લિવરપૂલ : વાયવ્ય ઇંગ્લૅન્ડમાં આવેલા મર્સીસાઇડનું મુખ્ય શહેર, દરિયાઈ બંદર તથા સ્થાનિક જિલ્લો. ભૌગોલિક સ્થાન : 53° 25´ ઉ. અ. અને 2° 55´ પ. રે.. તે મર્સી નદીના મુખભાગથી અંદર તરફ વિસ્તરેલી નદીનાળના પૂર્વ કાંઠા પર વસેલું છે.
ઇંગ્લૅન્ડનાં પાંચ મોટાં ગણાતાં શહેરો પૈકીનું તે એક છે. ઉત્તર આટલાંટિક મહાસાગરમાં ઇંગ્લૅન્ડના પશ્ચિમ કિનારે આવેલાં બંદરો પૈકી અવરજવર માટે લિવરપૂલનું સ્થાન મહત્વનું ગણાય છે. આ બંદર પર આવેલી ગોદીઓની લંબાઈ 11 કિમી. જેટલી છે. વીસમી સદીના મધ્યકાળથી તેનું જહાજી સમારકામના બંદર તરીકેનું મહત્વ પ્રમાણમાં ઘટતું ગયું છે, તેમ છતાં શહેરના અર્થતંત્રમાં તેના જહાજી કામકાજ સાથે સંકળાયેલા ઉદ્યોગોનું મહત્વ એટલું જ રહ્યું છે. શહેરના મુખ્ય ઉદ્યોગોમાં રાસાયણિક એકમો, લોહધાતુની ભઠ્ઠીઓ, દોરડાંનાં કારખાનાં તથા ખાંડનાં શુદ્ધીકરણ-કારખાનાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં આટાની મિલો, વીજ-ઇજનેરી, ખાદ્યપ્રક્રમણ, સાબુ, માર્ગરીન, ચામડાંના એકમો અને મોટરગાડીઓના એકમો પણ આવેલાં છે. અહીંના બંદરેથી ક્રૂડ ઑઇલ, અનાજ, ધાતુઅયસ્ક, ખાદ્યતેલ, લાકડાં અને ચીજવસ્તુઓ ભરવાના ડબ્બાની આયાત થાય છે.
લિવરપૂલ મોટું શહેર હોવાથી અહીં જહાજો દ્વારા મુસાફરોની અવરજવર મોટા પ્રમાણમાં થતી રહે છે. નદીનાળના કાંઠે અહીં વિશાળ ઉતરાણ-મથક આવેલું છે. લિવરપૂલની સામેના કાંઠે બર્કનહેડ, ન્યૂ બ્રિગટન અને વૉલેસી આવેલાં છે. મર્સી ટનલ (1886), રેલવે ટનલ અને ક્વીન્સવે ટનલ (1934), લિવરપૂલને બર્કનહેડ સાથે, જ્યારે કિંગ્સવે ટનલ (1971) તેને વૉલેસી સાથે જોડે છે. નાની હોડીઓ પણ અવરજવરની સુવિધા પૂરી પાડે છે. અહીંથી આઇલ ઑવ્ મૅન તેમજ ડબ્લિન જવા માટે સ્ટીમરોનો ઉપયોગ થાય છે. લિવરપૂલનું હવાઈ મથક સ્થાનિક ઉડ્ડયનો ભરે છે, જ્યારે યુરોપના અન્ય દેશો માટે વિશેષ વિમાનો સેવા આપે છે. ઇંગ્લૅન્ડના અન્ય ભાગો સાથે જોડતી રેલસેવા અહીંના એક્સચેન્જ મથક તથા લાઇમ સ્ટ્રીટ મથક પર પૂરી થાય છે.
લિવરપૂલને વિશાળ જળાગ્રભાગ (water front) મળેલો છે. નદીકાંઠાને મથાળે રૉયલ લિવર બિલ્ડિંગના બે જોડિયા ટાવર આવેલા છે, તેમની ટોચ પર દંતકથાઓને અનુરૂપ પક્ષીઓની વિશાળ કદની પ્રતિકૃતિઓ મૂકેલી છે. (જુઓ ચિત્ર.) આ પ્રતિકૃતિઓને ‘લિવર બર્ડઝ’ નામથી ઓળખવામાં આવે છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં બ્લૂ કોટ ચેમ્બર્સ (1717), ટાઉનહૉલ (1754), સાંસ્કૃતિક દૃષ્ટિએ સ્થાપત્યના નમૂનારૂપ સેન્ટ જ્યૉર્જ હૉલ (1838 –54) (જેમાં અદાલત બેસે છે અને ઉત્સવ-ખંડ પણ છે), જ્યૉર્જ ગિલ્બર્ટ સ્કૉટ દ્વારા નિર્માણ પામેલું (1904થી 1980) ઍંગ્લિકન કેથીડ્રલ (જેનું કામ બંને વિશ્વયુદ્ધોમાં મુલતવી રહેલું, તેના પર 1941માં બૉંબમારો પણ થયેલો અને અધૂરું હોવા છતાં રાણી એલિઝાબેથે 1978માં તેને ખુલ્લું મૂકેલું), ફ્રેડરિક ગિબ્બર્ડ દ્વારા બંધાવાયેલું ક્રાઇસ્ટ ધ કિંગનું શંકુ આકારનું, અજોડ નમૂનારૂપ, રોમન કૅથલિક મેટ્રોપૉલિટન કેથીડ્રલ; વૉકર આર્ટ ગૅલરી (1877, જેમાં ચિત્રોનો ઘણો મોટો સંગ્રહ જળવાયેલો છે તેમજ લંડનની આર્ટ ગૅલરી પછીના બીજા ક્રમે આવે છે), ટેટ ગૅલરી (1987), 1840માં સ્થપાયેલું લિવરપૂલ ફિલહાર્મૉનિક ઑરકેસ્ટ્રા (જે 1957માં રૉયલ LPO થયું છે), ગૅલરીની નજીકમાં મર્સીસાઇડ કાઉન્ટી મ્યુઝિયમ અને સિટી લાઇબ્રેરી વગેરેનો સમાવેશ થાય છે. 1903માં સ્થપાયેલી લિવરપૂલ યુનિવર્સિટી શહેરના મધ્ય ભાગમાં દક્ષિણ તરફ માઉન્ટ પ્લેઝન્ટ ખાતે ઊંચા સ્થળે આવેલી છે. યુનિવર્સિટીના આવાસખંડો મૉસલે હિલ પર બાંધેલા છે. લિવરપૂલમાં પૉલિટૅકનિક પણ છે. 1984માં બ્રિટનનો પ્રથમ આંતરરાષ્ટ્રીય મહોત્સવ અહીં યોજાયો હતો. 1995માં ખુલ્લી મુકાયેલી દુનિયાની પ્રથમ પોપ સંગીત યુનિવર્સિટી – લિવરપૂલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ધ પર્ફૉર્મિંગ આર્ટ્સ અહીંનું એક અન્ય આકર્ષણ છે.
શહેરના મધ્યભાગમાં દુકાનોનું સંકુલ છે, તેમાં લિવરપૂલની ઊંચામાં ઊંચી ઇમારત (137 મી.) સેન્ટ જૉન્સ બેકન છે. શહેરમાં તથા તેના બહારના ભાગોમાં રમતગમતો માટેની વિવિધ પ્રકારની ઘણી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અહીં દોડસ્પર્ધા, મોટરગાડીઓની સ્પર્ધા, ફૂટબૉલ રમત-સ્પર્ધા યોજાય છે. અહીં ક્રિકેટનું મેદાન પણ છે. ઉપરાંત જાહેર ઉદ્યાનો, બાગબગીચા, બૉટૅનિકલ ગાર્ડન પણ છે. તે પૈકી શહેરની દક્ષિણે આવેલો પ્રિન્સ પાર્ક ખૂબ જાણીતો બન્યો છે.
ઇતિહાસ : લિવરપૂલ છેક સેક્સન કાળની તવારીખ ધરાવે છે. ત્યારે તે નાનકડું માછીમારોનું ગામ હતું. 1207માં રાજા જૉને તેને બરો અને બંદર બનાવ્યું. બંદર તરીકે તેનું મહત્વ તો વધ્યું, પરંતુ બંદરનો વિકાસ ધીમો હતો. 1715માં ત્યાં પ્રથમ ગોદી બાંધવામાં આવી. અઢારમી સદીમાં અહીં વહાણોમાં ગુલામોને ભરીને લાવવામાં આવતા, ત્યાંથી વેસ્ટ ઇન્ડિઝ અને ઉત્તર અમેરિકા મોકલી અપાતા અને તેના વિનિમયમાં બીજી વસ્તુઓ લવાતી હતી. ઓગણીસમી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન આ શહેરનું મહત્વ વધતું ગયું. 1830માં લિવરપૂલ–માન્ચેસ્ટર રેલમાર્ગ (દુનિયાનો સર્વપ્રથમ મુસાફર રેલમાર્ગ) નંખાયો. બ્રિટનની પ્રથમ ટ્રાન્સઆટલાન્ટિક સ્ટીમરો કાર્ય કરતી થઈ. વીસમી સદીમાં શહેરનું વિસ્તરણ ચાલુ રહ્યું. વીસમી સદીના પ્રારંભ સુધી લૅન્કેશાયર અને યૉર્કશાયરના કાપડ-ઉત્પાદનની નિકાસ લિવરપૂલથી થતી હતી, તેથી તેનું મહત્વ અંકાતું હતું, પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન દરોડા પડ્યા, તેમાં લિવરપૂલની તારાજી થઈ; તેમ છતાં લિવરપૂલનું મહત્વ તેના વાહનવ્યવહાર અને ઔદ્યોગિક વિકાસની સાથે વધતું ગયું છે. 1999 મુજબ તેની વસ્તી 4,58,000 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા