લિથોમાર્જ (lithomarge) : લૅટરાઇટ સાથે મળી આવતો એક પ્રકારનો માટીયુક્ત ખડક. સામાન્ય રીતે લૅટરાઇટ આવરણ અને તેની નીચે રહેલા બેસાલ્ટ વચ્ચે લિથોમાર્જ અથવા બોલ (bole) હોય છે. નીચે રહેલા ખડક (બેસાલ્ટ અથવા નાઇસ) ક્રમશ: લૅટરાઇટમાં પરિણમતા હોવાનો નિર્દેશ કરતી તે એક વચગાળાની કેઓલીનને મળતી આવતી પેદાશ છે. તે ઔદ્યોગિક દૃષ્ટિએ ઉપયોગી માટીના કેટલાક ગુણધર્મો ધરાવે છે.
ભારતમાં તે આસામ અને પશ્ચિમ બંગાળમાં મળે છે. આસામની ગારો ટેકરીઓના કોલસાના સ્તર સાથે લિથોમાર્જ મોટા પ્રમાણમાં મળી આવે છે. તુરા નજીક તેની સારી વિવૃતિઓ છે, તેમાં પણ વિશેષે કરીને કોલસાનાં ક્ષેત્રોની વાયવ્યમાં તથા ગારો અને ખાસી ટેકરીઓની હારમાળાના દક્ષિણ ઢોળાવોમાં ક્યાંક ક્યાંક ન્યૂમુલાઇટયુક્ત ચૂનાખડક કક્ષા નીચે તે મળે છે. પશ્ચિમ બંગાળમાં લિથોમાર્જ લક્ષણવાળી વિવિધ પ્રકારની માટી પુરુલિયા, બાંકુડા, બીરભૂમ અને બર્દવાન જિલ્લાઓના ભાગોમાં મળે છે.
લોહ તેમજ આલ્કલીની ઓછી માત્રાવાળો લિથોમાર્જ અગ્નિજિત માટી તરીકે ઉપયોગમાં લઈ શકાય, પરંતુ તેના અખતરા કરવામાં આવ્યા નથી.
વ્રિજવિહારી દીનાનાથ દવે