લી, ડેવિડ મોરિસ (Lee, David Morris) (જ. 20 જાન્યુઆરી 1931, રાય, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : હીલિયમ-3ની અતિતરલતા(superfluidity)ની શોધ માટે 1996નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. ડગ્લાસ ઓશરોફ અને રૉબર્ટ રિચાર્ડસન સાથે સંયુક્ત રીતે આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. (અથવા વિભાજિત થયો હતો.)
ડેવિડ લીના માતા શિક્ષિકા અને પિતા વિદ્યુત ઇજનેર હતા, જેમના પૂર્વજો યહૂદી (Jew) હતા. ડેવિડ લીએ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી 1952માં સ્નાતકની પદવી મેળવ્યા બાદ તેઓ અમેરિકન સૈન્યમાં 22 મહિના માટે જોડાયા. સૈન્યમાંથી છૂટા થયા બાદ તેમણે યુનિવર્સિટી ઑફ કનેક્ટિકટમાંથી અનુસ્નાતકની પદવી મેળવી. 1955માં તેમણે યેલ યુનિવર્સિટીમાં પીએચ.ડી. માટે પ્રવેશ મેળવ્યો. અહીં તેમણે હેન્રી ફૅરબૅન્કના માર્ગદર્શન હેઠળ નિમ્ન-તાપમાન ભૌતિકીમાં હીલિયમ-3 પર પ્રાયોગિક સંશોધન કર્યું. પીએચ.ડી. પ્રાપ્ત કર્યા બાદ તેઓએ કોર્નેલ યુનિવર્સિટીમાં નોકરી મેળવી અને તેમની આગેવાની હેઠળ ઍક નવી પ્રયોગશાળા – લૅબોરેટરી ઑફ ઍટમિક અને સૉલિડ સ્ટેટ ફિઝિક્સ – ઊભી કરી. અહીં ડગ્લાસ ઓશરોફ તથા રૉબર્ટ રિચાર્ડસન સાથે કરેલા સંશોધનકાર્ય માટે તેઓને સંયુક્ત રીતે નોબેલ પુરસ્કાર મળ્યો. તેઓએ પોમરેન્ચક કોષ(Pomeranchuk cell)ના ઉપયોગ વડે હીલિયમ-3નું અતિ નિમ્ન તાપમાને (નિરપેક્ષ શૂન્ય તાપમાનનો હજારમો ભાગ) સંશોધન કર્યું અને અનપેક્ષિત ઘટનાઓનું અવલોકન કર્યું. આ ઘટનાઓને તેઓએ પ્રાવસ્થા સંક્રમણ(phase transition)થી પ્રાપ્ત થતી અતિતરલ અવસ્થા (superfluid phase) તરીકે દર્શાવી. ડેવિડ લીએ હીલિયમના ઘન, પ્રવાહી તથા અતિતરલ સ્વરૂપો પર સંશોધનો કર્યાં. તેમણે વિશેષતઃ ઘન હીલિયમ-3માં પ્રતિ-લોહચુંબકીય વ્યવસ્થા, પ્રચક્રણ ધ્રુવીભૂત હાઇડ્રોજન વાયુમાં ન્યૂક્લિયર પ્રચક્રણ તરંગો પર શોધ કરી. તે ઉપરાંત પ્રવાહી હીલિયમ-3 અને હીલિયમ-4ના પ્રાવસ્થા પૃથક્કરણ-વક્રના ત્રિ-ક્રાંતિક બિંદુ પર સંશોધન કર્યું.
નોબેલ પુરસ્કાર ઉપરાંત તેમને બ્રિટિશ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિક્સનો 1976નો સર ફ્રાન્સીસ સાયમન મેમોરિયલ પુરસ્કાર અને અમેરિકન ફિઝિકલ સોસાયટીનો 1981નો ઑલિવર બક્લી પુરસ્કાર, જે તેમને ઓશરોફ અને રિચાર્ડસન સાથે સંયુક્ત રીતે મળ્યો. ડેવિડ લી અત્યારે ટેક્સાસ એ ઍન્ડ એમ યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રમાં અધ્યાપનકાર્ય કરે છે તથા પોતાના ભૂતપૂર્વ સંશોધન જૂથ (કોર્નેલ યુનિવર્સિટી) સાથે પણ કાર્યરત છે જે ઘન હીલિયમની અશુદ્ધિઓ પર સંશોધન કરે છે.
જ્યારે કેટલાક પદાર્થોને અતિ-નિમ્ન તાપમાન સુધી ઠંડા કરવામાં આવે છે ત્યારે તેઓ અતિતરલ (superfluid) બને છે, જેનું ઘર્ષણરહિત વહન થાય છે.
હીલિયમ-4, જે હીલિયમનું સામાન્ય સ્વરૂપ છે, તે આવો અતિતરલ પદાર્થ (દ્રવ્ય) છે. ઘણા લાંબા સમયથી હીલિયમ-3ની અતિતરલ અવસ્થા સામે પ્રશ્નાર્થ હતો. 1972માં ડેવિડ લી, ડગ્લાસ ઓશરોફ અને રૉબર્ટ રિચાર્ડસને પ્રાયોગિક રીતે ચકાસ્યું કે હીલિયમ-3 પણ અતિ-નિમ્ન તાપમાને અતિતરલ બને છે.
પૂરવી ઝવેરી