નિર્માતા અને યુનિવર્સલ સ્ટુડિયોના પ્રણેતા. હૉલિવુડમાં ‘અંકલ કાર્લ’ તરીકે પ્રતિષ્ઠા મેળવનાર કાર્લ લેમલે મધ્યમવર્ગીય યહૂદી પરિવારમાં તેર ભાંડુઓમાં 10મા ક્રમે હતા. 13 વર્ષની ઉંમરથી તેમણે નોકરી કરવા માંડી હતી અને 17મે વર્ષે કંઈક નવું કરવાની તેમને ઇચ્છા થઈ. ત્યાં સુધીમાં તો તેઓ સારા હિસાબનીશ તરીકે જાણીતા થઈ ગયા હતા. 1884માં અમેરિકા આવ્યા. દવાની એક દુકાનમાં નોકરી કરી, પછી શિકાગો જતા રહ્યા. ત્યાં અખબારો વેચવાથી માંડીને નાનાંમોટાં અનેક કામ કર્યાં. છેવટે વિસ્કોન્સિનમાં કપડાંની મોટી દુકાનમાં મૅનેજરના હોદ્દા સુધી પહોંચ્યા; એટલું જ નહિ, દુકાનદારની દીકરી સાથે લગ્ન પણ કર્યાં. ફરી શિકાગો આવ્યા અને ચલચિત્રના વિતરણમાં ઝંપલાવ્યું. 1907માં તેમણે ફિલ્મ સર્વિસ નામની પોતાની કંપની શરૂ કરી અને ધીમે ધીમે તેનો વિસ્તાર કરતા ગયા.
એ વખતે ચલચિત્ર-ઉદ્યોગમાં ‘મોશન પિક્ચર પેટન્ટ્સ કંપની’નું ભારે જોર હતું. તેની શરતો ન માનનારા વિતરકો ફેંકાઈ જતા. કંપનીની આ દાદાગીરીને લેમલેએ પડકારી. તેમણે આ કંપની સામે પડકાર ઊભો કરીને પોતાની ખુદની ઇન્ડિપેન્ડન્ટ મોશન પિક્ચર કંપની ઑવ્ અમેરિકા શરૂ કરી, જે આઈએમપીના નામે જાણીતી બની હતી. 1910માં તેમણે કંપનીનો પ્રચાર કરવા અવનવી તરકીબો કરી. તેમાંની એક એવી હતી કે તેમાંથી અમેરિકન ચિત્ર-ઉદ્યોગમાં સ્ટાર સિસ્ટમનો જન્મ થયો. બાયોગ્રાફ કંપની સાથે કામ કરતી ને ધ બાયોગ્રાફ ગર્લ તરીકે મશહૂર અભિનેત્રી ફ્લોરેન્સ લૉરેન્સને તેમણે પોતાની સાથે કામ કરવા રાજી કરી લીધી અને ‘ધ બાયોગ્રાફ ગર્લ હવે આઈએમપી ગર્લ બને છે’ એવો પ્રચાર કર્યો. બીજા ઘણા નામી કલાકારોને તેમણે આ રીતે હરીફ કંપનીઓમાંથી પોતાની તરફ ખેંચી લીધા. તેમને મોંમાંગ્યા દામ પણ આપવા માંડ્યા.
1912 સુધીમાં તો પેટન્ટ્સ કંપનીના તેમણે હાંજા ગગડાવી દીધા. એ જ વર્ષે બીજી ઘણી નાની કંપનીઓને લેમલેએ પોતાની કંપનીમાં વિલીન કરીને યુનિવર્સિલ ફિલ્મ મૅન્યુફેક્ચરિંગ કંપનીની સ્થાપના કરી, જે સમય જતાં ખ્યાતનામ ‘યુનિવર્સલ’ બની રહી. આ કંપનીએ અનેક સફળ ચિત્રોનું નિર્માણ કરીને યુનિવર્સલ કંપનીને ખૂબ મજબૂત કરી દીધી. 1915માં તો લેમલેએ 230 એકર વિસ્તારમાં ફેલાયેલા ‘યુનિવર્સલ સિટી’ની સ્થાપના કરી. હૉલિવુડના અનેક ખ્યાતનામ કલાકારો, કસબીઓ, દિગ્દર્શકોએ લેમલેના કર્મચારી તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. એમજીએમના ઇરવિંગ થાલબર્ગ અને કોલંબિયાના હેરી કોહ્ને લેમલેના અંગત સચિવ તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. લેમલેએ યુનિવર્સલમાં પોતાનાં 70 જેટલાં સગાંઓને તેમની આવડત પ્રમાણે નોકરીએ રાખી લીધા હતા. તેમનો પુત્ર કાર્લ લેમલે જુનિયર 21 વર્ષનો થયો કે તુરત તેમણે તેની યુનિવર્સલના નિર્માણવિભાગના વડા તરીકે નિમણૂક કરી દીધી હતી. અમેરિકાની મહાન મંદીના સમયમાં યુનિવર્સલ સ્ટુડિયોની આર્થિક હાલત પણ ખૂબ ખરાબ થઈ ગઈ હતી; પરિણામે 1935માં લેમલેએ યુનિવર્સલને 50 લાખ ડૉલરમાં વેચી દેવી પડી હતી, જેનું તેમને હંમેશાં દુ:ખ રહ્યું હતું. જોકે પછીનાં વર્ષોમાં તેમણે આખરી શ્ર્વાસ લીધો ત્યારે તેમને એ વાતનો સંતોષ હતો કે યુનિવર્સલ ફરી મજબૂત બની હતી અને તેના ખૂબ સારા દિવસો આવ્યા હતા.
હરસુખ થાનકી