લિથુઆનિયા : 1991માં પુન:સ્વાતંત્ર્ય મેળવનાર બાલ્ટિક પ્રદેશમાં આવેલો પૂર્વ યુરોપનો દેશ. 1918થી 1940 સુધી તે એક સ્વતંત્ર દેશ હતો. તે પછી સોવિયેત યુનિયને 15 પ્રજાસત્તાક રાજ્યોને બળપૂર્વક પોતાનામાં સમાવી લીધેલાં, તેમાં લિથુઆનિયા પણ એક હતું. 50 વર્ષ સુધી તે સોવિયેત યુનિયનમાં ભેળવાયેલું રહ્યું. 1991માં વિભાજન થતાં તે સ્વતંત્ર બન્યું. ભૌગોલિક સ્થાન : તે 56° 00´ ઉ. અ. અને 24° 00´ પૂ. રે. આજુબાજુનો આશરે 65,200 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં લૅટવિયા, પૂર્વ અને દક્ષિણમાં બેલારુસ (શ્વેત રશિયા) તથા પશ્ચિમે થોડો રશિયાઈ ભાગ તથા બાલ્ટિક સમુદ્ર આવેલા છે. તેનું પૂર્વ-પશ્ચિમ મહત્તમ અંતર 375 કિમી. અને ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 280 કિમી. છે. વિલનિયસ તેનું મોટામાં મોટું શહેર અને પાટનગર છે. દેશનું સત્તાવાર નામ, લિથુઆનિયન ભાષામાં, લિથુઆનિયાનું પ્રજાસત્તાક છે.
ભૂપૃષ્ઠ : લિથુઆનિયાનું મોટાભાગનું ભૂપૃષ્ઠ સમતળ છે અથવા આછા ઢોળાવવાળી ભૂમિથી બનેલું છે. અહીંની ભૂમિ મધ્યના નીચાણવાળા ભાગ તરફ ઢળતી છે. પશ્ચિમ તરફનો ભાગ થોડોક ઊંચો છે. પરંતુ 292 મીટર ઊંચાઈ ધરાવતું ‘જુઓઝપાઇન્સ’ સ્થળ અગ્નિકોણમાં છે. દરિયાકિનારાની લાંબી ભૂમિપટ્ટી પરના રેતીના શ્વેત ઢૂવા લોકો માટે પ્રવાસસ્થળ બની રહેલા છે. ત્યાં વિહારધામોની વ્યવસ્થા પણ છે. ઢૂવાઓના અવરોધથી બાલ્ટિક સમુદ્રને કિનારે ખાડીસરોવર રચાયેલું છે.
લિથુઆનિયામાં આશરે 3,000 જેટલાં નાનાં સરોવરો આવેલાં છે. આ દેશમાં નદીઓની સંખ્યા પણ ઘણી છે. સરોવરો દેશનો આશરે 11 % ભાગ આવરી લે છે. અહીંની મોટી અને લાંબી ગણાતી નદી નેમાન છે તે બેલારુસમાંથી નીકળે છે, લિથુઆનિયામાં વહે છે અને બાલ્ટિક સમુદ્રમાં ઠલવાય છે. જંગલો દેશનો આશરે 25 % ભાગ આવરી લે છે.
લિથુઆનિયામાં જાન્યુઆરી ઠંડામાં ઠંડો અને જુલાઈ ગરમમાં ગરમ રહે છે. દેશના પૂર્વના ભાગોમાં જાન્યુઆરી અને જુલાઈનાં તાપમાન અનુક્રમે 6° સે. અને 18° સે. જેટલાં તથા દરિયાકિનારા નજીકનાં તાપમાન અનુક્રમે 3° સે. અને 16° સે. જેટલાં રહે છે. અહીં વાર્ષિક વરસાદ 530 મિમી.થી 860 મિમી. જેટલો પડે છે.
અર્થતંત્ર : લિથુઆનિયામાં કોઈ મોટા જથ્થાવાળા ખનિજનિક્ષેપો નથી. કુદરતી સંપત્તિમાં મૃદ અને રેતી, ચિરોડી, ચૂનાખડકો, ડૉલોમાઇટ, અંબર અને પીટ તથા થોડા પ્રમાણમાં ખનિજતેલ મળે છે. વીસમી સદીના છેલ્લા ચરણ દરમિયાન પશ્ચિમ ભાગમાંથી તેમજ બાલ્ટિક સમુદ્રના દૂરતટીય ભાગમાંથી ખનિજતેલનો થોડોક જથ્થો શોધી કાઢવામાં આવ્યો છે.
1940 સુધી તો અહીં ઉદ્યોગો વિકસેલા ન હતા. સોવિયેત શાસન દરમિયાન તત્કાલીન સરકારે ઘણાં કારખાનાં વિકસાવેલાં. સ્વતંત્ર થયા બાદ B જેટલી આર્થિક પેદાશો તે ઉદ્યોગોમાંથી મેળવે છે. લિથુઆનિયા સરકાર આજે રસાયણો, વીજાણુસામગ્રી, યંત્રસામગ્રી, ધાતુમાળખાં, તેલશુદ્ધીકરણ, ખાદ્યપ્રક્રમણ, બાંધકામસામગ્રી વગેરેનું ઉત્પાદન વધારવા પર ભાર મૂકે છે. દેશમાં લેથ અને ઇલેક્ટ્રિક મોટરોનું ઉત્પાદન થાય છે. મધ્ય અને ઉત્તર ભાગોમાં ખાદ્યપ્રક્રમણ અને રસાયણોના ઉદ્યોગો વિકસ્યા છે, જ્યારે પૂર્વ અને દક્ષિણના ભાગોમાં જુદાં જુદાં સાધનોનું ઉત્પાદન લેવાય છે. દેશનાં મુખ્ય ઔદ્યોગિક મથકો કૌનસ, ક્લેઇપેડા, વિલનિયસ સિયાઉલિયાઇ અને પેનેવેઝિસ ખાતે આવેલાં છે. ક્લેઇપેડામાં મોટો જહાજવાડો આવેલો છે.
