લેખનસામગ્રી

લેખન તથા આનુષંગિક કાર્યો માટે વપરાતી વસ્તુઓ તથા સાધનો. આશરે એક લાખ વર્ષ પૂર્વે માણસ સંપર્ક માટે વાચાનો ઉપયોગ કરતો થયો તે સાથે તેનું લાંબા અંતરનું વિચરણ પણ શરૂ થયું. વાચા આટલી વહેલી મળી. પણ, તેને દૃદૃશ્ય રૂપે અંકિત કરવાનો વિચાર ઘણો મોડો ઉદભવ્યો. લેખનના નમૂના જૂનામાં જૂના સુમેરુ સંસ્કૃતિના મળે છે. વર્તમાન પૂર્વે 5500માં સુમેરુના લોકોએ માટીની તકતીઓ ઉપર ચિત્રોનાં પ્રતીકો આંકીને લેખનનો આરંભ કર્યો. આરંભકાળે લેખન માટે બે જ વસ્તુ આવદૃશ્યક હતી : લખવા માટે સપાટીફલક અને લખાણ અંકિત કરવા માટેનું સાધન. સપાટીની કશી ઊણપ નહોતી. ભીની કે સૂકી ભૂમિ, ગુફાની ભીંતો, વિશાળ શિલાઓ, પશુની ખાલ, વૃક્ષોનાં થડ, છાલ અને પર્ણો સરળતાથી અને લગભગ સર્વત્ર ઉપલબ્ધ હતાં. એથી ઊલટું, લખવા માટેનાં સાધનોની સગવડ મર્યાદિત હતી. કદાચ ધૂળમાં આંગળી વડે ચિત્રપ્રતીકો દોરવામાં આવતાં. કલમનું કામ આપતી આંગળી દરેક માનવી પાસે હતી. છેક ઓગણીસમી સદીના અંત સુધી ભારતમાં જૂની ધૂળી નિશાળોમાં આ પ્રથા પ્રચલિત હતી. પથ્થરપાટી ઉપર ધૂળ પાથરી તેમાં આંગળી વડે અક્ષર તથા આંકડા અંકિત કરાતા. બીજું સાધન તીક્ષ્ણ બનાવેલી ડાળીનો ટુકડો અને લગભગ તે સાથે જ પાતળું પણ અણીદાર શિંગડું કે હાડકું ઉપયોગમાં લેવાયું. ધૂળમાં તથા ભીની માટીમાં કરેલાં આલેખનો અલ્પજીવી રહેલાં. તેથી માણસ વૃક્ષોનાં થડ તરફ વળ્યો.

વર્તમાન પૂર્વે 5000 આસપાસ કાંસ્યયુગના આરંભ સાથે માણસને એકસાથે બંને લેખનસામગ્રી પ્રાપ્ત થઈ. સપાટીફલક તામ્રપત્ર રૂપે અને લેખિની તાંબાની કલમ રૂપે. હવે માણસને સ્થાયી સ્વરૂપના લેખન માટે મોટી અનુકૂળતા પ્રાપ્ત થઈ. આ શોધો ભવિષ્યના ઇતિહાસલેખકો માટે પણ ઉપકારક સિદ્ધ થઈ.

ભારતમાં પ્રાચીનકાળથી જ વૈજ્ઞાનિક દૃષ્ટિવાળા શોધકો પ્રયોગો કરતા રહ્યા. એ રીતે, દૂર ઇજિપ્તમાં પણ શોધવૃત્તિ પ્રબળ બની. ધાતુનાં પતરાં મોટી સંખ્યામાં મેળવવાનું અશક્ય હતું. કાંસા આદિ ધાતુનો મોટો ઉપયોગ શસ્ત્રાસ્ત્ર પાછળ થતો. એ પછી વિવિધ ઉપકરણો માટેની માગ પૂરી થાય ત્યારે વધ્યું-ઘટ્યું તાંબું લેખન માટે તામ્રપત્રો બનાવવામાં વપરાતું. વિકલ્પની શોધ ચાલી. ઇજિપ્તે જોયું કે પેપીરસ વૃક્ષના પ્રકાંડનો ગર પ્રમાણમાં એકધારો હતો. તેની પટીઓ બનાવીને એકબીજી સાથે પડખાભેર જોડીને વીંટો બનાવી શકાતો હતો. તેની દૃઢતા વધારવા આડી પટીઓ ઉપર ઊભી પટીઓ ચોંટાડીને મોટી સપાટી બનાવી શકાતી. વૃક્ષના ગુંદર જેવા પદાર્થથી પત્રની ધારો પણ સજ્જડ કરાતી. આવાં પત્રોને ઇજિપ્તના લહિયા ‘પેપીરસ’ કહેતા. ગ્રીક ભાષાના આ શબ્દ ઉપરથી યુરોપની ભાષાઓમાં ‘પેપર’ શબ્દ ઊતરી આવ્યો. ભારતના શોધકોએ વધારે સારી વસ્તુ મેળવી. તેમણે ભૂર્જ નામના વૃક્ષની છાલનાં સ્તરો કાઢીને તેમનો પત્ર રૂપે ઉપયોગ કર્યો. તેને તેમણે ‘ભૂર્જપત્ર’ કહ્યું. આગળ જતાં તે ‘ભોજપત્ર’ બન્યું. ભૂર્જ વૃક્ષની એક જાતિ સુંદર શ્ર્વેતપત્ર આપતી. પેપીરસ કરતાં ભૂર્જપત્ર અનેક રીતે ચડિયાતું હતું. તેમાં થીગડાં મારવાં પડતાં નહિ. તેની સફેદી ચડિયાતી હતી. સળંગ લાંબો કાગળ મળતો. વીંટા બનાવવામાં સરળતા રહેતી. જોઈએ એવા માપમાં પત્ર કાપી લઈ શકાતું. પાછળથી, વીંટાના સ્થાને પોથીઓ આવી ત્યારે ભૂર્જપત્ર બધી રીતે અનુકૂળ નીવડ્યું. કદાચ આ પણ એક કારણ હોય, પ્રાચીન ભારતમાં વિદ્યાનો વિકાસ અને પ્રસાર પ્રમાણમાં ઊંચો રહ્યો તેનું. ભારતમાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરના પ્રભાવથી પશુવધની પ્રથા મંદ પડતાં ચર્મપત્રનો ઉપયોગ થયો નહિ. જોકે અરબ દેશો તથા યુરોપીય દેશોમાં ચામડાં અને હાડકાંનો છૂટથી ઉપયોગ થયો. આનો આરંભ વર્તમાન તુર્કીના પ્રદેશમાં આવેલા પરમાગમ નામના સ્થળે વર્તમાન પૂર્વે 2200માં થયો. ત્યાંથી સદીઓના ગાળામાં પશ્ચિમ એશિયા તથા યુરોપના દેશોમાં તેનો પ્રસાર થયો. ચીનની કથા અનુસાર વ. પૂ. 1900માં ચીનના રાજાની સભાના ચાઈ લુન નામના વિદ્વાને વનસ્પતિઓના વિવિધ તાંતણાની પ્રાકૃતિક ગૂંથણીથી થતા સ્તરને જોઈ પ્રથમ કાગળ બનાવ્યો. ત્યાંથી તે બધી દિશાઓમાં પહોંચ્યો. યુરોપમાં કાગળનો ઉપયોગ આશરે એક હજાર વર્ષ પૂર્વે સ્પેન વાટે ગયો.

બીજાં પાંચસો વર્ષ સુધી કાગળનો ઉદ્યોગ હસ્તઉદ્યોગ રહ્યો. યુરોપમાં શાંતિ જળવાઈ. ખ્રિસ્તી સાધુઓએ વિદ્યાના અધ્યયન અને અધ્યાપનની કામગીરી વિસ્તારી તથા સામ્રાજ્યવાદના ઉદય સાથે વિશ્વના ઘણા પ્રદેશો યુરોપીય દેશોનાં વસાહત અને સંસ્થાન બન્યાં. આ અનુકૂળતામાં વરાળયંત્રની શોધે ઔદ્યોગિક ક્રાંતિનો માર્ગ મોકળો કર્યો. પાછળ જ વીજળીની શક્તિ આવી. ઇંગ્લૅન્ડમાં કાગળનું પહેલું કારખાનું 1494માં સ્થપાયું. કાગળ માટે કંતાનની માગ એટલી ઝડપથી વધી કે ઘણા દેશોએ પોતાને ત્યાં અછત ના વરતાય તે હેતુથી નિકાસ પર પ્રતિબંધ મૂક્યો. બ્રિટનમાં મડદાને દાટતી વેળા કપડામાં વીંટવા પર નિષેધ ઘોષિત કરાયો. એમાં વધતી કેળવણી અને વર્તમાનપત્રોના વધતા ફેલાવાએ સ્થિતિ વણસાવી. કાગળનાં કારખાનાં માટે મોટી માત્રામાં કપડાં અને ચીંથરાં મેળવવાનું કપરું બન્યું. આમાં માર્ગ કાઢવા 1800માં મથિયાસ કુપ્સ નામના વલંદા શોધકે લાકડાના માવા તથા ઘાસમાંથી કાગળ બનાવવામાં સફળતા મેળવી. 1803માં કેન્ટના બ્રાયન ડોનકિને કાગળ બનાવવાનું નવું યંત્ર બનાવ્યું. સૂક્ષ્મ જાળી ઉપર કાગળનું પાતળું સળંગ પડ બંધાય તેવી તેની પદ્ધતિ આજે પણ વ્યવહારમાં છે.

જેમ કાપડની શોધ થયા પછી તેનો મુખ્ય ઉપયોગ કપડાં માટે થયો, પણ બીજા અનેક ઉપયોગો વિકસ્યા, તેવું જ કાગળ વિશે બન્યું.

કાગળનો મુખ્ય ઉપયોગ લખવા માટે રહ્યો અને બીજાં અનેક કામોમાં તેનો ઉપયોગ ચાલુ થયો. દા. ત., પડીકાં બાંધવામાં, ખોખાં બનાવવામાં આદિ. કેટલાક કાગળ લેખનમાં નહિ તોપણ લેખનસામગ્રીમાં ગણાય એવા ઉપયોગો માટે વિશેષ રૂપે બનાવાતા થયા. દા. ત., પ્રતિલિપિ માટે મોંઘા ભારે કાગળના બદલે સોંઘા પાતળા કાગળ વપરાતા થયા. એક જ વાર લખવાથી તળે મૂકેલા પાતળા કાગળ ઉપર એક કે વધારે પ્રતિલિપિ મળે તે માટે કાર્બન કાગળ આવ્યો તેની શોધ લંડનના રાલ્ફ વેજવુડે 1806માં કરી. પ્રારંભિક કાર્બન કાગળ ચીકણી શાહીમાં બોળીને સૂકવેલો કાગળ હતો. મૂળ અને પ્રતિલિપિ માટેના બે કાગળો વચ્ચે આવો કાગળ મૂકી ઉપરના કાગળ ઉપર ભારપૂર્વક લખવાથી નીચેના કાગળ ઉપર છાપ મળતી. સમય જતાં પાતળા કાગળ ઉપર મેશ ભેળવેલા મીણનું પાતળું પડ ચડાવી યાંત્રિક પદ્ધતિથી કાર્બન કાગળ બનાવવામાં આવ્યા. વિવિધતા માટે મીણમાં સાદી શાહીમાં વિવિધ રંગકણો ઉમેરી રંગીન કાર્બન કાગળ બનાવાયા. લખવાના અને છાપવા માટેના જુદા જુદા કાર્બન કાગળોનો ભેદ પણ આવ્યો. શાહીચૂસ કાગળ (blotting paper) વિશે એક રસિક કથા છે. જર્મનીના એક કાગળના કારખાનામાં ટેક્નિશિયનની ભૂલથી એવો વિચિત્ર કાગળ બન્યો કે તેના પર લખવાનું શક્ય જ ના બન્યું. શાહીનું બિંદુ સપાટીને અડે કે તરત પ્રસરી જાય. કહેવાય છે કે લખાણની વધારાની શાહી આવા કાગળથી શોષી લઈ લખાણને ઝટ સૂકવી શકાય એવા વિચારથી માલિકે આવા કાગળને શાહીચૂસ કાગળ નામે વેચાણ માટે મૂક્યો. તેની ધારણા સાચી નીવડી. આમ, લેખનસામગ્રીમાં એક વિશેષ પ્રકારનો કાગળ ઉમેરાયો. વીસમી સદીમાં નવી શોધોને અનુરૂપ નવા કાગળો પ્રચલિત બન્યા, દા.ત., ટાઇપરાઇટર માટે, સંગણક (computer) માટે, ફાટે નહિ માટે સૂતરની જાળી વડે પ્રબલિત કરેલા, આવરણની અંદરની વસ્તુ પલળે નહિ માટે બે પડ વચ્ચે ડામર ચોપડેલા કાગળ આદિ. યુદ્ધના સમયમાં શસ્ત્રસામગ્રીના ક્ષેત્રે અવનવી શોધો થઈ. તેમ ગુપ્તચર્યા ક્ષેત્રે વિશેષ કાગળો આવ્યા. દા. ત., લખેલું સીધેસીધું વંચાય નહિ, પણ વિશેષ પ્રક્રિયા પછી જ વંચાય તેવા કાગળો, અતિ સૂક્ષ્મ લખાણ લખી છાપી શકાય એવા કાગળો, બેવડું લખાણ બે ભિન્ન પ્રકારની શાહી વડે લખાય તેવા કાગળો, તેમાં બે ભિન્ન પ્રકાશમાં વારાફરતી જોઈતું લખાણ વાંચી શકાય તેવી સપાટી હોય છે. જેમ કે એક લખાણ નીલાતીત પ્રકાશમાં ઊપસી આવે છે તો બીજું લખાણ અધોરક્ત પ્રકાશમાં જ વાંચી શકાય છે.

લેખનસામગ્રીમાં કાગળ જેવું જ મહત્વ લેખિનીનું રહ્યું. પુરાતત્વવિદોનું અનુમાન છે કે આદિ લેખિની માણસની આંગળી હોય એ સંભવિત છે. ધૂળ અથવા ભીની માટીમાં આંગળી વડે માણસ આદ્ય ચિત્રાક્ષરો લખતો હતો. બહુ ઝડપથી તેણે આંગળી કરતાં વધારે સારી કલમો વૃક્ષોની દાતણ જેવી ડાળીઓની બનાવી. પશ્ચિમમાં પાતળાં અણીદાર હાડકાં કલમ રૂપે વપરાયાં. ગુફાવાસી માણસોને લેખનસપાટી અને લેખિની બંનેનો વિશેષ લાભ રહ્યો. ગુફાની ભીંતોની લીસી સપાટી લખવા તથા ચિત્રકામ કરવા માટે અનુકૂળ રહી. રક્ષાના હેતુથી રાત્રે લાકડાં બાળતા. તેથી કોલસા મળતા. વળી, રંગીન પથ્થરો કે માટીનાં ઢેફાં પણ કામ આવતાં. આમ ગુફાની ભીંતો રંગબેરંગી ચિત્રો અને અક્ષરોથી સુશોભિત બનાવાતી. તૈલી તત્ત્વોમાં રંગકણો ભેળવીને રંગ ને શાહી બનાવવામાં આવતાં. ભારતીય વિજ્ઞાનીઓએ આદિ કાળથી લોહકાટ, ગળી, મેંદી, રમચી, કાજળ આદિ પ્રાકૃતિક રંગકણો વાપર્યા. મધ્યપ્રદેશના ભીમબેટકાની ગુફાઓ જેવાં સ્થળોએ તેમનાં આદિ સ્વરૂપો જોવા મળે છે. અજંતાની ગુફાઓનાં ચિત્રો અને લખાણો આજે પણ ઝમકદાર રહ્યાં છે. પ્રાચીન ઇજિપ્તના લહિયાઓ કાજળની કાળી ગોટી અને રાતીપીળી માટીની રંગીન ગોટીનો ઉપયોગ કરતા. પીંછી જેવા સાધન વડે લખાણ લખતા. ગુંદર સુકાઈ જતાં લખાણને સુંવાળું કરવા તેની ઉપર ફરી પીંછી ઘસતા. ચીનાઓ મેશ અને ગુંદરની શાહી બનાવી વાંસની લેખિની વડે પીંછીની રીતે લખતા. વ. પૂ. 2000માં પણ રોમનો ઇજિપ્તની પ્રાચીન રીતે લખતા. મીણનું પડ ચડાવેલી તકતી ઉપર ધારદાર લેખિની વડે ખાંચા પાડીને પણ લખતા. આ રીતે એકની એક તકતી જૂનું લખાણ કાઢીને નવા લખાણ માટે ઉપયોગમાં લઈ શકાતી. મધ્યયુગમાં વૃક્ષોની ગાંઠો અને લોઢાના કાટના મિશ્રણથી નવી શાહી બનાવવામાં આવી. આ પ્રવાહી શાહી સમય જતાં ઘેરો રંગ પકડતી. મીણ અને પાણીના પ્રવાહીમાં મેશ ભેળવીને બનાવાયેલી શાહીને વારંવાર હલાવવામાં ન આવે તો તે ઠરી જતી. પ્રવાહી શાહી ભરવાની શીશીને પ્રારંભે કૂપો કહેતા. આપણે ત્યાં ખડિયો નામ પડ્યું.

