લૅમ્બ, વિલિસ યૂજીન (જ. 1913) : અમેરિકન ભૌતિકવિજ્ઞાની અને 1955ના તે વિષયના નોબેલ પુરસ્કારના સહ-પ્રાપ્તકર્તા. તે પારિતોષિક તેમને અન્ય એક ભૌતિકવિજ્ઞાની પોલિકાર્પ કુશ(Polykarp Kusch)ની સાથે પ્રાપ્ત થયું હતું.

યુ.એસ.ના લૉસ ઍન્જલસ-કૅલિફૉર્નિયામાં જન્મેલ લૅમ્બ 1938માં ન્યૂયૉર્ક શહેરની કોલંબિયા યુનિવર્સિટીમાં જોડાયા અને ત્યાંની રેડિયેશન લેબૉરેટરીમાં બીજા વિશ્વયુદ્ધના સમય દરમિયાન પણ કાર્યરત રહ્યા. આ અરસામાં પરમાણુઓના વર્ણપટની રેખાઓની સૂક્ષ્મ રચના (fine structure) એ એક ઊંડા રસનો વિષય હતો. 1926માં શ્રૉડિંગરે આપેલ ક્વૉન્ટમ મિકૅનિક્સ દ્વારા હાઇડ્રોજન પરમાણુની રેખાઓની મુખ્ય સમજૂતી આપી શકાઈ હતી, પરંતુ તે સિદ્ધાંત (theory) અસાપેક્ષવાદી (non-relativistic) પ્રકારનો હતો. 1928માં ડિરાકે સાપેક્ષલક્ષી (relativistic) ક્વૉન્ટમ યાંત્રિકી આપ્યું. તેના દ્વારા વર્ણરેખાઓની સૂક્ષ્મ રચનાની પ્રાથમિક સમજૂતી આપવામાં આવી; પરંતુ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પાસાંઓ વચ્ચે પૂરેપૂરી સહમતી સાધી શકાઈ નહોતી અને ભૌતિકવિજ્ઞાનીઓમાં એક પ્રકારની ગડમથલ ચાલુ રહી હતી. ડિરાકના ક્વૉન્ટમ યાંત્રિકી મુજબ H-પરમાણુના ઊર્જા-સ્તરો 2s½ અને 2p½ બંનેમાં j = ½ હોવાથી તે ઊર્જાસ્તરો સમાન ઊર્જાના હોવા જોઈએ. બીજી બાજુ, પ્રાયોગિક વર્ણપટશાસ્ત્રીઓ(spectroscopists)નું માનવું એવું હતું કે ઉપર્યુક્ત બે સ્તરો વચ્ચે નાનો એવો ફરક અસ્તિત્વમાં હોવો જોઈએ. આ સમસ્યાનો પ્રાયોગિક ઉકેલ 1947માં લૅમ્બ અને રધરફર્ડ(Rutherford)ના પ્રસિદ્ધ પ્રયોગ દ્વારા મળ્યો. લૅમ્બ-રધરફર્ડના આ પ્રયોગ દૃશ્ય પ્રકાશની મર્યાદામાં નહિ, પરંતુ માઇક્રોતરંગો(microwaves)ના વિસ્તારમાં કરવામાં આવેલા, જે એક નોંધપાત્ર હકીકત છે. આ પ્રયોગો ખૂબ ઉપયોગી નીવડ્યા અને તે દ્વારા ક્વૉન્ટમવાદમાં વિકાસને વેગ મળ્યો.

વિલિસ યૂજીન લૅમ્બ

ત્યારબાદ 1951થી 1956ના ગાળામાં લૅમ્બ સ્ટૅનફર્ડ યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપકપદે રહ્યા અને ત્યાં હીલિયમ (He) પરમાણુઓના વર્ણપટમાં અતિસૂક્ષ્મ (hyperfine) રચનાનો અભ્યાસ કરવા માટે માઇક્રોતરંગ-પદ્ધતિઓની શોધખોળ કરી. 1962 સુધી તેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે રહ્યા અને ત્યારબાદ તેઓ યેલ (Yale) યુનિવર્સિટીમાં સ્થાન પામ્યા. 1974માં લૅમ્બને ઍરિઝોના યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્ર અને પ્રકાશીય વિજ્ઞાન(optical sciences)ના પ્રાધ્યાપક તરીકે નિયુક્તિ મળી.

જૈફ વયે પહોંચેલા પ્રો. લૅમ્બ થોડાં વર્ષો પૂર્વે સંશોધન-વ્યાખ્યાન આપવા માટે અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબૉરેટરીમાં આવ્યા હતા. શ્રૉડિંગર અને ડિરાકના ક્વૉન્ટમ યાંત્રિકીથી આગળ ક્વૉન્ટમ ઇલેક્ટ્રોડાયનૅમિક્સનું જે ખેડાણ થયું તેમાં જરૂરી એવું પ્રાયોગિક પ્રદાન કરવા બદલ લૅમ્બનું કાર્ય આજે પણ મહત્વનું છે. તેમના માનમાં, 2s½ સ્તરના 2p½ની સાપેક્ષમાં ઊર્ધ્વ સ્થાનાન્તરને ‘લૅમ્બ શિફ્ટ’ કહેવામાં આવે છે.

કમલનયન જોષીપુરા