લેઇસ વિંગ બગ : રીંગણ, કેળ, તુલસી વગેરેમાં નુકસાન કરતી જીવાત. વૈજ્ઞાનિક નામ Urentius hystricellus છે. તેનો સમાવેશ Hemiptera શ્રેણીના Tingidae કુળમાં થયેલ છે. આ બગ 2.4 મિમી. લંબાઈ અને 0.9 મિમી. પહોળાઈ ધરાવે છે. તે કાળાશ પડતા બદામી રંગના હોય છે. માદા સહેજ ટૂંકી અને સહેજ પહોળી હોય છે. આગળની પાંખો લંબચોરસ અને આગળની ધાર કાંટાવાળી તેમજ શિરાઓ ઉપર પણ કાંટાઓ હોય છે. માદા કીટક 34થી 165 (સરેરાશ 75) જેટલાં ઈંડાં એકથી તેર દિવસમાં મૂકે છે. ઈંડાં પાનની નીચેની બાજુની ધારે પેશીઓમાં ખોસીને મૂકે છે, તે એકલદોકલ કે સમૂહમાં મુકાતાં હોય છે. ઈંડાંનું 5થી 7 દિવસમાં સેવન થતાં તેમાંથી બચ્ચાં બહાર આવે છે; જે પાનમાંથી રસ ચૂસીને તેને નુકસાન કરે છે. આવાં બચ્ચાં પાંચ વખત કાંચળી ઉતારી (નિર્મોચન) પુખ્ત બનતાં હોય છે. આ અવસ્થામાં કીટક 7થી 9 દિવસ રહે છે. બચ્ચાં સામાન્ય રીતે પાનની નીચેની બાજુએ રહે છે; જ્યારે પુખ્ત પાનની ઉપરની બાજુએ જોવા મળે છે. બચ્ચાં અને પુખ્ત એમ બંને અવસ્થામાં બગ રસ ચૂસીને નુકસાન કરે છે. ઉનાળામાં તેનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. ઉપદ્રવવાળા પાન ઉપર વિશિષ્ટ પ્રકારનાં સફેદ પડતા પીળા રંગનાં ધાબાં પડે છે. વધુ ઉપદ્રવમાં પાન સુકાઈ જાય છે અને તે કારણે છોડ પણ નબળો પડી ક્યારેક સુકાઈ જાય છે.
રીંગણની વિવિધ જાતો પૈકી ગુજરાત સંકર રીંગણ-1(GHB-1)માં આ જીવાતનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીજનું 5 ટકા દ્રાવણ બનાવી છાંટવાથી જીવાતને કાબૂમાં રાખી શકાય છે. વધુ ઉપદ્રવ વખતે મૉનોક્રોટોફૉસ 10 મિલી. અથવા તો 10 લીટર પાણીમાં ડાયમિથોએટ 10 મિલી. ભેળવી છંટકાવ કરવાથી સારાં પરિણામ મેળવી શકાય છે. કેળ જેવા પાકમાં કીટનાશી દવાના છંટકાવ વખતે 10 લીટર પાણીદીઠ કપડાં ધોવાનો પાઉડર 10 ગ્રામ ઉમેરી છંટકાવ કરવાથી અસરકારકતા વધારી શકાય છે. વળી Geocoris tricolar Fb. નામની પરભક્ષી જીવાતો લેઇસ વિંગ બચ્ચાંનું ભક્ષણ કરે છે. તેથી પાકને કુદરતી સંરક્ષણ મળે છે.
પરબતભાઈ ખી. બોરડ