લીલી ઇયળ : જુદા જુદા પાકને નુકસાન પહોંચાડતી એક ફૂદાની નિશાચર બહુભોજી ઇયળ (caterpillar). આ જીવાતની 6 જેટલી જાતો દુનિયામાં સર્વત્ર ફેલાયેલી છે. તેની ભારતમાં નુકસાન પહોંચાડતી જાતનો સમાવેશ રોમપક્ષ (Lepidoptera) શ્રેણીના Noctiuidae કુળમાં થયેલો છે. શાસ્ત્રીય નામ Helicoverpa armigera Hb.. નુકસાન કરતા પાકને અનુલક્ષીને તેને વિવિધ નામથી ઓળખવામાં આવે છે, જે આ પ્રમાણે છે : કપાસનાં જીંડવાં કોરી ખાનારી ઇયળ, તમાકુની ડૂંખ કોરનારી ઇયળ, ચણાના પોપટા કોરનારી ઇયળ, રજકાની ડૂંખ કોરનારી ઇયળ, તુવેર અને ભીંડાની શીંગ કોરનારી ઇયળ, ટમેટાનું ફળ કોનારી ઇયળ, કસુંબીનાં ડોડવાં ખાનારી ઇયળ વગેરે.
ફૂદાંની આગળની પાંખો વરાળ જેવી અને ભૂખરા રંગની છાંટવાળી હોય છે, જ્યારે પાછળની પાંખો પીળાશ પડતી સફેદ અને કાળી છાંટવાળી હોય છે. માદા ફૂદીના ઉદરપ્રદેશની ટોચે વાળના ગુચ્છ આવેલા હોય છે. આ જીવાતનું ચક્ર 6થી 9 અઠવાડિયાંમાં પૂરું થાય છે. તેથી વર્ષદીઠ આ જીવાતની 4થી 5 પેઢીઓનું નિર્માણ થતું હોય છે.
આમ મોટાભાગના પાકોમાં તે નુકસાન કરે છે. માદા ફૂદી છોડની નાની કુમળી કૂંપળો, ફૂલો, કળી અને જીંડવાં/શીંગો ઉપર 500થી 1,000 જેટલાં ઈંડાં મૂકે છે. તે ઈંડાં અર્ધચંદ્રાકાર, નીચેથી ચપટાં અને પીળાશ પડતા સફેદ રંગનાં હોય છે. ઈંડાંનું 3થી 4 દિવસ સુધી સેવન થતાં ઈંડાં શરીર પર પીળાશ પડતા સફેદ અને નારંગી રંગની લીટીઓવાળી ઇયળોમાં રૂપાંતર પામે છે. મોટી ઇયળો સામાન્ય રીતે લીલાશ પડતા ભૂખરા રંગની હોય છે અને શરીર પર છૂટાછવાયા નાના વાળ ધરાવે છે. જોકે આવી ઇયળોના રંગમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. આ ઇયળો આશરે 13 જેટલા જુદા જુદા રંગોની જોવા મળે છે, પરંતુ બધાની નુકસાની કરવાની લાક્ષણિકતા એકસરખી છે. ઇયળો ખૂબ જ ખાઉધરી હોય છે. તેથી તેમની વસ્તી બહુ જ ઓછી હોય તોપણ ઘણું નુકસાન કરી શકે છે. ચણા, ટમેટી, મગફળી, કસુંબી, કરિયાતું, ભીંડા જેવા પાકમાં આ ઇયળો પાન ખાઈને વૃદ્ધિ પામતા છોડને નુકસાન કરે છે. જ્યારે કપાસમાં કળી, ફૂલ અને જીંડવાં, ટમેટીમાં ટમેટાં, કસુંબીમાં ડોડવાં, સૂર્યમુખીમાં ફૂલ અને દાણા, ભીંડામાં કળી, ફૂલ અને શિંગો, તમાકુમાં ડોડવાં, વટાણા અને તુવેરની શિંગો, મકાઈના ડોડા, જુવાર, બાજરી અને ઘઉંમાં દાણા, ચણામાં પોપટા બેસવાની શરૂઆત થાય એટલે તેમને તેઓ નુકસાન કરે છે. ચણાના પોપટા, કપાસનાં જીંડવાં, ભીંડાની અને તુવેરની શિંગો વગેરેમાં નુકસાન કરતી વેળાએ ઇયળ તેમાં કાણું પાડી વિકસતા બીજ કે દાણાને ખાય છે અને તે વખતે પોતાના શરીરનો માથા તરફનો અર્ધો ભાગ અંદર ઘુસાડી નુકસાન કરે છે. ચણાના પોપટા અને ઘોલર મરચાંમાં ક્યારેક આવી ઇયળો સંપૂર્ણપણે અંદર પ્રવેશી નુકસાન કરતી હોય છે. એક જ ઇયળ એક કરતાં વધારે જીંડવાં, શિંગો કે ફળને નુકસાન કરતી હોય છે. આ ઇયળો 5થી 6 વખત કાંચળી ઉતારી પુખ્ત બને છે. તેઓ જમીનમાં ઊતરી જઈ કોશેટામાં પરિણમે છે. આવા કોશેટા ઘાટા, રાતા રંગના હોય છે. આ અવસ્થામાં નર અને માદાને જુદાં તારવી શકાય છે. કોશેટામાંથી 7થી 10 દિવસે ફૂદાં બહાર આવે છે.
આ જીવાતનું નિયંત્રણ વિવિધ કીટનિયંત્રણ પદ્ધતિઓનો ઉપયોગ કરી થઈ શકે છે. જીવાતની નર ફૂદીઓને આકર્ષતા ફેરોમોન ટ્રૅપ હેક્ટરદીઠ 5ની સંખ્યામાં ગોઠવવાથી તેની ગતિવિધિનો ખ્યાલ મેળવી શકાય છે. પરંતુ વધારે સંખ્યામાં સામૂહિક ધોરણે આવાં ટ્રૅપ ગોઠવી મોટી સંખ્યામાં નર ફૂદીઓને આકર્ષી વસ્તી પર કાબૂ મેળવી શકાય છે, કપાસ અને ટમેટી જેવા પાકમાં પીળાં ફૂલવાળી હજારી ગલના છૂટાછવાયા છોડ રોપવાથી પણ સારાં પરિણામો મેળવી શકાય છે. કપાસ અને ટમેટીમાં આ જીવાતની શરૂઆત થતાં અઠવાડિયાના આંતરે 6 વખત હેક્ટરે 1.5 લાખની સંખ્યામાં ટ્રાયકોગ્રામા ભમરી છોડવાથી ખૂબ જ સારાં પરિણામ મેળવી શકાય છે. છોડદીઠ પરભક્ષી ક્રાયસોપાની જીવાતની ઇયળો હેક્ટરે 10,000ની સંખ્યામાં 2થી 3 વખત છોડવાથી સારું નિયંત્રણ મળે છે. આ ઇયળોમાં ન્યૂક્લિયર પૉલિહેડ્રોસિસ વાયરસ(NPV)થી રોગ લાગુ પડવાથી તેમનો નાશ થતો હોય છે. તેથી એચ.એન.પી.વી. 250થી 450 એલઇ/હે. સાંજના સમયે જીવાતની શરૂઆતમાં છાંટવાથી સારું જૈવિક નિયંત્રણ મેળવી શકાય છે. ઇયળની સંખ્યા જ્યારે બેહદ વધે ત્યારે એન્ડોસલ્ફાન 0.07 %, મૉનોક્રોટોફૉસ 0.04 %, ક્વીનાલફૉસ 0.05 %, ફોઝેલોન 0.07 % અથવા કાર્બારિલ 0.2 %નો છંટકાવ કરવો હિતાવહ છે. કપાસ જેવા પાકમાં ફૂલ-ભમરી અને જીંડવાં-અવસ્થાએ જો આ જીવાતનો ઉપદ્રવ ખૂબ જ વધારે જણાય તો સિન્થેટિક પાયરેથ્રૉઇડ જેવી કે સાયપરમેથ્રીન 0.01 %, ફેન્વાલેરેટ 0.01 % અથવા ડેલ્ટામેથ્રીન 0.003 %ના 20 દિવસના અંતરે બે વાર છંટકાવ કરવો જરૂરી છે. વધારે પડતા રાસાયણિક દવાઓના વપરાશના કારણે આ જીવાત ઘણી જંતુનાશક દવાઓ સામે પ્રતિકારકતા પ્રાપ્ત કરતી હોય છે. તેથી એવા કપરા સંજોગોમાં જૈવિક નિયંત્રકો પીળા ફૂલવાળી હજારી ગલ અને ફેરોમોન ટ્રૅપનો ઉપયોગ પાકને બચાવવામાં સહાયકારી નીવડે છે.
પરબતભાઈ ખી. બોરડ