લીચ, જૉન (જ. 29 ઑગસ્ટ 1817, લંડન, બ્રિટન; અ. 29 ઑક્ટોબર 1864, લંડન, બ્રિટન) : પ્રસિદ્ધ ‘પંચ’ સામયિકના જાણીતા વ્યંગ્યચિત્રકાર. લીચને તબીબી શાખામાં પ્રવેશ મળ્યો હોવા છતાં એમનું અભ્યાસમાં ચિત્ત ચોંટ્યું નહિ, તેથી તેમણે ચિત્રો ચીતરવાં શરૂ કર્યાં. લંડનની શેરીમાં ભટકીને અનન્ય હાસ્યજનક વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓનાં રેખાંકનો કર્યાં. આ રેખાંકનો ઉપરથી દોરેલાં એચિંગ્ઝ (છાપચિત્રો) 1835માં પ્રકાશિત થયાં. 1840થી બ્રિટનનાં વિવિધ સામયિકોમાં લીચનાં કાર્ટૂનો પ્રસિદ્ધ થવા માંડ્યાં. બ્રિટિશ વ્યંગ્યચિત્રકારોનાં કાર્ટૂનોમાં વારંવાર ડોકાતા તીખા કટાક્ષ અને ત્રાસ-ઓથારના ભાવ આરંભમાં લીચનાં કાર્ટૂનોમાં પણ જોવા મળતા, પણ પછીથી લીચે એમનો સર્વથા ત્યાગ કર્યો. એમનાં કાર્ટૂનોમાં પશ્ચાદભૂમિકા તરીકે હૂંફાળું હાસ્યજનક શહેરી વાતાવરણ ગોઠવાયું. થોડા સમય માટે એક અન્ય વ્યંગ્યચિત્રકાર જ્યૉર્જ ક્રૂઇકશૅન્ક સાથે પણ સહયોગ કર્યો. એની ચિત્રશૈલી તેમજ વિષયો લીચનાં કાર્ટૂનોની ચિત્રશૈલી અને વિષયો જેવાં જ હતાં.
આરંભમાં જ લીચની ત્રણ વ્યંગ્યચિત્રશ્રેણીઓ સ્વતંત્ર પુસ્તિકા રૂપે પ્રસિદ્ધ થઈ, ડિકન્સની નવલકથા પરથી ‘ક્રિસમસ કૅરોલ’ (1844), ‘ધ કૉમિક હિસ્ટરી ઑવ્ ઇંગ્લૅન્ડ’ (1847–48), ‘ધ કૉમિક હિસ્ટરી ઑવ્ રોમ’ (1852). એ પછી નવલકથાકાર આર. એસ. સુર્ટીસની નવલકથાઓ માટે હાસ્યજનક પ્રસંગ-ચિત્રો દોર્યાં. લંડનની શેરીઓમાં ભટકતાં બાળકોને આલેખતી બે વ્યંગ્યચિત્રશ્રેણીઓ ‘પૉર્ટ્રેટ્સ ઑવ્ ધ ચિલ્ડ્રન ઑવ્ મોબિલિટી’ (1841) અને ‘ફલાય લિવ્ઝ’ દોરી.
‘પંચ’ સામયિકમાં લીચનું પહેલું કાર્ટૂન 1841ની સાતમી ઑગસ્ટે પ્રસિદ્ધ થયું. લીચ અને ‘પંચ’ લાંબા સમય સુધી સંકળાયેલાં રહ્યાં અને એથી પરસ્પર લાભ થયો. શરૂઆતમાં લીચે ‘પંચ’માં સામાજિક વિષયોમાંથી હાસ્ય નિષ્પન્ન કરતાં કાર્ટૂનો આપ્યાં, પણ પછી રાજકીય કટાક્ષ કરતાં કાર્ટૂનો આપ્યાં. એમાં લૉર્ડ બ્રૂગેમ, લૉર્ડ પૅમર્સ્ટોન, ડિઝરાયેલી, લૉર્ડ રસેલ અને ક્રિમિયન યુદ્ધ પર તેમણે કટાક્ષો કર્યા. જોકે તીખો કે કડવો ડંખ એમાંથી એકેય કાર્ટૂનમાં નહોતો. એ પછી તેઓ ફરીથી સામાજિક વિષયો પર કટાક્ષ કરવા તરફ વળ્યા. એમણે અને એમના સહકાર્યકર વ્યંગ્યચિત્રકાર સર જૉન ટેનીલે ખુશમિજાજી પ્રામાણિક ઇંગ્લિશ નાગરિક જૉન બુલનું વ્યક્તિત્વ સર્જ્યું. જૉન બુલને તેઓ હંમેશાં યુનિયન જૅક(બ્રિટિશ ઝંડો)માંથી બનેલો કોટ પહેરાવતા. જૉન બુલ સહેજ જાડો હતો. એનો સાથીદાર બુલડૉગ એની સાથે જ રહેતો. ‘વન્સ એ વીક’ તથા ‘ઇલસ્ટ્રેટેડ લંડન ન્યૂઝ’માં પણ લીચનાં કાર્ટૂનો છપાવા માંડ્યાં.
લીચનાં કાર્ટૂનોના સંગ્રહો પુસ્તકો રૂપે પણ પ્રસિદ્ધ થયાં છે : (1) ‘પિક્ચર્સ ઑવ્ લાઇફ ઍન્ડ કૅરેક્ટર ફ્રૉમ ધ કલેક્શન ઑવ્ મિસ્ટર પંચ’ (1854), (2) ‘એ લિટલ ટૂર ઇન આયર્લૅન્ડ’.
અમિતાભ મડિયા