જૂની – નવી વિવિધ લેખનસામગ્રી 100 વર્ષ પૂર્વેનો ખડિયો, 18મી સદીના અંત સમયનો શીશી ખડિયો અને પોલાદની ટાંક, 1880 હેરફેર કરી શકાય તેવો ખડિયો, મધ્યયુગીન બતકપીંછાની કલમ, 1830 પોલાદની વિવિધ ટાંક, 1913 શાહી ભરવાની ટોટી, 1913 વૉટરમૅન પેન, 1840 અણી પાછી ખેંચી લઈ શકે તેવી પેન્સિલ, 1920 બૉલપૉઇન્ટ પેન, 1713 ચર્મપત્ર, સંધિપત્ર, 15મી સદી કપાસનો, કંતાનનો અને મનિલાપત્ર

લેખિની રૂપે પ્રાચીન ભારતમાં પક્ષીનાં પીંછાં વપરાતાં હતાં. પીંછાના અણીદાર છેડે નાનું છિદ્ર કરાતું. આથી કેટલીક શાહી પીંછામાં ઊંચે ચડતી અને લેખિની દરેક અક્ષર લખતાં શાહીમાં બોળવી પડતી નહિ. પ્રાચીન રોમમાં આવી લેખિની પ્રચલિત હતી. સાતમી સદીમાં સ્પેનમાં તે વપરાતી થઈ. યુરોપના બીજા દેશોમાં તેનો પ્રસાર થતાં બીજાં છસો વર્ષ વીતી ગયાં. ધાતુની ટાંક બનાવવાના પ્રયત્નો તો ઘણા વહેલા શરૂ થયા. પણ, શાહીના પદાર્થોમાં ટાંક ઝડપથી ખવાઈ જતી. આથી લહિયાઓએ તેનો અસ્વીકાર કર્યો. પીંછાંનો ઉપયોગ લાંબો ચાલ્યો. કાગળ બનાવવાની યાંત્રિક પ્રક્રિયાના શોધક બ્રાયન ડોનકિને જ ધાતુની ટાંક શોધી, પણ તે ચાલી નહિ. 1820ના દાયકામાં ટાંકવાળી લેખિની મળતી થઈ. ઇંગ્લૅન્ડના જોસેફ ગિલોટે શાહીનિયામક ખાંચવાળી ટાંક આપી. 1832માં જૉન જોસેફ પાર્કરને લેખિનીની પોલી નળીમાં શાહી ભરવાનો વિચાર આવ્યો, જેથી તે વારંવાર ખડિયાની શાહીમાં બોળવી ના પડે. આનો બીજો લાભ એકધારું લખાણ હતો. પણ પૂર્વેના અનુભવોથી લોકો સાશંક થઈ ગયા હોવાથી પાર્કરની ‘પેન’ને આવકાર મળ્યો નહિ. 1884માં અમેરિકાના લેવિસ વૉટરમૅને આવી લેખિનીમાં ટાંક કટાય નહિ તેવી નવા પ્રકારની શાહી ભરી. આ પછી, ફાઉન્ટન પેન નામની આ લેખિની ઝડપથી લોકપ્રિય થઈ. આગળ જતાં પાર્કરે લેખિનીમાં શાહી ભરવા બધું ખોલીને હાથ બગાડવા ના પડે તેવી અંદર વધારાની રબરની નળીવાળી લેખિની શોધી. તેમાં બહાર રાખેલી નાની પેટી બેત્રણ વાર દબાવવાથી અંદરની રબરનળીમાં શાહી ખેંચાતી અને નળી ભરાઈ જતી. સમય જતાં પાર્કર પેન ઘરેણા જેવી મૂલ્યવાન વસ્તુ ગણાવા લાગી. શેફર નામની તેની સ્પર્ધક લેખિની પણ લોકપ્રિય થઈ.

લેખિનીક્ષેત્રે 1888માં ક્રાંતિકારી શોધ થઈ. અમેરિકાના જૉન લાઉડે બૉલપૉઇન્ટ પેન બનાવી. તેમાં પાતળી પ્લાસ્ટિક નળીમાં અર્ધપ્રવાહી રગડા જેવી ઝટ સુકાઈ જાય તેવી શાહી ભરવામાં આવી. છેડે ફાટવાળી ટાંકના બદલે અકાટ્ય પોલાદની સૂક્ષ્મ દડી બેસાડાઈ. લખવાથી જેમ હાથ ચાલે તેમ દડી ફરે. શાહીવાળી થાય અને તે કાગળ ઉપર ઉતારે. આમાં એકધારા લખાણનો લાભ પણ મળ્યો. જોકે પ્રારંભે શાહી તાપમાનના પ્રભાવે વત્તીઓછી સુકાય, બહાર ઊભરાય અને કપડાં તથા કાગળ પર ડાઘા પડે એવું બનતું. આ પેનને પણ ચલણી બનતાં અડધી સદી વહી ગઈ. 1938માં હંગેરીના લાદિસ્લાવ અને જ્યૉર્જ બિરો નામની બંધુબેલડીએ તેમાં મહત્વના સુધારા કરી 1943માં વર્તમાન પ્રકારની બૉલપેન બજારમાં મૂકી. આ પછી તેને ભારે આવકાર મળ્યો. પ્રારંભે થોડાં વર્ષ ચેક જેવાં ખતપત્રો માટે ફાઉન્ટન પેનનો આગ્રહ રખાયો, કારણ કે તેમાં વ્યક્તિના હાથની લઢણ અનુસાર તેના હસ્તાક્ષરમાં તેનું વ્યક્તિત્વ પ્રગટ થયેલું જાણી શકાતું હતું. બૉલપૉઇન્ટમાં એ ખૂબી નહોતી. પરંતુ, સમય જતાં આ આગ્રહ પડતો મુકાયો. આ બાજુ બૉલપૉઇન્ટ પેનમાં ઝડપથી સુધારા થવા માંડ્યા. વધારે સૂક્ષ્મ દડી, વધારે લાંબી અને પહોળી રિફિલ, જેલ આદિ શાહીના વિવિધ પ્રકાર, પ્લાસ્ટિક પૉઇન્ટવાળી સ્કેચપેન – એમ વપરાશકારને પસંદ કરતાં તે અટવાય એટલી ભારે વિવિધતામાં પેનો ઉપલભ્ય બની. ભારતમાં બરુના કિત્તા તથા હીરાકશીની શાહીનું ચલણ વીસમી સદીના આરંભ સુધી રહ્યું.

પ્રવાહી શાહીવાળી લેખિનીની સાથે સાથે જ ઘન પદાર્થવાળી લેખિની પણ વપરાશમાં આવી. આદિકાળમાં કોલસાનો કાળો રંગ લખવા માટે ઉપયોગી જણાયો. તે ઉપરથી એવા બીજા જે પદાર્થોની શોધ ચાલી, તેમાં કોઈ શોધકને કોલસાના પોચા સ્ફટિકરૂપ ચિત્રક(graphite)નો વિચાર આવ્યો. કોનરાડ ગેસ્નર નામના શોધકે 1565માં લાકડા વડે આવૃત્ત ચિત્રક ધરાવતી લેખિનીનું વર્ણન આપ્યું. 1858માં અમેરિકાના હાયમન લિપમૅને સીસાપેન કે પેનસિલ નામે ઓળખાયેલી આ ઘન લેખિની સાથે લખાણ ભૂંસવાનું રબર જોડવાની યોજના કરી. સમય જતાં, ઉપયોગના પ્રકાર અનુસાર પેનસિલમાં પણ સુધારા થયા. એકલું ચિત્રક ઝટ ઘસાઈ જતું તથા બટકાઈ પણ જતું. આથી તેમાં સીસું ઉમેરવામાં આવ્યું. સીસું એમ ને એમ પણ કાળી લેખિની રૂપે કામનું હતું. બંને વચ્ચે સંતુલન માટે કાળી માટી પણ ભેળવાઈ. આ રીતે કઠણ, વધારે કઠણ, કઠણ અને કાળી, કાળી, વધારે કાળી એમ અનેકવિધ પેનસિલો બની. ધાતુના ક્ષારો તથા રંગીન માટી વડે રંગીન પેનસિલો બની. લખાણની ભૂલો સુધારવા રાતી પેનસિલ ઉપયોગી જણાઈ. લેખતપાસણી માટે લીલી પેનસિલ વપરાઈ. વળી વિશેષ પ્રકારની એક પ્રતિલિપિ-પેનસિલ (copying pencil) બની. જ્યારે ફાઉન્ટન પેનનો વપરાશ મુખ્ય હતો ત્યારે કાર્બન કાગળ વડે વધારાની નકલ કાઢવા ભાર દઈને લખી શકાય તેવી આ પેનસિલમાં જામલી શાહી પણ ભેળવવામાં આવી. આથી લખાણ રબર વડે ભૂંસી ન શકાય તેવું પાકું બન્યું.

શાહીમાં પણ વિવિધ અનેક સ્વરૂપો વિકસ્યાં : લખવાની, ચિત્રકામની, ફાઉન્ટન પેનની, બૉલપેનની, જૅલપેનની, સ્કેચપેનની, છાપવાની, ઑફસેટ છપાઈ માટેની, ગુપ્ત લખાણ આદિની શાહી. પ્રારંભે કાજળવાળી કાળી શાહી વપરાઈ. રસાયણોની પ્રૌદ્યોગિકી વિકસતાં એનિલિન રંગો મળતા થયા. 1836માં હેનરી સ્ટીવન્સે આધુનિક શાહી અને ખડિયો બનાવ્યાં. આંખને મૃદુ લાગે તેવો વાદળી રંગ સ્વીકૃતિ પામ્યો. બીજા મુખ્ય રંગોમાં રાતો, લીલો અને જામલી પ્રચલિત બન્યા; પણ, તેમનો ઉપયોગ વિશેષ હેતુ પૂરતો સીમિત રહ્યો. જૂના સમયમાં દૂધ વડે અદૃદૃશ્ય લખાણ લખાતું. સાબુ પણ વપરાયો. 1653માં પિટર બોરેલે શાહી કહેવાય તેવું ગુપ્ત લેખનનું પ્રવાહી શોધ્યું. 1684માં ફ્રાન્સના લ મૉર્તે ભિન્ન પ્રકારની ગુપ્ત શાહી બનાવી. 1705માં વાઇત્ઝે ત્રીજા પ્રકારની અને 1737માં ફ્રાન્સના હેલોએ કોબાલ્ટયુક્ત શાહી બનાવી.

કલાની તથા આત્મીયતાની દૃષ્ટિએ હાથે લખેલું સુંદર લખાણ લખનારના વ્યક્તિત્વને પ્રગટ કરે છે, પણ ઔદ્યોગિક ક્રાંતિથી આવેલી ઝડપે લખવાના ક્ષેત્રને પણ બાકાત ના રાખ્યું. મુદ્રણયંત્રો પ્રચારમાં આવ્યાં, પણ નાના અને વ્યક્તિગત કામ માટે તે મોંઘાં અને અગવડભર્યાં હતાં. આ સંજોગોમાં નાનાં વ્યક્તિલક્ષી મુદ્રણયંત્રનો વિચાર સ્વાભાવિક હતો. આ વિચારે ટાઇપરાઇટરને જન્મ આપ્યો. કાર્યાલયો તો તેને આવદૃશ્યક ઉપકરણ રૂપે સ્વીકારતાં થયાં. વ્યક્તિઓ પણ (જેમ કે, લેખકો) તેનો ઉપયોગ કરતા થયા. કાગળની બચત, ઝડપ, સુઘડ લખાણ અને પ્રતિલિપિની સુવિધાથી આ ઉપકરણ લોકપ્રિય બન્યું. જોકે વીજાણુ-સંગણક આવ્યા પછી ટાઇપરાઇટરોની માગ પણ ઘટવા લાગી.

લેખનસામગ્રીમાં કાગળ અને લેખિની મુખ્ય સાધન રહ્યાં. આમ છતાં, વેપારધંધાના ઝડપી વિકાસે અનેક આનુષંગિક વસ્તુઓના ઉપયોગને ઉત્તેજન આપ્યું. એમાં વિશેષ મહત્વ પ્રતિલિપિક અથવા પ્રતિલિપિ-યંત્રનું રહ્યું. અંગત પત્ર અને તેની ચાર-પાંચ પ્રતિલિપિ જેવી જરૂરિયાત ટાઇપરાઇટરથી સંતોષાતી. પણ પરિપત્ર જેવા પત્રોની વધારે નકલો માટે સરળ ઉપકરણ આવદૃશ્યક લાગ્યું. વરાળયંત્રના શોધક જેમ્સ વૉટે (1736-1819) સરેસયુક્ત શાહી વડે લખાયેલા લખાણની તેના પર બીજો કોરો કાગળ દાબીને છાપ મેળવી શકાય તેવા પ્રતિલિપિકની રચના કરી. પ્રારંભે તેનાથી કામ ચાલ્યું. સમય જતાં ગેસ્ટેટનરે જાળીદાર કાગળ (stencil paper) ઉપર તીક્ષ્ણ ધાતુલેખિનીથી લખીને છિદ્રો પાડીને તેની આરપાર જતી શાહી વડે કોરા કાગળ ઉપર છાપ મળે તેવા ડુપ્લિકેટર યંત્રની શોધ કરી. 1939માં વીજાણુ-પ્રવિધિથી શુષ્ક રૂપે શાહીના ભૂકાથી પ્રતિલિપિ આપતા ઝેરોગ્રાફી (xerography) યંત્રની શોધથી આ ક્ષેત્રે મોટી સુવિધા થઈ.

પેનસિલની સાથે રબર (eraser) આવ્યું. રબરવૃક્ષના રસને ઠારીને તેનાં ચોસલાં પાડી તેમાંથી પેનસિલનું લખાણ ભૂંસવા માટીની ટીકડીઓ કે ગોટીઓ પાડવાનો પ્રયોગ 1770માં જોસેફ પ્રિસ્ટલેએ કર્યો. રબરની ચીકાશ કાગળની પકડ કરતાં વધારે પ્રબળ હોવાથી જ્યારે કાગળ પરના પેનસિલના લખાણ ઉપર રબર ઘસવામાં આવે ત્યારે પેનસિલનો ચિત્રક રબરને વળગી જતો અને કાગળ લખાણ વિનાનો થઈ જતો. સાદું રબર શાહીના પાકા લખાણ માટે પ્રભાવક નહોતું. તેથી શાહીનું લખાણ કાગળ સહિત ઉખાડી નાખે તેવા અપઘર્ષક (abrasive) યુક્ત રબર પ્રચલિત બન્યાં. વીજાણુ-લેખનમાં ગમે તેવું લખાણ સુધારવાની અનુકૂળતા મળવાથી રબરોનો ઉપયોગ મર્યાદિત બન્યો. પ્રારંભે પેનસિલ બટકણી હતી. તેથી તેને વારંવાર છોલવી પડતી. આ કામ સરળ બનાવવા સંચો (pencil sharpener) આવ્યો.

એક કરતાં વધારે છૂટા કાગળોને ક્રમથી જોડીને સાથે રાખવા પશ્ચિમમાં પાતળાં અણીદાર હાડકાંનો ઉપયોગ થતો. ભારતમાં બાવળના કાંટા જેવા કાંટા વપરાતા. કાંસ્યયુગમાં તાંબાની ટાંકણી વપરાતી થઈ. 1540માં ઇંગ્લૅન્ડ પિત્તળની ટાંકણીઓ ફ્રાન્સમાંથી મંગાવતું હતું. 1824માં લેમ્યુઅલ વેલમન રાઇટે ટાંકણી બનાવવાનું યંત્ર શોધ્યું. ટાંકણીની અણી બાબતે બંને તરફ વાંધા હતા. તીક્ષ્ણ હોય તો વગાડે; તીક્ષ્ણ ન હોય તો કાગળમાં જાય નહિ. આનો ઉકેલ લાવવા લાંબી અને વળાંક ધરાવતી ક્લિપ અથવા યુક્લિપ શોધાઈ. તેની શોધ નૉર્વેના જોહાન વાલરે 1900માં કરી. તે પહેલાં પુસ્તકોની બાંધણી માટે ચાર્લ્સ ગોલ્ડ નામના શોધકે 1868માં તાર વડે બાંધવાનું યંત્ર શોધ્યું. લાંબા સમયે તે હાથવગા સ્ટેપ્લર રૂપે કાર્યાલયોને સુલભ બન્યું. કાગળો જોડી રાખવા બીજો ઉપયોગ રબરની પટી કે બૅન્ડનો થયો. 1845માં લંડનની પેરી ઍન્ડ કંપનીએ આ ઉપયોગી સાધન બજારમાં મૂક્યું.

અતિપ્રાચીન કાળમાં વિવિધ પ્રદેશોમાં બે ભિન્ન પદાર્થોને જોડવા ડામરનો ઉપયોગ થયો, પણ ધરતીની તિરાડોમાંથી ડામર ઊભરાતો અને તેનો રંગ કાળો હોવાથી તેને અશુભ માનવામાં આવ્યો. તેના ઉપયોગનો પ્રસાર થયો નહિ. પ્રાચીન કાળમાંથી પશુવધથી પ્રાપ્ત થતાં હાડચામમાંથી મળતો સરેસ નામનો પદાર્થ આજે પણ ગુંદર રૂપે વપરાય છે. સમયાંતરે બીજા પ્રાકૃતિક પદાર્થો ગુંદર રૂપે વપરાતા થયા. તેમાં મધપૂડાનું મીણ, ઈંડાની સફેદી, વૃક્ષોમાંથી સ્રવતો ગુંદર, રાળ અને કાંજી જેવા પદાર્થોનો સમાવેશ થતો હતો. વીસમી સદીમાં સંશ્ર્લિષ્ટ ગુંદરો વધારે સગવડભર્યા હોવાથી પ્રચલિત બન્યા. આ જ સદીના પચાસના દાયકામાં અમેરિકી કોડક કંપનીના વિજ્ઞાનીઓએ જોડવાની પરમશક્તિ ધરાવતા પદાર્થની અકસ્માતે શોધ કરી. 1975 આસપાસ તે બ્રિટનમાં અને પછી બીજા દેશોમાં વેચાતો થયો. વિજ્ઞાનીઓ એથિલ સાયાનોએક્રિલેટ નામના કાચ જેવા પદાર્થની પ્રકાશ-વક્રીભવનની શક્તિ તપાસતા હતા, ત્યાં વક્રીભાવક ઉપકરણના ત્રિપાર્શ્ર્વ કાચ આ પદાર્થ વડે એવા સજ્જડ ચોંટી ગયા કે તેમને ઉખેડી શકાયા નહિ. ઇપોક્સી રેઝિન આવો જ પદાર્થ આ જ ગાળામાં સ્વિટ્ઝર્લૅન્ડની સિબા કંપનીએ ‘એરલડાઇટ’ નામે વેચાણ માટે મૂક્યો. આવા ગુંદર જેવા પદાર્થો ઘન તેમજ પ્રવાહી રૂપે આધુનિક કાર્યાલયો માટે અનિવાર્ય બની ગયા.

ટેલિફોન 1876માં શોધાયો. તે પછી કાર્યાલયોને દૂરનાં સ્થળો સાથે મૌખિક સંપર્ક કરવામાં અનુકૂળતા થઈ. પણ, લેખિત સંદેશાની આપલેનું સાધન મોડું આવ્યું. તારયંત્ર વડે લેખિત સંદેશો મોકલવાનું આમ તો 1850માં શરૂ થયું; પણ, તે ટૂંકા એક જ રૂપના પટ્ટીસંદેશા રૂપે હતા અને તેનો ઉપયોગ અનુકૂળ નહોતો. વર્તમાન પત્રપ્રેષણ સગવડ (fax અથવા facsimile) અમેરિકી ઝેરૉક્સ કંપનીએ છેક 1964માં ઉપલબ્ધ કરાવી. સંગણકની સહાયથી લેખિત પત્રો, ચિત્રો, આલેખો આદિનો સંચાર બહુ સરળ બન્યો. સંગણકે લેખનમાં એક વિશેષ સગવડ આપી. એક એવી લિપિ આપી, જે બીજું સરળ ઉપકરણ વાંચી શકતું. બૅન્કો તથા તેમના ચેકો માટે આવી લિપિમાં કૂટસંકેત (code) પ્રયોજાયા. આને લીધે ચેકોનું ક્લિયરિંગ ઝડપી અને વધારે ચોકસાઈવાળું બન્યું. રેખાકૂટસંકેત (barcode) આ ક્ષેત્રે છેલ્લામાં છેલ્લી શોધ છે. જાડી તથા પાતળી ઊભી રેખાઓ તથા તેમની વચ્ચે રખાતા નિશ્ચિત અંતર દ્વારા પ્રયોજાયેલી લિપિ વડે અનેકવિધ માહિતી ટૂંકામાં, એકરૂપતામાં અને ચોકસાઈમાં રાખવાનું સરળ બન્યું. તે કૂટસંકેત રૂપે હોવાથી કૂટવાચક ઉપકરણ વિના તેને ઉકેલી શકાતી નથી. તે તથા તેના સંક્ષેપના બે વધારાના લાભ પણ મળ્યા.

આદિ સંગણક

લેખનકાર્યમાં ભાષાની સાથે જ ગણિતનાં કાર્યો માટે પણ સગવડોની આવદૃશ્યકતા જણાઈ. કાર્યાલયોમાં નાણાંની આપલેની નોંધો રાખવી, હિસાબ રાખવા, તે સંબંધી ગણતરી કરવી જેવાં કામો પણ મોટી માત્રામાં રહેતાં. ગણતરીની સહાયમાં ઉપકરણ રૂપે પ્રથમ મણકાઘોડી આવી. પ્રાચીન ભારત, ચીન તથા તે પછી રોમમાં તેનો વપરાશ શરૂ થયો. પશ્ચિમ એશિયાઈ સંસ્કૃતિમાં તે પરિચિત હોવાનો સંભવ છે. સદીઓ પછી સ્કૉટલૅન્ડના જૉન નેપિયરે લાંબા ગુણાકારમાં ભૂલો તથા સમયનો બગાડ થતો તે નિવારવા લઘુગણક(logarithm)ની યોજના કરી. 1614માં તેણે તેના કોઠા બનાવ્યા. પિતા વેરા-અધિકારી હતા. તેમને ગણતરીમાં સહાય કરવા ફ્રાન્સના બ્લેઝ પાસ્કલે 1642માં યાંત્રિક ગણકયંત્ર રચ્યું. જર્મનીના ગોટફ્રિડ લાઇબનિત્ઝે ત્રીસેક વર્ષ પછી સુધારેલું ઉપકરણ બનાવ્યું. 1840માં બ્રિટનના ચાર્લ્સ બબાજે ‘વિશ્ર્લેષક યંત્ર’ (analytical engine) નામે ઝડપી યંત્ર બનાવ્યું. તેમાં તેણે સ્મૃતિ(memory) અને તર્ક જેવી યોજના વિચારી. 1936માં બ્રિટનના એલન ટ્યુરિંગે વર્તમાન સંગણકના પૂર્વજની યોજના વિચારી. કોનરાડ ઝ્યુસ નામના જર્મન શોધકે એવું યંત્રણ બનાવ્યું પણ ખરું. બીજા મહાયુદ્ધનાં વર્ષોમાં કૂટસંકેત સંદેશા આપવા-લેવાની આવદૃશ્યકતાએ સંગણકમાં સુધારા કરવાની પ્રવૃત્તિને ઉત્તેજન આપ્યું. 1946માં અમેરિકાના જૉન મોખલી અને જૉન એકર્ટે રેડિયો વાલ્વનો ઉપયોગ કરી પહેલું વીજાણુ-સંગણક બનાવ્યું. આ શૃંખલામાં પ્રમાણમાં ઝડપથી ઘરમાં તથા કાર્યાલયોમાં સઘળાં કામો માટે વાપરી શકાય તેવાં સંગણક પ્રચારમાં આવ્યાં. સંગણકોની અનેકવિધ કામ કરવાની સજ્જતા તથા ટેલિફોન સાથે જોડવાની સુવિધાને લીધે એક નવી સંકલ્પના ઉદભવી : પત્રરહિત કાર્યાલય(paperless officing)ની. ઘણી માહિતીનો સંચય સંગણકમાં ચુંબકીય, પ્રકાશીય આદિ પદ્ધતિએ શક્ય બન્યો. આથી કાગળનો વપરાશ મોટા પ્રમાણમાં ઘટ્યો. ઝડપ અને ચોકસાઈના લાભ પણ મળ્યા. તેના વડે અટપટા હિસાબ રાખવાનું સરળ બન્યું.

વર્તમાન સમયમાં કાર્યાલયોમાં તથા ઘણાં ઘરોમાં લેખનકાર્ય સાથે અનેક પદાર્થો જોડાયા છે; જેમ કે, ફાઇલ, ફોલ્ડર, બાઇન્ડર, ફૂટપટ્ટી, કંપાસ, રબર સ્ટૅમ્પ, સ્ટૅમ્પ પૅડ, ઘંટડી, પાટિયું, નામચીન રાતી પટ્ટી (red tape), બાંધવા માટે જાતજાતની દોરી, લેબલો, લેબલ છાપનાર ઉપકરણ, હોલોગ્રામ, ગુંદરપટ્ટી (cellophane) આદિ. કામના પ્રકાર અનુસાર કાર્યાલયનું સ્વરૂપ બદલાય છે અને સ્વરૂપ અનુસાર તેની લેખનસામગ્રી.

કાર્યાલયોનો આરંભ તો સંસ્કૃતિ જેટલો પ્રાચીન છે. પ્રાચીન કાળમાં રાજાઓને વિવિધ નોંધો અને સૂચિઓ રાખવી પડતી. લેખા કે હિસાબનો ઉદભવ પણ રાજ્યશાસનની નીપજ છે. રાજાનાં આજ્ઞાપત્રો, ઘોષણાપત્રો, દાનપત્રો આદિ લખવા, તેમની નકલો કરવા તથા તેમની જાળવણી કરવા લહિયાઓ અને કારકુનોની જરૂર પડતી. આ વ્યવસાય મોટે ભાગે આનુવંશિક હતો. નવા યુગમાં નોર્મ જાતિમાં કેળવણી વધી તે સાથે પ્રથમ કારકુનો કે ગુમાસ્તાઓનો વ્યવસાય જન્મ્યો. ભારતમાં આ ક્ષેત્રે કાયસ્થ નામે વર્ગ ઊભો થયો. શાસનમાં તલાટી, દેસાઈ, કુળકર્ણી આદિ વર્ગો ઊભા થયા. સમય જતાં, મહિલાઓમાં શિક્ષણ પ્રસરતાં મહિલાઓ પણ કાર્યાલયોમાં કામ કરતી થઈ. વિશેષત: ટાઇપરાઇટિંગ, રિસેપ્શન અને સચિવ જેવાં કામોમાં મહિલાઓ વધારે સારું કામ આપતી થઈ. લૅટિન ભાષામાં કાર્યાલયનાં કામ કરવાં – તેને માટે ‘ઑફિશિયમ’ શબ્દ છે. તે ઉપરથી યુરોપીય ભાષાઓમાં ‘ઑફિસ’ અને ભારતીય ભાષાઓમાં કામ કરવાનું સ્થળ એ અર્થમાં ‘કાર્યાલય’ શબ્દ પ્રચલિત બન્યા. પ્રારંભે ઘરના એક અલગ પાડેલા ખંડમાં લહિયાઓ લખાપટ્ટીનું કામ કરતા. લંડનમાં અઢારમી સદીનાં આરંભનાં વર્ષોમાં ‘કૉફી-હાઉસ’માં વેપારીઓ ભેગા મળી વેપારધંધાનાં કામો પતાવતા. 1600માં સ્થપાયેલી ઈસ્ટ ઇંડિયા કંપની લંડનના લીડનહૉલ માર્ગ ઉપર એક નિજી ભવનમાં બેસતી હતી. છેક 1726માં તે વેપારી લત્તામાં કાર્યાલય સ્થાપી શકી. અઢારમી સદીના અંત સુધીમાં નિવાસસ્થાન અને ધંધાનું સ્થાન બંને ભિન્ન હોવાં જોઈએ એ વાત સર્વસ્વીકૃત બની.

ભારતમાં પ્રાચીન કાળથી નિવાસ અને ધંધાનું સ્થાન છૂટાં રહ્યાં. સિંધુ સંસ્કૃતિનાં નગરોમાં આયોજન જ આ પ્રકારે થતું. નગરના કેન્દ્રમાં અનાજનો કોઠાર રખાતો તથા ફરતાં હાટ બેસતા. નિવાસસ્થાનો ગામોમાં છૂટાંછવાયાં હતાં. નગરોમાં તે માર્ગની બંને બાજુ હારબંધ બંધાતાં. ત્યારે હજુ સેવાક્ષેત્ર મર્યાદિત હતું. સેવા આપનારા પુરોહિત, જ્યોતિષી, લહિયા આદિ ઘેર જ કામ કરતા.

આમ ઘેર બેસીને અને વિના કાગળ-લેખણ કામ કરવાની આદિ સંસ્કૃતિ પ્રૌદ્યોગિકીના અદ્ભુત વિકાસને પરિણામે ફરી પ્રતિષ્ઠિત થવાના સંજોગો ઝડપથી આવી રહ્યા દેખાય છે.

બંસીધર શુક્લ