લિલી : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા એમેરિલિડેસી કુળની કેટલીક જાતિઓ. આ બધી જાતિઓ કંદમાંથી થાય છે. તેમનાં પાન સાંકડાં, પટ્ટી આકારનાં અને લાંબાં હોય છે. તેઓ બધી જગાએ થાય છે. પરંતુ થોડા ભેજવાળી આબોહવામાં અને સાધારણ છાંયામાં સારી રીતે થાય છે. તેની કેટલીક જાતિઓ આ પ્રમાણે છે.

સ્પાઇડર લિલી અથવા ગાર્ડન લિલી (Pancratium caribacum) : આ જાતિના છોડ 40 સેમી.થી 50 સેમી. ઊંચા હોય છે. તેનાં પુષ્પો મોટાં, સફેદ રંગનાં અને ભૂંગળી આકારનાં હોય છે. તેનાં પરિદલ-પત્રો પણ મોટાં હોય છે અને છ લાંબા તંતુઓ ધરાવતાં પુંકેસરો કરોળિયા જેવાં લાગતાં હોવાથી તેને ‘સ્પાઇડર લિલી’ કહે છે. તેનું પુષ્પનિર્માણ જૂનથી ઑગસ્ટ દરમિયાન થાય છે.

તેનું પ્રસર્જન નીચેથી નીકળતાં પીલાંને છૂટાં કરીને થઈ શકે છે. તેને કૂંડામાં પણ ઉછેરી શકાય છે. સામાન્ય રીતે નવા રોપેલા છોડ કરતાં જૂના છોડને વધારે પુષ્પો આવે છે. તે ઉદ્યાનોમાં બૉર્ડરની ક્યારીઓમાં સ્વતંત્ર અથવા બીજા છોડની સાથે ઉપક્ષુપ (undershrub) તરીકે રોપવામાં આવે છે.

ઝેફિરૅન્થસ (Zephyranthus) લિલી : તેના છોડ 25 સેમી.થી 30 સેમી. ઊંચા થાય છે અને પાન ઘાસ જેવાં સાંકડાં, લાંબાં અને પટ્ટી આકારનાં હોય છે. તે લગભગ બધી જગાએ થઈ શકે છે. તેને વર્ષમાં 3થી 4 વાર પુષ્પો બેસે છે. તેની ઘણી જાતિઓ થાય છે. પુષ્પોના રંગનો આધાર જાતિ પર રહેલો છે. Zephyranthus atamas-coનાં પુષ્પો મોટાં, લાંબાં અને સફેદ રંગનાં; Z. candidaનાં પુષ્પો તલભાગેથી લાલ છાંટવાળાં સફેદ; Z. longifoliaનાં પુષ્પો પીળા રંગનાં; Z. andersoniiનાં પુષ્પો પીળાં અને કિનારીએથી લાલાશ પડતાં; Z. flavaનાં પુષ્પો સોનેરી પીળા રંગનાં; Z. robustaનાં પુષ્પો ગુલાબી અને રતાશ પડતાં અને Z. cariantaનાં પુષ્પો ગુલાબી રંગનાં હોય છે.

એમેરિલિયા લિલી અથવા લિલી ઍમેરેન્થસ (Amaryllis) : તેના છોડ મોટા હોય છે. પાન લાંબાં, પહોળાં અને મોટાં હોય છે. પુષ્પો બેથી ચારનાં નાનાં ઝૂમખાંમાં બેસે છે. પુષ્પદંડ લાંબા હોય છે. પુષ્પો મોટાં અને ભૂંગળી આકારનાં અને સફેદ આછા ગુલાબી રંગનાં હોય છે. પુષ્પનિર્માણ લગભગ સમગ્ર વર્ષ દરમિયાન થાય છે, છતાં ચોમાસામાં પુષ્પો વધારે બેસે છે. પુષ્પદંડ પાણીમાં રાખી તેને રોજ નીચેથી થોડો થોડો કાપવામાં આવે તો પુષ્પ દસ દિવસ સુધી ટકે છે.

આ છોડનો દક્ષિણ અમેરિકામાંથી ભારતમાં પ્રવેશ થયો હોવાનો ઉલ્લેખ છે. હાલમાં ઉદ્યાનોમાં મળતી તેની જાતો સંકર જાતો છે.

Amaryllis belladonaને બેલાડૉના લિલી, Euchairs grandifloraને ઍમેઝોન લિલી અને Hippeastrum reginaeને સ્ટાર લિલી કહે છે. આ બધી જાતિઓ ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે.

ઍરેસી કુળમાં આવેલી Arisaema murrayiને કોબ્રા કે સ્નેક લિલી અને Zantedeschia aethiopica syn. Aichardia africanaને લિલી ઑવ્ ધ નાઇલ કહે છે.

મ. ઝ. શાહ