લેબેડેફ ગેરાસિમ સ્તિપાનોવિચ

January, 2005

લેબેડેફ ગેરાસિમ સ્તિપાનોવિચ (જ. 1749; અ. 27 જુલાઈ 1817) : મૂળ રૂસી રંગકર્મી. તેમણે કોલકાતામાં પ્રથમ બંગાળી થિયેટર બાંધવાનો અને બંગાળી ભાષામાં પ્રથમ નાટક ભજવવાનો યશ પ્રાપ્ત કર્યો છે. તેમણે ભારતમાં સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતો અને ગુરુ ગોલોકનાથ દાસની પ્રેરણા અને સહકારથી અંગ્રેજી નાટક ‘ધ ડિસગાઇઝ’ અને ‘ધ લવ ઇઝ ધ બેસ્ટ ડૉક્ટર’નો બંગાળીમાં અનુવાદ કર્યો હતો. એની રજૂઆત માટે પણ ગોલોકનાથ દાસે નટ-નટીઓ એકત્ર કરી આપ્યાં હતાં અને નાણાકીય ટેકો પણ આપ્યો હતો.

ગેરાસિમ સ્તિપાનોવિચ લેબેડેફ

લેબેડેફે કોલકાતાના ડૂમતાલા સ્ટ્રીટ પર આવેલા મકાનમાં નાટ્ય-પ્રસ્તુતિ માટે થિયેટર બાંધ્યું અને 1795ના નવેમ્બરની 27 તારીખે અને 1796ના માર્ચની 10 તારીખે ‘ધ ડિસગાઇઝ’ નાટકના બંગાળી અનુવાદની રજૂઆત કરી. કોલકાતાના ઉચ્ચ વર્ગના પ્રેક્ષકો એ જમાનાના રૂપિયા આઠ અને રૂપિયા ચારની ટિકિટો ખરીદી ઊમટી પડ્યા અને એની પ્રસ્તુતિથી ખૂબ જ પ્રભાવિત થયા. એ અરસામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજ અફસરો ઇંગ્લૅન્ડથી નાટક કંપનીઓને નિમંત્રી અંગ્રેજી નાટકો જોતા હતા. તેઓને આ નાટ્યપ્રયોગની સફળતા કોઠે ન પડી. એની બીજી પ્રસ્તુતિ વખતે તો ટિકિટના ભાવ કાળા બજારમાં એક એક સોનામહોર જેટલા બોલાયા હતા. અંગ્રેજોની ઈર્ષાને લીધે આ થિયેટર બાળી મૂકવામાં આવ્યું. લેબેડેફને નાદારી જાહેર કરવા સુધીની હેરાનગતિ કરવામાં આવી અને અંતે એ ભારત છોડીને ચાલ્યા ગયા. કોલકાતાના નાગરિકોને લોકનાટ્ય જાત્રાના અનુભવ ઉપરાંતનું આ નાટક ગમ્યું જરૂર હતું; પરંતુ એ પછીનાં ત્રીસ વર્ષ સુધી કોઈ બંગાળીએ ફરી નાટક કરવાની હિંમત ન કરી. એ પછી છેક 1831માં પ્રથમ બંગાળી નાટકની રજૂઆત થઈ. લેબેડેફના નાટકની રજૂઆતને ઐતિહાસિક દૃષ્ટિએ એ રીતે પણ મહત્ત્વ મળે છે કે સમગ્ર ભારતીય રંગભૂમિનું પ્રાદેશિક ભાષાનું એ પ્રથમ નાટક હતું.

શિવકુમાર જોશી

હસમુખ બારાડી