લૅરેમી : વાયોમિંગ રાજ્ય(યુ.એસ.)ના અગ્નિ ભાગમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન. 42° 00´ ઉ. અ. અને 105° 40´ પ. રે.. તે ચેથન્નેથી વાયવ્ય તરફ 72 કિમી.ને અંતરે લૅરેમી નદી (સહાયક નદી સૅન્ડે) પર આવેલું અને આલ્બેનીનું મુખ્ય મથક છે.

1868માં વસેલું આ શહેર આજે આ વિસ્તારનું વેપારી અને જહાજી મથક બની રહેલું છે. અહીં ઘણાં તેલક્ષેત્રો તથા ઢોરના અને ઘેટાંના વાડા આવેલા છે. ઑરેગૉન ટ્રેઇલ અને પૉની એક્સપ્રેસના માર્ગ અગાઉ અહીંથી પસાર થતા હતા. આ શહેરની નજીકમાં મેડિસિન બો નૅશનલ ફૉરેસ્ટ છે, જ્યાં શિકારની તેમજ માછીમારીની સુવિધાઓ ઊભી કરેલી છે. વાયોમિંગ યુનિવર્સિટીનું તે મુખ્ય મથક પણ છે. લૅરેમીમાં રેલમાર્ગ પર દુકાનો, સિમેન્ટ અને હલકા વજનના શેલખડક ટુકડાઓ તૈયાર કરતા એકમો આવેલા છે. યુ. એસ. સરકારનું ખનિજતેલ સંશોધન કેન્દ્ર તથા રાજ્યનું અનાજનું ગોદામ અહીં આવેલાં છે. 1990 મુજબ તેની વસ્તી 26,687 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા