લિગ્નાઇટ : કોલસાનો એક પ્રકાર. દુનિયાભરમાં આ પ્રકાર ‘કથ્થાઈ સોનું’ નામથી વધુ જાણીતો છે. લિગ્નાઇટ અથવા ‘કથ્થાઈ કોલસો’ (brown coal) એ ઍન્થ્રેસાઇટ અને બિટુમિનસ કોલસાની સરખામણીએ પ્રમાણમાં હલકી કક્ષાનું ઇંધન છે, જે કાષ્ઠદ્રવ્યમાંથી કોલસામાં પરિવર્તન થવાની પીટ પછીની અને નિમ્ન બિટુમિનસ કોલસાની અગાઉની વચગાળાની કક્ષાનો નિર્દેશ કરે છે. તેનો રંગ ઘેરા કથ્થાઈથી માંડીને કાળા કથ્થાઈ સુધી બદલાતો રહે છે. તે પ્રમાણમાં વધુ બિટુમેનયુક્ત, પોચો, છિદ્રાળુ, કાર્બનદ્રવ્યયુક્ત, ચૂર્ણશીલ, ક્યારેક પાયરાઇટયુક્ત, સારા પ્રમાણમાં કાષ્ઠદ્રવ્યયુક્ત, ભેજ ધરાવતો તેમજ દહનશીલ દ્રવ્યનું ઓછું પ્રમાણ ધરાવતો પટ્ટાદાર કોલસો છે. કાષ્ઠદ્રવ્ય અને ભેજગ્રહણશીલતાના ગુણધર્મોને કારણે તે વાતાવરણમાં ખુલ્લો રહેતાં વિભંજન પામે છે. તેમાં ગંધક પણ હોય છે. ક્યારેક તો તે ગંધકના કારણે હવાના સંપર્કમાં આવતાં સહજપણે દહનશીલ બને છે. તે બળે છે ત્યારે વધુ પ્રદૂષણ ઊભું કરે છે. ખાણમાંથી ખોદી કાઢતી વખતે તેમાં 20 %થી માંડીને 60 % જેટલું પાણી હોય છે, જે સામાન્ય કોલસા કરતાં ઘણું વધારે કહેવાય. ખનિજદ્રવ્યવિહીન જમાવટ પામેલા ભેજ સહિતના લિગ્નાઇટનું કૅલરી-મૂલ્ય 6,300થી વધુ, પરંતુ 8,300 Btu/lbથી ઓછું હોય છે. યુ.એસ.માં અપનાવેલા વર્ગીકરણ મુજબ તેના વધુ અને ઓછા કૅલરી-મૂલ્ય પ્રમાણે લિગ્નાઇટ A અને લિગ્નાઇટ B જેવા બે પ્રકારો પાડેલા છે. યુ.એસ. સિવાયના દેશોમાં લિગ્નાઇટને કથ્થાઈ કોલસા તરીકે, વિશેષે કરીને સખત અને મૃદુ એવા બે પ્રકારો તરીકે ઓળખવામાં આવે છે. સખત પ્રકાર નિમ્નબિટુમિનસ તરફના વલણવાળો અને મૃદુ પ્રકાર પીટતરફી વલણવાળો માટી જેવો હોય છે; તેમ છતાં તે A અને B પ્રકારોને સમકક્ષ નથી, માત્ર કક્ષાકીય જાતો છે.
ઉપયોગ : બિટુમિનસ કોલસાની સરખામણીએ લિગ્નાઇટ હલકા પ્રકારનો અને ઓછા નિયત કાર્બનપ્રમાણવાળો હોવાને લીધે ઓછી ગરમી આપતો હોવાથી તેનું બજારમૂલ્ય ઓછું અંકાય છે અને તેથી તે ઓછો વપરાય છે. ચૂર્ણશીલ હોવાને કારણે દૂરનાં સ્થળોએ પહોંચતો કરવા માટે તેનું નિર્જલીકરણ અને ઈંટ કે ગોલકો જેવા આકારોમાં રૂપાંતર કરવું જરૂરી બની રહે છે, જોકે ગોલકો બનાવવા માટે ભેળવણીની યોગ્યતા તે ઓછા પ્રમાણમાં ધરાવે છે. લિગ્નાઇટ પૈકીનો કેટલોક જથ્થો તાપવિદ્યુત-મથકોમાં વીજ-ઉત્પાદન અર્થે વપરાય છે ખરો, પરંતુ તેનો વધુ ઉપયોગ ઉદ્યોગોમાં, ભઠ્ઠીઓમાં અને કેટલાક દેશોમાં ઘરવપરાશના ઇંધન તરીકે થાય છે. જ્યાં જ્યાં તે વધુ ઊંડાઈએ મળતો હોય ત્યાં ખનનકાર્ય કરવાનું અનુકૂળ ન પડવાથી તેમાંથી ઇંધનવાયુ ઉત્પન્ન કરવા પર ભાર મુકાઈ રહ્યો છે.
ઉત્પાદન : લિગ્નાઇટનું મોટા જથ્થામાં ઉત્પાદન કરતા મુખ્ય દેશોમાં યુ.એસ.નો પૅસિફિક કિનારા-વિસ્તાર, કૅનેડા, અલાસ્કા, જર્મની, મધ્ય યુરોપીય દેશો, પૂર્વ યુરોપીય દેશો, સ્કૅન્ડિનેવિયા અને તેની પૂર્વ તરફના દેશો, સાઇબીરિયા, ચીન, ઑસ્ટ્રેલિયા (વિક્ટોરિયા) અને ભારતનો સમાવેશ કરી શકાય.
ભારતમાં લિગ્નાઇટનું ઉત્પાદન મુખ્યત્વે તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, પુદુચેરી, આસામ, કેરળ અને જમ્મુ-કાશ્મીરમાં થાય છે. આ ઉપરાંત થોડા પ્રમાણમાં તે પશ્ચિમ બંગાળ અને ગંગાના ત્રિકોણ પ્રદેશમાંથી પણ મળી રહે છે.
ભારતમાં લિગ્નાઇટનો કુલ અનામત જથ્થો, 1991માં કરેલી આકારણી મુજબ, 6.5 અબજ ટન જેટલો હોવાનો અંદાજ મૂકવામાં આવેલો છે. ભારતનાં જે જે રાજ્યોમાં લિગ્નાઇટ મળે છે, તેની રાજ્યવાર આકારણી સારણી 1 મુજબ છે :
સારણી 1
રાજ્ય | કુલ અનામત જથ્થો (કરોડ ટનમાં) |
તમિલનાડુ | 445.00 |
રાજસ્થાન | 87.00 |
ગુજરાત | 38.30 |
પુદુચેરી | 58.00 |
કેરળ | 10.00 |
જમ્મુ-કાશ્મીર | 9.00 |
કુલ | 647.30 = 650 કરોડ ટન અંદાજે |
ગુજરાતમાં તે નીચેના વિસ્તારોમાંથી ખનનકાર્ય દ્વારા મેળવાય છે. (જુઓ સારણી 2). તેનો કુલ અનામત જથ્થો 1993ની આકારણી મુજબ 70 કરોડ ટન જેટલો અંદાજવામાં આવેલો છે. 1989માં તમિલનાડુના 1 કરોડ 17 લાખ ટનના ઉત્પાદનની તુલનામાં ગુજરાતના લિગ્નાઇટનું ઉત્પાદન માત્ર 17 લાખ ટન જેટલું જ હતું. 1994–95માં તે વધીને 39 લાખ ટન અને 1995–1996માં 50 લાખ ટન થયેલું :
સારણી 2 : ગુજરાતનાં લિગ્નાઇટઉત્પાદક સ્થળો
જિલ્લો | તાલુકો | ગામ |
કચ્છ | લખપત | પાનન્ધ્રો, ધેધડી, |
