લૅન્ડૉ, લેવ ડેવિડૉવિચ (Landau, Lev Davidovich)
January, 2024
લૅન્ડૉ, લેવ ડેવિડૉવિચ (Landau, Lev Davidovich) જ. 22 જાન્યુઆરી 1908, બાકુ, યુ.એસ.એસ.આર; અ. 1 એપ્રિલ 1968, મૉસ્કો, યુ.એસ.એસ.આર) : સંઘનિત દ્રવ્ય અને ખાસ કરીને પ્રવાહી હીલિયમ માટે મૂળભૂત, પાયાના સિદ્ધાંતો આપવા માટે 1962નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની.
લેવ ડેવિડૉવિચ લૅન્ડૉ
લૅન્ડૉનો જન્મ બાકુ, અઝરબૈજાનમાં થયો હતો. તેમનાં માતાપિતા યહૂદી હતાં. તેમના પિતા ઇજનેર અને માતા ડૉક્ટર હતાં. તેઓ બાળપણથી જ અત્યંત પ્રતિભાશાળી હતા. 1924માં તેમણે રશિયાના ભૌતિકશાસ્ત્રના મથક સમાન લેનિનગ્રાડ સ્ટેટ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો અને ત્યાંથી સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં સ્નાતકની પદવી મેળવી. 1929–1931 દરમિયાન તેમને પ્રથમ વખત વિદેશયાત્રાની તક મળી અને તે દરમિયાન તેમણે કોપનહેગનમાં નીલ્સ બ્હૉર સાથે કામ કર્યું. તે પછી કેમ્બ્રિજમાં પૉલ ડિરાક તથા ઝ્યુરિકમાં વુલ્ફગૅન્ગ પૉલી સાથે કાર્ય કરવાની તક મળી. 1932થી 1937ના સમયગાળામાં ખારકોવ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિક્સ ઍન્ડ ટૅકનૉલૉજીના ભૌતિકશાસ્ત્ર વિભાગના વડા તરીકે સેવાઓ આપી. સ્ટાલિન સામે વિવાદાસ્પદ વિધાનો કરવા બદલ 1938માં તેમને મુક્ત કરવામાં આવ્યા. તેમણે અન્ય ગણિતશાસ્ત્રીઓ સાથે મળીને સોવિયેત ઍટમિક અને હાઇડ્રોજન બૉમ્બ માટે સૈદ્ધાંતિક ગણતરીઓ કરી. તે માટે તેમને 1949માં સ્ટાલિન પ્રાઇઝ પ્રાપ્ત થયું. તેમણે ક્વૉન્ડમ ભૌતિકશાસ્ત્ર, સુપરકન્ડક્ટિવિટી, પ્લાઝમા ભૌતિકશાસ્ત્ર, સંઘનિત દ્રવ્ય વગેરે ક્ષેત્રોમાં અત્યંત મહત્વનું યોગદાન કર્યું છે.
1962માં તેમને ગંભીર માર્ગઅકસ્માતનો સામનો કરવો પડ્યો. અને તેઓ બે મહિના બેભાન અવસ્થામાં રહ્યા હતા. આ જ વર્ષ દરમિયાન તેમને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો પરંતુ ઈજાગ્રસ્ત હોવાને કારણે તેઓ નોબેલ પુરસ્કાર સ્વીકારવા માટે વ્યક્તિગત રીતે હાજર રહી શક્યા નહીં. તે પછી તેમની તબિયતમાં ઘણો સુધારો થયો પરંતુ તેમની વૈજ્ઞાનિક રચનાત્મકતા અથવા પ્રતિભા પાછી આવી શકી નહીં. 1965માં તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સહકાર્યકર્તાઓએ ‘લૅન્ડૉ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ થિયૉરેટિકલ ફિઝિક્સ’ની સ્થાપના કરી. 1965માં 60 વર્ષની ઉંમરે અકસ્માતથી થયેલ ઈજાઓને કારણે જ તેમનું અવસાન થયું.
પૂરવી ઝવેરી