લિમ્બૂર્ગ બ્રધર્સ (લિમ્બૂર્ગ પૉલ, લિમ્બૂર્ગ હર્મેન અને લિમ્બૂર્ગ જેહાનેકીન)
January, 2004
લિમ્બૂર્ગ બ્રધર્સ (લિમ્બૂર્ગ પૉલ, લિમ્બૂર્ગ હર્મેન અને લિમ્બૂર્ગ જેહાનેકીન) (જ. ત્રણેયનો 1385 પછી, નિમેજિન, બ્રેબેન્ટ, ફ્લૅન્ડર્સ; અ. ત્રણેય ભાઈઓનું 1416 સુધીમાં, ફ્રાંસ) : પ્રસિદ્ધ ગૉથિક પોથીચિત્રકારો. પ્રસિદ્ધ ગૉથિક શિલ્પી આર્નોલ્ડ ફાન લિમ્બૂર્ગના ત્રણ પુત્રો પૉલ, હર્મેન અને જેહાનેકીન ગૉથિક લઘુચિત્રકલાના શ્રેષ્ઠ ચિત્રકારો ગણાય છે. ત્રણેય ભાઈઓ દરેક લઘુચિત્રમાં સાથે જ ભાગીદારીમાં કામ કરતા. આશરે 1400માં પિતા આર્નોલ્ડે ત્રણેય પુત્રોને પૅરિસમાં એક સોનીને ત્યાં સોનીકામનું કૌશલ્ય શીખવા મોકલ્યા. એવું માનવામાં આવે છે કે એ સોની પાસે એ ત્રણેએ આશરે બેથી ત્રણ વરસ સુધી તાલીમ મેળવી. એ ત્રણેયના કાકા ઝાં માલૂએલ બર્ગન્ડીના રાજાના દરબારમાં ચિત્રકાર હતા. માલૂએલે પોતાની વગ વાપરી તેથી તે રાજાએ ત્રણેય ભાઈઓને 1402–03માં પોતાના દરબારમાં તેડાવી લીધા અને ‘બાઇબલ મોરાલિસી’નાં પ્રસંગચિત્રો લઘુ કદમાં ચીતરવાનું કામ આપ્યું. 1404 સુધીમાં એ ચિત્રો પૂરાં થયાં. આ બાઇબલ આજે પૅરિસમાં આવેલી ફ્રેંચ રાષ્ટ્રીય લાઇબ્રેરી ‘બિબ્લિયોથેક નૅશનાલે’માં સચવાયું છે. એ પછી ‘લે હૂરે દેઈલી’ (Les Heures d’Ailly – ધ બુક્સ ઑવ્ અવર્સ) નામે ઓળખાતાં પ્રાર્થનાપુસ્તકોમાં લઘુપ્રસંગચિત્રો આલેખ્યાં. આ પ્રાર્થનાપુસ્તકો હાલમાં ન્યૂયૉર્ક નગરના મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑવ્ આર્ટની એ જ નગરમાં આવેલી શાખા ક્લૉઇસ્ટર્સમાં પ્રદર્શિત થયાં છે. આ પુસ્તકોમાંનાં ચિત્રો માત્ર લિમ્બૂર્ગ બ્રધર્સનાં જ કે ઇટાલિયન ગૉથિકનાં જ નહિ, પણ ઇન્ટરનૅશનલ ગૉથિક શૈલીનાં (સમગ્ર યુરોપમાં ગૉથિક યુગ દરમિયાન) પણ શ્રેષ્ઠ લઘુચિત્રો ગણાય છે. સામાન્ય રીતે ગૉથિક લઘુચિત્રોમાં જોવા મળતી અક્કડતા(archaic elements)ને સ્થાને પ્રવાહિતા અને સ્વાભાવિકતા એમાં જોવા મળે છે. આ ભાઈઓએ પછી ‘ત્રે રિશે હૂરે’ (Tres Richer Heures) પુસ્તકમાળા ચીતરવી શરૂ કરેલી, પણ એ અધૂરી રહી જવાથી તે પુસ્તકમાળાને ઝાં કૉલૉમ્બે નામના ચિત્રકારે પૂરી કરી.
અમિતાભ મડિયા