આકરી મોટા, ઉમરસર, | ||
માતાનો મઢ, જુલરાઈ | ||
અબડાસા | વાગડપર | |
માંડવી | નાના રાતડિયા, હમલા | |
ભાવનગર | ભાવનગર | થલસર, રામપુર, |
ખારાસલિયા, રતનપુર | ||
ઘોઘા | લાખણકા, હોઇદાડ | |
ભરૂચ | ઝઘડિયા | ભૂરી, રાજપારડી- |
માલજીપુરા | ||
સૂરત | માંગરોળ | વસ્તાન, વાંધ, નાની |
નારોલી | ||
માંડવી | તારકેશ્વર |
ગુજરાત : ગુજરાત રાજ્ય ઊંચી ગુણવત્તાવાળા લિગ્નાઇટથી સમૃદ્ધ છે. લિગ્નાઇટ એ બિટુમિનસ કરતાં ઊતરતી કક્ષાનો કોલસો હોવા છતાં ગુજરાત રાજ્ય માટે ઘણી અગત્યની આર્થિક ખનિજસંપત્તિ ગણાય છે; એટલું જ નહિ, ગુજરાત રાજ્યને આવકનો સ્રોત પૂરો પાડવામાં મદદરૂપ નીવડે છે. ભારતનાં સારી જાતના કોલસાનાં ક્ષેત્રો દૂર આવેલાં હોવાથી ત્યાંથી કોલસો મંગાવવાનું પ્રમાણમાં ખર્ચાળ બની રહે છે. રાજ્યમાં લિગ્નાઇટ મળી આવ્યો અને ખનનકાર્ય શરૂ થયું ત્યારથી બિટુમિનસના વિકલ્પ તરીકે લિગ્નાઇટે રાજ્યના ઘણા ઉદ્યોગોને ઇંધન તરીકે જરૂરી ઊર્જાસ્રોત પૂરો પાડ્યો છે. ગુજરાત રાજ્યના ખનિજ વિકાસ નિગમે વિદેશી માર્ગદર્શન હેઠળ દુનિયાભરમાં શ્રેષ્ઠ ગણાતી ખાણ તકનીકીનો ઉપયોગ કરીને લિગ્નાઇટનું ખનનકાર્ય હાથ ધરેલું છે. પરિણામે ભારતમાં GMDC (ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિ.) લિગ્નાઇટનું મોટામાં મોટું વિક્રેતા બની રહ્યું છે; એટલું જ નહિ, ભારતનાં અન્ય રાજ્યોની તુલનાએ GMDCની ખાણક્રિયા-પદ્ધતિ વિસ્તૃતિભરી બની રહી છે.
ગુજરાત રાજ્યના લિગ્નાઇટ-થરો નિમ્નટર્શ્યરી રચના સાથે સંકળાયેલા છે. તે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી મળે છે. છેલ્લા ઉપલબ્ધ આંકડા અનુસાર લિગ્નાઇટ સમાવતો કુલ વિસ્તાર આશરે 3,000 ચોકિમી. હોવાનો અંદાજ મૂકવામાં આવેલો છે, તે પૈકી કચ્છ 1,200 ચોકિમી., સૌરાષ્ટ્ર 1,000 ચોકિમી. અને દક્ષિણ ગુજરાત 800 ચોકિમી. વિસ્તારનો સમાવેશ કરે છે. કચ્છમાં આવેલા લિગ્નાઇટના થર પેલિયોસીનથી નિમ્ન ઇયોસીન વય ધરાવતી મઢ-રચનાના એક ભાગરૂપ છે. આજથી આશરે પાંચ દાયકા અગાઉના અરસામાં ઓ.એન.જી.સી.એ કચ્છના પશ્ચિમ ભાગમાં લિગ્નાઇટ હોવા વિશે અહેવાલો આપેલા તે આધારે કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજ્યના ખાણ-ખનિજ ખાતાએ વિસ્તૃત ખોજ આદરેલી અને તે મુજબ લિગ્નાઇટના સમૃદ્ધ જથ્થા પાનન્ધ્રો, આકરી મોટા, માતાનો મઢ, ઉમરસર, જુલરાઈ, વાગડપર અને લખપતમાં હોવાનું સિદ્ધ થયેલું. તે પછીથી પાનન્ધ્રો ખાતે લિગ્નાઇટનું ખનનકાર્ય ચાલુ થયેલું અને હજી ચાલુ છે.
