લેક ડિસ્ટ્રિક્ટ : વાયવ્ય ઇંગ્લૅન્ડના કુમ્બ્રિયા પરગણામાં આવેલો સરોવરો અને પર્વતોથી બનેલો રળિયામણો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 54° 30´ ઉ. અ. અને 3° 10´ પ. રે.ની આજુબાજુનો આશરે 1,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 48 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ આશરે 40 કિમી. જેટલી
છે. આ વિસ્તારમાં 15 જેટલાં સરોવરો આવેલાં છે, તે પૈકી કૉનિસ્ટનવૉટર, ઉલ્સવૉટર, ડરવેન્ટવૉટર, ક્રમોકવૉટર, ઍનરડેલવૉટર, બટરમિયર, વિન્ડરમિયર, ગ્રેસમિયર અને થર્લમિયર મુખ્ય છે. અહીંના કેટલાક પર્વતો સમુદ્રસપાટીથી 900 મીટરની ઊંચાઈ ધરાવે છે, તેમાં સ્કેફેલ, હેલ્વેલીન, સ્કિડૉ અને સ્કેફેલ પાઇક મુખ્ય છે. 978 મીટરની ઊંચાઈ ધરાવતો લેક ડિસ્ટ્રિક્ટનો સ્કેફેલ પાઇક પર્વત ઇંગ્લૅન્ડનો સર્વોચ્ચ પર્વત છે. 1951માં અહીં નૅશનલ પાર્ક બનાવવામાં આવ્યો છે. અહીનાં મુખ્ય નગરોમાં વિન્ડરમિયર, કેસ્વિક અને ઍમ્બલસાઇડ મુખ્ય છે.
સરોવરો અને પર્વતોથી રચાતાં મનોહારી કુદરતી દૃશ્યોએ કવિઓ અને લેખકોને આકર્ષ્યા છે. આમ આ પ્રદેશ અંગ્રેજી પદ્યમાં જોવા મળતી રોમાંચક વિગતો સાથે ઘનિષ્ઠપણે સંકળાયેલો છે. કોલરિજ, સધે, વર્ડ્ઝવર્થ, શેલી અને ટેનિસને તેમની કાવ્યકૃૃતિઓમાં લેક ડિસ્ટ્રિક્ટને અમર બનાવી દીધો છે. આ કારણે તેમને સરોવરોના કવિઓ તરીકે નવાજવામાં આવ્યા છે. વળી આ પ્રદેશનો પ્રભાવ વર્ણવતા અન્ય લેખકોમાં ટૉમસ ગ્રે, જૉન કીટ્સ, જૉન રસ્ક્ધિા, પૉટર અને ડી ક્વિન્સી પણ છે.
ગિરીશભાઈ પંડ્યા