લુઆન્ડા : આફ્રિકામાં આવેલા ઍંગોલાનું પાટનગર, મોટામાં મોટું શહેર, ઔદ્યોગિક મથક તથા બંદર. ભૌગોલિક સ્થાન : 8° 48´ દ. અ. અને 13° 14´ પૂ. રે.. તે આટલાંટિક મહાસાગર પર પશ્ચિમ આફ્રિકાના કિનારા પર આવેલું છે.

અહીંના ઉદ્યોગોમાં ધાતુ ગાળવાની ભઠ્ઠીઓ, લાટીઓ, કાપડની મિલો, ખાંડ, ખનિજતેલ, સિમેન્ટ, મુદ્રણ તથા ખાદ્યપ્રક્રમણના એકમોનો સમાવેશ થાય છે. આ શહેર રેલમથક અને હવાઈ મથકની સુવિધા પણ ધરાવે છે.

1975માં ઍંગોલા સ્વતંત્ર થયું તે અગાઉ લગભગ 400 વર્ષ સુધી અહીં પોર્ટુગીઝોનું શાસન રહેલું. પોર્ટુગીઝોએ વસવા અને શાસન કરવા આ સ્થળ પસંદ કરેલું. તેમણે 1576માં લુઆન્ડા વસાવેલું. અહીંથી ગુલામોનો વેપાર થતો, તેથી તે ગુલામોને બ્રાઝિલ મોકલી આપવાનું મુખ્ય મથક બની રહેલું. ઍંગોલાને આઝાદી મળ્યા બાદ અહીં આંતરયુદ્ધ ફાટી નીકળેલું. તે પછીથી બધા જ પોર્ટુગીઝો ઍંગોલા છોડી જતા રહેલા. આજે લુઆન્ડાની મોટાભાગની વસ્તી અશ્વેત આફ્રિકનોની જ છે. 1999 મુજબ લુઆન્ડાની વસ્તી 25,50,000 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા