લિસ્ટ, ફ્રેડરિક (જ. 6 ઑગસ્ટ 1789, રૂટલિન્જેન, વુટેમ્બર્ગ; અ. 30 નવેમ્બર 1846, કુફસ્ટીન, ઑસ્ટ્રિયા) : રાષ્ટ્રવાદ પર આધારિત આર્થિક વિચારસરણીના પુરસ્કર્તા તથા દેશના ઉદ્યોગોને સંરક્ષણ આપવાની નીતિની પ્રખર હિમાયત કરનારા જર્મન અર્થશાસ્ત્રી. મોટાભાગનું શિક્ષણ જાતે જ લીધું. માત્ર 17 વર્ષની નાની ઉંમરે 1806માં તેઓ સરકારી નોકરીમાં કારકુન તરીકે દાખલ થયા અને ત્યારપછીના થોડાક જ સમયમાં તેમની નિમણૂક સ્થાનિક પ્રશાસન વિભાગના મંત્રીના સચિવ તરીકે કરવામાં આવી. 1816માં તેમને શાસકીય લેણદેણ અંગેના હિસાબોના મુખ્ય પર્યવેક્ષક તરીકે નીમવામાં આવ્યા અને તુરત જ 1817માં તેમને જર્મનીની ટુબિન્જેન યુનિવર્સિટીમાં રાજ્ય-પ્રશાસન અને રાજ્યશાસ્ત્ર વિષયોના પ્રોફેસરનું પદ બહાલ કરવામાં આવ્યું. આ પદ પર નિમણૂક મેળવનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા. આ પદ પરના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે જર્મનીના રાજ્યપ્રશાસનમાં દાખલ થયેલ નોકરશાહીની સખત ઝાટકણી કાઢી અને એકહથ્થુ રાજાશાહીને સ્થાને બંધારણીય રાજાશાહીની હિમાયત કરી. તેમણે તે વખતની શાસનપ્રણાલીના વિરોધમાં ઘણા લેખો પણ લખ્યા, જેને પરિણામે તેમને 1819માં યુનિવર્સિટી પ્રોફેસરના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. સરકાર અને તેમની વચ્ચેનો વિખવાદ એટલી હદે વકર્યો કે તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને છેવટે તેમને દેશનિકાલ કરવામાં આવ્યા. 1825માં તેઓ અમેરિકા ગયા અને ત્યાં તે દેશનો પ્રવાસ ખેડ્યો. આ પ્રવાસ દરમિયાન તેઓ ત્યાંના ઘણા અર્થશાસ્ત્રીઓ અને રાજકારણીઓના સંપર્કમાં આવ્યા. તે અરસામાં અમેરિકામાં ઉદ્યોગોને સંરક્ષણ આપવા અંગેની વૈચારિક ઝુંબેશ ચાલુ હતી, જેમાં હૅમિલ્ટન નામના મુત્સદ્દી અગ્રેસર હતા. આ ઝુંબેશમાં લિસ્ટ પણ જોડાયા. વળી તેમણે આ અંગે ઇન્ગરસોલને ઘણા પત્રો પણ લખ્યા, જે પાછળથી ‘આઉટલાઇન્સ ઑવ્ એ ન્યૂ સિસ્ટિમ ઑવ્ પોલિટિકલ ઇકૉનોમી’ શીર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આ પ્રકાશને તેમને ઉદ્યોગોના સંરક્ષણના હિમાયતી તરીકે ઘણી પ્રસિદ્ધિ આપી. જીવનનાં છેલ્લાં વર્ષ દરમિયાન તેમણે ખૂબ લખાણ કર્યું. ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સનો પ્રવાસ ખેડ્યો; રેલરોડ બાંધકામને પ્રોત્સાહન આપવાની પ્રવૃત્તિમાં જોડાયા તથા એક વૃત્તપત્રનું સંપાદનકાર્ય પણ કર્યું. અમેરિકાનું નાગરિકત્વ પ્રાપ્ત કર્યા પછી તેઓ જર્મની પાછા ફર્યા અને 1832માં તેમણે લાઇપઝિગ ખાતે અમેરિકાના કૉન્સલ તરીકે ફરજ બજાવી (1832–34). ત્યારબાદ આર્થિક કારણોસર તેઓ પાછા ફ્રાન્સ જતા રહ્યા હતા.

ફ્રેડરિક લિસ્ટ

તેમણે તેમના મહાન ગ્રંથ ‘ધ નૅશનલ સિસ્ટિમ ઑવ્ પૉલિટિકલ ઇકૉનૉમી’ના પ્રથમ ભાગનું પ્રકાશન 1840માં કર્યું; જેમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર, બજારવ્યવસ્થામાં રાજ્યની દરમિયાનગીરી અને રાજ્યનાં કાર્યો તથા જર્મનીના જકાત મંડળ વિશે વિશદ ચર્ચા કરી છે. તેમની ઇચ્છા આ ગ્રંથ ત્રણ ખંડોમાં પ્રકાશિત કરવાની હતી, જે સફળ થઈ ન હતી. આ ગ્રંથ તૈયાર કરવા પાછળનો તેમનો મુખ્ય હેતુ ઍડમ સ્મિથ અને તેમના અનુયાયીઓએ મુક્ત વ્યાપારની તરફેણમાં જે વિચારસરણી પ્રસ્તુત કરી હતી તેને વખોડી કાઢવાનો હતો.

અમેરિકાના રાજપુરુષ હૅમિલ્ટને 1791માં અમેરિકાના ઉદ્યોગોને વિદેશી હરીફાઈ સામે સંરક્ષણ આપવાની જોરદાર હિમાયત કરી હતી. ફ્રેડરિક લિસ્ટે તેના ગ્રંથ ‘નૅશનલ સિસ્ટમ’માં આ અંગે જે દલીલો કરી હતી તે હૅમિલ્ટનની વિચારસરણીને મળતી આવે એવી જ હતી; પરંતુ લિસ્ટે અમેરિકા અને જર્મનીમાં જે જોયું અને અનુભવ્યું તેની તેમની વિચારસરણી પર વિશેષ અસર પડી હતી. તેમણે અમેરિકામાં સંરક્ષણની નીતિનાં સારાં પરિણામો તથા જર્મનીમાં કામચલાઉ ધોરણે આપવામાં આવેલ સંરક્ષણની નીતિની સફળતા જાતે જોયાં હતાં. લિસ્ટના આ અંગેના આર્થિક વિચારો જર્મનીની તત્કાલીન પરિસ્થિતિને અનુરૂપ હતા. લિસ્ટના મંતવ્ય મુજબ ઍડમ સ્મિથ અને તેમના પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના સિદ્ધાંતો વાસ્તવિક હકીકતો પર નહિ, પરંતુ કેટલીક અવાસ્તવિક ધારણાઓ પર રચાયેલા છે, જે વાસ્તવિક જગતમાં પ્રસ્તુત નથી. લિસ્ટની સંરક્ષણ અંગેની વિચારસરણી(protec-tionism)ના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે :

(1) જે દેશ ઔદ્યોગિક રીતે વિકસિત હોય ત્યાં ઉદ્યોગોને સંરક્ષણ આપવાની નીતિ પ્રસ્તુત નથી, પરંતુ જે દેશ ઔદ્યોગિક દૃષ્ટિએ પછાત હોય તે જ દેશે પોતાના ઊગતા ઉદ્યોગોને બાહ્ય હરીફાઈ સામે સંરક્ષણ આપવું જોઈએ.

(2) જે દેશને શક્તિશાળી વિદેશી હરીફાઈનો સામનો કરવો પડતો હોય તેવા જ દેશના ઘરઆંગણાના ઉદ્યોગોને સંરક્ષણ આપવું જોઈએ.

(3) સંરક્ષણની નીતિનો અમલ પોતાનો દેશ ઔદ્યોગિક દૃષ્ટિએ શક્તિસંપન્ન બને માત્ર ત્યાં સુધી જ કરવો જોઈએ, કાયમી ધોરણે નહિ. એક વાર પોતાના ઉદ્યોગો બાહ્ય હરીફાઈ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે ત્યારપછી તેમને સંરક્ષણ આપવાની જરૂર રહેતી નથી.

(4) કૃષિક્ષેત્રને કોઈ પણ હિસાબે સંરક્ષણ આપવું જોઈએ નહિ, કારણ કે કૃષિપેદાશોને સંરક્ષણ આપવાથી કાચા માલ અને અનાજની કિંમતોમાં વૃદ્ધિ થાય તો ઉદ્યોગોના વિકાસમાં અવરોધો ઊભા થશે.

ભારત જેવા વિકાસશીલ દેશના બાલ્યાવસ્થાના ઉદ્યોગોના સંદર્ભમાં ફ્રેડરિક લિસ્ટની સંરક્ષણ અંગેની વિચારસરણી પ્રસ્તુત ગણાય.

1819માં જર્મનીના ફ્રૅન્કફર્ટ નગરમાં જર્મન ઍસોસિયેશન ઑવ્ જર્મન મૅન્યુફૅક્ચરર્સ ઍન્ડ મર્ચન્ટ્સ નામની જે સંસ્થા સ્થાપવામાં આવી હતી તેની સ્થાપનામાં લિસ્ટે અગ્રેસર ભૂમિકા ભજવી હતી અને તે સંસ્થાના સેક્રેટરીપદે શરૂઆતમાં લિસ્ટની વરણી થઈ હતી.

અર્થશાસ્ત્રમાં લિસ્ટને ‘ફાધર ઑવ્ ધી અમેરિકન પ્રૉટેક્શનિઝમ’ તથા ‘ઍન અપૉસ્ટલ ઑવ્ ઇકૉનૉમિક નૅશનાલિઝમ’ના બિરુદથી ઓળખવામાં આવે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે