લૅબ્રેડૉર : કૅનેડાના અગ્નિકોણમાં આવેલો મોટો દ્વીપકલ્પ. તે 54° ઉ. અ. અને 62° પ. રે.ની આજુબાજુનો આશરે 2,65,911 ચોકિમી. જેટલો ભૂમિવિસ્તાર (ન્યૂ ફાઉન્ડલૅન્ડ સહિત) આવરી લે છે. તેનો બધો વિસ્તાર ઍટલૅંટિક મહાસાગર અને હડસનના ઉપસાગર વચ્ચે આવી જાય છે. તેનો પશ્ચિમ ભાગ ક્વિબેકમાં ગણાય છે, જ્યારે પૂર્વ કાંઠાનો ભાગ ન્યૂ ફાઉન્ડલૅન્ડ કહેવાય છે. ઍટલટિકની પશ્ચિમે આવેલા 724 કિમી. જેટલા ભૂમિભાગને 1927થી કંઠારપ્રદેશ (‘coast’) તરીકે ગણવાનું નક્કી થયેલું છે. 2,94,330 ચોકિમી. જેટલો ન્યૂ ફાઉન્ડલૅન્ડનો વિસ્તાર લૅબ્રેડૉરના ભાગ તરીકે ગણાય છે. તેની વાયવ્યમાં ઉંગાવા ઉપસાગર, પૂર્વમાં ઍટલૅંટિક મહાસાગર, અગ્નિ તરફ બેલે આઇલની સામુદ્રધુની તથા દક્ષિણે અને પશ્ચિમે ક્વિબેક આવેલાં છે.
લૅબ્રેડૉરનો આખોય પ્રદેશ આછા ઢળતા ઉચ્ચપ્રદેશથી બનેલો છે. તેની કિનારારેખા ખૂબ જ અનિયમિત અને ખંડિત છે, તેમાં 60થી 120 મીટર ઊંચાઈ ધરાવતી ભેખડો, ખાડીઓ, ફિયૉર્ડ તેમજ નાના ઉપસાગરો જોવા મળે છે. લૅબ્રેડૉરના ન્યૂ ફાઉન્ડલૅન્ડ ભાગમાં પૂર્વ કિનારા પર વહેતી નદીઓ ઍટલૅંટિકમાં ઠલવાય છે. આ પ્રદેશની આબોહવા વિષમ રહે છે. અહીં શિયાળાની ઋતુ લાંબા ગાળાની હોય છે. કિનારાથી દૂરના અંદરના ભાગની ભૂમિ સપ્ટેમ્બરથી જૂન સુધી હિમાચ્છાદિત રહે છે. જુલાઈનું સરેરાશ તાપમાન 7° થી 16° સે. વચ્ચેનું રહે છે. અતિ વિષમ આબોહવાને કારણે ખેતીકાર્ય કઠિન અને મુશ્કેલીભર્યું બની રહે છે, તેમ છતાં થોડા-ઘણા પ્રમાણમાં શાકભાજીનું વાવેતર થાય છે.
અહીંના મુખ્ય ઉદ્યોગોમાં માછીમારી, લાકડાં અને લાકડાનો માવો તથા ખનિજોનો સમાવેશ થાય છે. પશ્ચિમમાં આવેલા સમૃદ્ધ લોહઅયસ્ક નિક્ષેપોને કારણે 1950ના દસકાથી ખાણઉદ્યોગનો વિકાસ થતો રહ્યો છે. વર્ષોથી ચાલ્યા આવતા રુવાંટી-ઉદ્યોગ અને માછીમારી પૈકી રુવાંટી-ઉદ્યોગનું હવે મહત્ત્વ રહ્યું નથી, પરંતુ હજી ઘણા લોકો તેમના જીવનનિર્વાહ માટે માછીમારીનો વ્યવસાય કરે છે. ચર્ચિલ નદી પર ‘ચર્ચિલ ફૉલ્સ’ નામનું જળવિદ્યુતમથક આવેલું છે. અહીં દુનિયાનું મોટામાં મોટું ગણાતું ભૂગર્ભીય વિદ્યુતમથક કાર્યરત છે.
લૅબ્રેડૉરની વસ્તી 5,63,641 જેટલી (1997) છે. મોટાભાગની વસ્તી શ્વેત વસાહતીઓની છે, જ્યારે એસ્કિમો અને ઇન્ડિયનો માત્ર 10 % જેટલા જ છે. શ્વેત લોકો પશ્ચિમ ભાગમાં આવેલા ખાણ વિસ્તારોમાં તેમજ ગુઝના અખાત ખાતે આવેલા કૅનેડિયન હવાઈ મથકની આજુબાજુ રહે છે. લોકો માંસ, માછલીઓ સિવાય તેમની જીવનજરૂરિયાતની બાકીની બધી જ ચીજવસ્તુઓ માટે કૅનેડાના જુદા જુદા ભાગ પર આધાર રાખે છે. આ વિસ્તારના વહીવટ માટે લોકો તેમના ત્રણ પ્રતિનિધિઓ પ્રાંતીય ધારાસભામાં મોકલે છે.
અઢારમી સદી સુધી તો અહીં માત્ર એસ્કિમો તથા આલ્ગોંક્વિયન ઇન્ડિયનો જ રહેતા હતા. તેઓ માછીમારીનો વ્યવસાય કરતા હતા. અહીંનાં રુવાંટીધારક પ્રાણીઓ તેમજ કાંઠા પરનાં માછીમારીનાં મથકોની વિપુલતાથી આકર્ષાઈને રુવાંટીનો વેપાર કરવાના હેતુથી ફ્રેન્ચ લોકો અઢારમી સદીમાં લૅબ્રેડૉરમાં આવવા પ્રેરાયેલા. તે પછીથી ઘણા લોકો અહીંના વસાહતીઓ બની ગયા. આ શ્વેત વસાહતીઓ, એસ્કિમો અને ઇન્ડિયનો ત્યારે ખૂબ જ તકલીફભર્યું જીવન વિતાવતા હતા, ત્યારે અંગ્રેજ તબીબી મિશનરી વિલ્ફ્રેડ ટી. ગ્રેનફેલ 1892માં ત્યાં ગયેલો. અહીંના લોકોના જીવનની વિષમ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અહીં હૉસ્પિટલો, શાળાઓ તથા ચર્ચ-મિશનો બંધાવી આપેલાં.
ન્યૂ ફાઉન્ડલૅન્ડ અને ક્વિબેક વચ્ચેની સીમા માટે તેમજ અહીંની આર્થિક સંપત્તિની બાબત માટે તકરારો ચાલતી હતી. 1927માં બ્રિટિશ પ્રિવી કાઉન્સિલે ન્યૂ ફાઉન્ડલૅન્ડની તરફેણમાં આ સમસ્યાનો ઉકેલ લાવી આપ્યો. પ્રિવી કાઉન્સિલે અહીંના કિનારાનું અર્થઘટન જળવિભાજક તરીકે કરેલું.
ગિરીશભાઈ પંડ્યા