કૃષિઉત્પાદનક્ષેત્રે આ દેશ ડેરીની પેદાશો અને માંસના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. દેશના અર્થતંત્રમાં ખેતીની પેદાશોનો આશરે 25 % જેટલો હિસ્સો છે.
દેશ જ્યારે સોવિયેત યુનિયન હેઠળ હતો ત્યારે દેશનાં ધંધા, કારખાનાં અને ખેતરો સરકારને હસ્તક હતાં. 1991 પછી સ્વતંત્ર દેશની સરકારે મુક્ત સાહસને ઉત્તેજન આપ્યું છે. વળી સરકાર હવે મુક્ત બજાર અર્થતંત્ર સ્થાપવા માગે છે.
વસ્તી–લોકો : લિથુઆનિયાની વસ્તી 2000 મુજબ 37 લાખ જેટલી છે. ગ્રામીણ વસ્તી 32 % અને શહેરી વસ્તી 68 % છે. દેશમાં 80 % મૂળ લિથુઆનિયનો, 9 % રશિયનો, તેનાથી થોડાક ઓછા પોલૅન્ડવાસીઓ, 2 % બેલારુસીઓ, 1 % યૂક્રેનિયનો તથા 1 % થી ઓછા યહૂદીઓ વસે છે. બીજા વિશ્વયુદ્ધ પહેલાં અહીં 8 % જેટલા યહૂદીઓ હતા, પરંતુ નાઝીઓએ તેમને યુદ્ધ દરમિયાન મારી નાખેલા. દેશના આશરે 90 % નિવાસીઓ રોમન કૅથલિક લ્યૂથેરન તો કેટલાક પ્રૉટેસ્ટંટ છે. અહીંની સંસ્કૃતિ રોમન કૅથલિક અસર હેઠળ વિકસેલી, તેથી કૅથલિક રીતિરિવાજો તેમના જીવનમાં ઓતપ્રોત થઈ ગયેલા છે, પરંતુ સોવિયેત શાસન દરમિયાન તેમના પર ઘણી જાતની ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક મર્યાદાઓ લાદવામાં આવી હતી. 1988માં તે હઠાવી લેવાયેલી છે.
સોવિયેત શાસન અગાઉ અહીં ગ્રામીણ લોકોની વસ્તી 75 % હતી. ઔદ્યોગિકીકરણને પગલે લોકો શહેર તરફ વળ્યા. આજે ગ્રામીણ વસ્તી માત્ર 32 % જેટલી રહી છે.
આજે અહીંના નિવાસીઓનો પોશાક પાશ્ચાત્ય થઈ ગયો છે. તહેવારો અને ઉત્સવો વખતે પરંપરાગત પોશાક પહેરીને રમતો, ગીત, નૃત્ય, બૅલે, નાટકો, ઑપેરા વગેરેનો આનંદ માણે છે. 1920 પછીથી આ પ્રકારના મનોરંજક ઉત્સવોનું આયોજન થતું આવ્યું છે. દેશમાં 11 જેટલાં થિયેટરો છે. તેમાં બૅલે, નાટકો અને ઑપેરા રજૂ થાય છે. અહીં ફિલ્મ-ઉદ્યોગ પણ ચાલે છે.
6થી 17 વર્ષનાં બાળકો માટે શિક્ષણ ફરજિયાત છે. દેશમાં 14 જેટલી યુનિવર્સિટીઓ–કૉલેજો આવેલી છે. પાટનગર વિલનિયસ ખાતે 1579માં યુનિવર્સિટીની સ્થાપના થયેલી છે.
ઇતિહાસ : બારમી સદીના અંતભાગમાં આ પ્રદેશ નવા રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યો. ઈ. સ. 1410માં ટન્નેનબર્ગ ખાતે પોલૅન્ડ સાથે યુદ્ધ ખેલાયું. ઈ. સ. 1569માં પોલૅન્ડ સાથે તેનું જોડાણ થયું. ઈ. સ. 1795માં રશિયાએ પ્રભુત્વ સ્થાપ્યું. ઈ. સ. 1831 અને 1863માં સ્વતંત્રતા માટે થયેલી ક્રાંતિમાં નિષ્ફળતા પ્રાપ્ત થઈ. ઈ. સ. 1918–19માં તે સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યું. ઈ. સ. 1939–40માં પુન: તે રશિયાના હસ્તકે આવ્યું. ઈ. સ. 1994માં મૈત્રી અને સહકારના મુદ્દે પોલૅન્ડ સાથે સંધિ થઈ. ઈ. સ. 1996માં થયેલી ચૂંટણીમાં ગેડિમિનાસ વાગ્નોરિયુસ વડાપ્રધાન તરીકે ચૂંટાયા.
ગિરીશભાઈ પંડ્યા
નીતિન કોઠારી