લુસાકા (શહેર) : આફ્રિકા ખંડના ઝામ્બિયા દેશના રાજ્ય લુસાકાનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 15° 25´ દ. અ. અને 28° 17´ પૂ. રે.. તે મધ્ય-દક્ષિણ ઝામ્બિયામાં સમુદ્રસપાટીથી આશરે 1,280 મીટરની ઊંચાઈએ આવેલા, ચૂનાખડકોથી બનેલા ઉચ્ચપ્રદેશ પર વસેલું છે. અહીંનું જાન્યુઆરી અને જુલાઈનું તાપમાન 21° સે. અને 16° સે. જેટલું રહે છે.
આ શહેર પરિવહનનું મુખ્ય કેન્દ્ર છે. ગ્રેટ નૉર્થ રોડ અને ગ્રેટ ઈસ્ટ રોડ નામના બે ધોરી માર્ગો અહીંથી પસાર થાય છે. તે રેલમાર્ગોના જંક્શન પર આવેલું છે. લિવિંગ્સ્ટન, અંડોલા અને ટાન્ઝાનિયા સાથે તે રેલમાર્ગોથી સંકળાયેલું છે.
ઝામ્બિયાના ગ્રામીણ વિસ્તારોમાં ઉત્પન્ન થતી ખેતપેદાશોનું બજાર તેમજ વેપારી મથક લુસાકા ખાતે વિકસેલું છે. કૃષિપેદાશોમાં મકાઈ, ઘઉં, તમાકુ, બટાટા અને દૂધનો સમાવેશ થાય છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં સિમેન્ટ, રાચરચીલું, પગરખાં અને કાપડનો સમાવેશ થાય છે. પ્રક્રિયા કરેલી પેદાશોમાં ખાદ્યપદાર્થો, તમાકુ, પીણાં મુખ્ય છે. આ ઉપરાંત આટાની મિલો, પરિવહનનાં સાધનો, પ્લાસ્ટિક અને મુદ્રણકલાના એકમો પણ આવેલા છે. શહેરના ઘણા લોકો સરકારી કાર્યાલયોમાં નોકરીઓ કરે છે.
આ શહેરમાં વિશાળ કદની ઘણી ઇમારતો આવેલી છે, તેમાં સંસદભવન, સરકારી કાર્યાલયોની ઇમારતો તથા ઝામ્બિયા યુનિવર્સિટી અને આધુનિક બહુમાળી આવાસો વિશેષ ઉલ્લેખનીય છે. શહેરની ધંધાકીય તેમજ સરકારી ઇમારતો અને વૃક્ષોની હારવાળા પહોળા માર્ગો પર આવેલી છે. આ ઉપરાંત અહીં શ્રીમંત વર્ગનાં આલીશાન નિવાસસ્થાનો, રમણીય ઉદ્યાનો, ક્રીડાંગણો તેમજ ગરીબોની ઝૂંપડપટ્ટીઓ પણ જોવા મળે છે. હસ્તકારીગરીની વિવિધ ચીજવસ્તુઓનું ખુલ્લું બજાર પણ આ શહેરમાં છે.
1905ના અરસામાં યુરોપિયન વસાહતીઓએ વેપારી થાણા તરીકે લુસાકા વસાવ્યું ત્યારે આ સ્થળનું મૂળ નામ ‘લુસાકાસ’ હતું. વીસમી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસન હેઠળ તે ‘લુસાકા’ થયું છે. ગ્રેટ બ્રિટને 1935માં તેને પાટનગર બનાવ્યું. 1964માં ઉત્તર રહોડેશિયા સ્વતંત્ર થતાં તેને ‘ઝામ્બિયા’ નામ અપાયું અને લુસાકા તેનું પાટનગર રહ્યું છે.
લુસાકા શહેરની વસ્તી 1999 મુજબ 15,77,000 જેટલી છે.
નીતિન કોઠારી