પાનન્ધ્રો : કચ્છ જિલ્લાના પાનન્ધ્રો ખાતે અમૂલ્ય ઊર્જા-ખનિજ તરીકે ઓળખાતા લિગ્નાઇટનો અનામત જથ્થો ઘણો વિશાળ હોવાનું અંદાજવામાં આવેલું છે. સર્વેક્ષણો મુજબ જિલ્લાનાં વિવિધ સ્થળોમાં 20 કરોડ ટન જથ્થો અહીં ભંડારાયેલો હોવાનું જાણી શકાયું છે. એટલું જ નહિ, હજી વધુ જથ્થો શોધી કાઢવાની ભૂસ્તરીય તપાસ ચાલુ છે. સંભવિત સ્થળો પૈકી એકલા પાનન્ધ્રોમાં જ લિગ્નાઇટ વિપુલ પ્રમાણમાં રહેલો હોવાનું જાણી શકાયું છે. તેથી પાનન્ધ્રોમાં વિસ્તૃત પ્રમાણમાં ખનનકાર્ય ચાલે છે. 1974માં ખનનકાર્ય શરૂ કરેલું છે, જેને તે પછીનાં 1988, 1989 અને 1990માં મોટા પાયા પર વિસ્તૃત કરવામાં આવેલું છે. પાનન્ધ્રોમાંથી ઉપલબ્ધ લિગ્નાઇટ ગુજરાત વિદ્યુત બૉર્ડનાં મથકોને જ માત્ર નહિ, પરંતુ કાપડ-ઉદ્યોગ, રસાયણ-ઉદ્યોગ, સિરૅમિક્સ, ઈંટ-ઉદ્યોગ વગેરે જેવા અન્ય અંદાજે 2,000 ઔદ્યોગિક એકમોને પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ પ્રકલ્પ ખાતેનું કુલ મૂડીરોકાણ અંદાજે 25 કરોડ રૂપિયાનું થયું છે. અહીં બધા મળીને 1,500 જેટલા માણસો આ સેવાકાર્યમાં રોકાયેલા છે.
સારણી 3 : પાનન્ધ્રો ખાતે ચાલતી ખાણ પ્રવૃત્તિનો સારાંશ
ગામ | પાનન્ધ્રો |
તાલુકો | લખપત |
જિલ્લો | કચ્છ |
પરવાના હેઠળનો કુલ વિસ્તાર | 1,719 હેક્ટર |
લિગ્નાઇટધારક વિસ્તાર | 10.05 ચોકિમી. |
ખાણકાર્યના સંશોધકો | (1) કમિશનરેટ ઑવ્ જિયૉલૉજી ઍન્ડ માઇનિંગ, ગુજરાત; |
(2) જિયૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા; | |
(3) ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિ. | |
શારછિદ્રોની કુલ સંખ્યા | 105 પૂરાં થયેલાં શારછિદ્રો |
ખનનકાર્યનો પ્રારંભ | 1974–75 |
સારણી 4 : પાનન્ધ્રો ખાણનું લિગ્નાઇટ–ઉત્પાદન
વર્ષ | લાખ ટન |
1997–1998 | 44.81 |
1998–1999 | 45.05 |
1999–2000 | 38.30 |
2000–2001 | 36.56 |
2001–2002 | 43.42 |
સારણી 5 : ભૂસ્તરીય માહિતી
અધિભારની સરેરાશ જાડાઈ | 21 મીટર |
અધિભાર દ્રવ્યબંધારણ | ઉપરની જમીનનું પડ, |
ચૂનાખડક, | |
મૃદ, શેલ, સિડેરાઇટ | |
લિગ્નાઇટની સરેરાશ જાડાઈ | 6.52 મીટર |
આંતરિક અધિભારની સરેરાશ જાડાઈ | 4.50 મીટર |
લિગ્નાઇટ : અધિભારનો સરેરાશ ગુણોત્તર | 1 : 3.18 |
સમગ્ર ભૂસ્તરીય અનામત જથ્થો | 11 કરોડ ટન |
2002 સુધીમાં ખોદી કાઢેલો લિગ્નાઇટ જથ્થો | 5 કરોડ ટન |
લિગ્નાઇટની સરેરાશ ગુણવત્તા | ભેજ 34.82 % |
ભસ્મ 12.92 % | |
બાષ્પ-દ્રવ્ય 33.10 % | |
નિયત કાર્બન-પ્રમાણ 23.40 % | |
કૅલરી-મૂલ્ય 3,200 k Cal/kg. |
સારણી 6 : વેચાણ મૂલ્યમાળખું
લિગ્નાઇટ કક્ષા | મૂળ કિંમત | રાજભાગ | ચોખ્ખી કિંમત* |
(MT) | (MT) | (MT) | |
પાનન્ધ્રો–A કક્ષા | રૂ. 450-00 | રૂ. 50-00 | રૂ. 610-00 |
પાનન્ધ્રો–B કક્ષા | રૂ. 430-00 | રૂ. 50-00 | રૂ. 585-60 |
પાનન્ધ્રો–C કક્ષા | રૂ. 525-00 | રૂ. 50-00 | રૂ. 701-50 |
પાનન્ધ્રો–નિર્માલ્ય | રૂ. 60-00 | રૂ. 50-00 | રૂ. 134-20 |
* લિગ્નાઇટની ચોખ્ખી કિંમતમાં ગુજરાત રાજ્ય વેચાણવેરો 20 % અને સરચાર્જ 10 % સમાવિષ્ટ
આ કોલસો વિદ્યુત-ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે. રાજ્યના જુદા જુદા ઔદ્યોગિક એકમોનાં બૉઇલરોમાં તેનો ઇંધન તરીકે ઉપયોગ થાય છે. પાનન્ધ્રો ખાતે ગુજરાત વિદ્યુત બૉર્ડે 70 MWનો એક, એવા બે વીજઉત્પાદક એકમો સ્થાપ્યા છે અને ત્રીજો વધુ ક્ષમતાવાળો એકમ પણ તૈયાર થઈ ગયો છે. ગુજરાત પાવર કૉર્પોરેશન (ગુજરાત સરકારનું સાહસ) પણ અહીં 250 MW ક્ષમતાવાળું ઊર્જામથક નાખવાનું આયોજન કરી રહ્યું છે.
સૌરાષ્ટ્રમાં ભાવનગર પાસે લિગ્નાઇટનો વિશાળ જથ્થો મળી આવ્યો છે. તે નિમ્ન ઇયોસીન વયનો છે
દક્ષિણ ગુજરાતમાં તે ભરૂચ જિલ્લાના ભૂરી અને ઝઘડિયા તાલુકાના રાજપારડીમાંથી તથા સૂરત જિલ્લાના વસ્તાન, વાંધ, નાની નારોલી, માંગરોળ અને માંડવી તાલુકાઓમાંથી મળે છે, તે તારકેશ્વર-રચનામાં પટ્ટાઓ અને વીક્ષાકાર સ્વરૂપે રહેલો છે. અહીંનો કુલ અંદાજિત અનામત જથ્થો આશરે 2 કરોડ ટન જેટલો હોવાનું જણાય છે. દક્ષિણ ગુજરાતનો લિગ્નાઇટ તમિલનાડુના નૈવેલી અને રાજસ્થાનના પાલના લિગ્નાઇટ કરતાં ઊંચી ગુણવત્તાવાળો છે.
