લેપ્ટાઇટ (Leptite, Leptynite) : ગ્રૅન્યુલાઇટનો પટ્ટાદાર કે રેખીય સંરચનાવાળો એક ખડક-પ્રકાર. સૂક્ષ્મદાણાદાર (ગ્રૅન્યુલોઝ) વિકૃત ખડક માટે સ્કૅન્ડિનેવિયન ભૂસ્તરશાસ્ત્રીઓ દ્વારા બહોળા પ્રમાણમાં વપરાતો પર્યાય. આ ખડક મુખ્યત્વે તો ક્વાર્ટઝ અને ફેલ્સ્પારના ખનિજકણોનો બનેલો હોય છે, પણ સાથે બાયોટાઇટ, હૉર્નબ્લેન્ડ અને ક્વચિત્ ગાર્નેટ જેવાં મૅફિક ખનિજો ગૌણ પ્રમાણમાં રહેલાં હોય છે. તેમનું ખડક-બંધારણ લગભગ શુદ્ધ ક્વાર્ટઝાઇટથી ઍમ્ફિબોલાઇટ સુધી બદલાતું રહેતું હોય છે અને મૂળ ખડક કે જેમાંથી તે બન્યો હોય તેનો નિ:શંકપણે ખ્યાલ આપે છે.

ફિનલૅન્ડમાં મળતા આ પ્રકારના ખડકોને એસ્કોલા બ્લાસ્ટોપૉર્ફિરિટિક લેપ્ટાઇટ તરીકે અલગ પાડે છે અને તેમને પૉર્ફિરિટિક ઍસિડ અગ્નિકૃત ખડકોમાંથી બનેલા હોવાનું ગણાવે છે, જો તે સમદાણાદાર હોય તો સંભવિતપણે જળકૃત કે ટફયુક્ત ઉત્પત્તિવાળા હોવાનું ગણાવે છે. કૉર્ડિરાઇટ-લેપ્ટાઇટનું બંધારણ મૃણ્મય નિક્ષેપ જેવું હોય છે.

પશ્ચિમ આફ્રિકાના બેંગ્વેલામાં મળતા અને ત્યાં આર્કિયન બેઝમેન્ટમાં અંતર્ભેદન પામેલા લેપ્ટાઇટ જેવા ખડકો ચોક્કસપણે ગ્રૅનાઇટ પૉર્ફિરી અને ઍપ્લાઇટમાંથી ઉદભવેલા છે; આવા જ ખડકો ફિનલૅન્ડમાં ગ્રૅનાઇટ બૅથોલિથમાં પણ જોવા મળેલા છે. આ બંને વિસ્તારોમાં તેમજ ભારતીય દ્વીપકલ્પમાં પણ આ જ પ્રકારનાં લક્ષણો ધરાવતા ખડકો સ્કેપોલાઇટધારક અને કૉર્ડિરાઇટધારક ગ્રૅન્યુલાઇટ સાથે તથા ચાર્નોકાઇટ શ્રેણીના ખડકપ્રકારો સાથે સંકળાયેલા મળી આવે છે.

ગિરીશભાઈ પંડ્યા