લી ચિંગ-ચાઓ (જ. 1081, શીનાન શાનતુંગ, ચીન; અ. 1150, શીનાન શાનતુંગ, ચીન) : ચીનનાં મહાન કવયિત્રી. પિતા ઓજસ્વી લેખક અને દાદીમા નામાંકિત વિદુષી. આમ સાહિત્યના સંસ્કાર લી ચિંગ-ચાઓને વારસામાં જ મળેલા. 1101માં પ્રાચ્યવિદ્યાના ખ્યાતનામ નિષ્ણાત ચાઓ-મિંગ-ચૅંગ સાથે લગ્નગ્રંથિથી જોડાઈને અત્યંત સુખી દાંપત્યજીવન માણ્યું; પણ એ સુખ દીર્ઘકાલીન ન નીવડ્યું. જ્યુશેન વંશે શૂંગ સામ્રાજ્યની કાઈફેંગ રાજધાની કબજે કરી ત્યારે આ દંપતીને જીવ બચાવવા ભાગવું પડ્યું. આ ભાગ-દોડના સંઘર્ષમાં 1129માં ચાઓ-મિંગ-ચૅંગનું અકાળે અવસાન થયું. શૂંગ સામ્રાજ્યના દક્ષિણ ભાગમાં યાંગસે નદીના ખીણપ્રદેશમાં લી ચીંગ-ચાઓએ આશરો લીધો અને એકલાં જ આમથી તેમ ભાગતાં રહ્યાં. 1132માં તેઓ હેંગચોઉ પહોંચ્યાં. બે વર્ષ પછી ચીન-હુઆઓ તરફ ભાગવું પડ્યું. જીવી તો ગયાં, પણ એકલવાયાપણાની વ્યથા જીવનભર સાથે રહી. 1150ની આસપાસ ચીન-હુઆઓ ખાતે તેમનું નિધન થયેલું મનાય છે.
લી ચિંગ-ચાઓએ નિબંધના સાત અને કવિતાના છ ગ્રંથોનું સર્જન કરેલું; પરંતુ દુર્ભાગ્યે, તેમની થોડીક કાવ્યરચનાઓ – થોડીક ગીતરચનાઓ સિવાય કશું જ બચ્યું નથી. જે કંઈ બચ્યું છે તેના પરથી તેમની સર્જન-પ્રતિભાની ઊંચાઈનો અંદાજ આવ્યા સિવાય રહેતો નથી. શૂંગ કાળ દરમિયાન અત્યંત પ્રચલિત શૈલીમાં લખાયેલાં આ ઊર્મિકાવ્યો–ગીતો ચીની સાહિત્યની મૂડી સમાન છે. આ કાવ્યરચનાઓ એ જમાનામાં જેવી ઉત્તમ કક્ષાની ગણાતી એવી જ આજે પણ ગણવામાં આવે છે. લી ચિંગ-ચાઓ શૂંગ કાળની ચીની ઊર્મિકવિતાનાં પ્રતિનિધિ કવયિત્રી ગણાય. તેમનાં કાવ્યો તેમાં વ્યક્ત થતી નારીની ઊર્મિ-સંવેદના અને વેધક શૈલીને કારણે ધ્યાન ખેંચે છે. જીવનના અનુભવોનું આ કાવ્યોમાં તાદૃશ નિરૂપણ છે. શરૂઆતની કવિતામાં પ્રણયના આનંદની અનુભૂતિનું નિરૂપણ છે, પણ ધીરે ધીરે કાવ્યોનો ધ્વનિ ગંભીર બનતો જાય છે. પતિ સરકારી નોકરીમાં હોવાથી લાંબા સમય સુધીનો તેમનો વિરહ અને ત્યારબાદ પતિના અકાળ અવસાનને કારણે ઊભા થયેલ ખાલીપાની વ્યથા, હતાશા અને વેદના આ કાવ્યોમાં કંડારાઈ છે. કાવ્યોમાં ઉત્કટ ઊર્મિઓનો આવિર્ભાવ હોવાથી તે રચનાઓ હૃદયસ્પર્શી બની છે.
પંકજ જ. સોની