રાજપારડી : દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે જરૂરી લિગ્નાઇટ GMDCની રાજપારડી લિગ્નાઇટ ખાણમાંથી પૂરો પાડવામાં આવે છે. પાનન્ધ્રોની લિગ્નાઇટ ખાણની તુલનામાં અહીંનો જથ્થો પ્રમાણમાં ઘણો ઓછો (1.5 કરોડ ટન) છે તથા અધિભારનું પ્રમાણ વધુ છે; તેથી અહીંનું વાર્ષિક ઉત્પાદન માત્ર 3.5 લાખ ટન જેટલું મર્યાદિત રહે છે. ભરૂચ જિલ્લામાં આ ખાણ ખાતે 500 માણસો કામ કરે છે. અહીંનો લિગ્નાઇટ 60 મીટરની ઊંડાઈએથી ખોદી કાઢવામાં આવે છે, તે સાથે ભૂગર્ભજળનો વિપુલ જથ્થો પણ પંપથી બહાર ફેંકવો પડે છે. અહીંના લિગ્નાઇટમાં ગંધકનું ઊંચું પ્રમાણ હોવાથી ભૂગર્ભજળ સાથે સંપર્કમાં આવતાં અમ્લ બની રહે છે. અહીંનું કુલ મૂડીરોકાણ અંદાજે 10 કરોડ રૂપિયા જેટલું થયું છે. અહીંના સીમિત અનામત જથ્થાને કારણે ઉત્પાદનપ્રમાણ એકસરખું રખાય છે. વિસ્તૃતિની કોઈ યોજના હાથ પર નથી.
સારણી 7 : રાજપારડી–લિગ્નાઇટ ખાણનો સારાંશ
ગામ | માલજીપુરા |
તાલુકો | ઝઘડિયા |
જિલ્લો | ભરૂચ |
પરવાના હેઠળનો કુલ વિસ્તાર | 183 હેક્ટર |
લિગ્નાઇટ-ધારક વિસ્તાર | 2.5 ચોકિમી. |
ખાણકાર્યના સંશોધકો | (1) પ્રથમ સર્વેક્ષણ ONGC દ્વારા |
(2) વિસ્તૃત સંશોધનકાર્યો C. G. M. અને G. S. I. દ્વારા કરવામાં આવ્યાં. | |
(3) GMDC – શારકામ હાથ પર લીધું. | |
ખનનકાર્યનો પ્રારંભ | 1981–82 |
સારણી 8 : રાજપારડી ખાણનું લિગ્નાઇટ ઉત્પાદન
વર્ષ | લાખ ટન |
1997–1998 | 4.62 |
1998–1999 | 4.86 |
1999–2000 | 5.14 |
2000–2001 | 9.06 |
સારણી 9 : ભૂસ્તરીય માહિતી
અધિભારની સરેરાશ જાડાઈ | 50.81 મીટર |
અધિભારનું દ્રવ્ય બંધારણ | ઉપરનું જમીન પડ, સિલિકા |
રેતી, ગોલક મૃદ, શેલ | |
લિગ્નાઇટની સરેરાશ જાડાઈ | 5.60 મીટર |
આંતરિક અધિભારની સરેરાશ જાડાઈ | 12.00 મીટર |
આંતરિક અધિભારનું દ્રવ્ય બંધારણ | કાર્બનદ્રવ્યયુક્ત શેલ, |
કાર્બનદ્રવ્યયુક્ત મૃદ | |
લિગ્નાઇટ : અધિભાર ગુણોત્તર | 1 : 9.00 |
સમગ્ર ભૂસ્તરીય અનામત જથ્થો | 90 લાખ ટન |
આજ સુધી ખોદી કાઢેલો લિગ્નાઇટ જથ્થો | 65 લાખ ટન |
બાકી રહેતો લિગ્નાઇટ અનામત જથ્થો | 25 લાખ ટન |
સારણી 10 : વેચાણ – મૂલ્યમાળખું
લિગ્નાઇટ કક્ષા | મૂળ કિંમત | રાજભાગ | આખરી કિંમત* |
(MT) | (MT) | (MT) | |
રાજપારડી–A કક્ષા | રૂ. 790-00 | રૂ. 50-00 | રૂ. 959-44 |
રાજપારડી–નિર્માલ્ય | રૂ. 110-00 | રૂ. 50-00 | રૂ. 195-20 |
સારણી 11 : વેચાણ મૂલ્યમાળખું
સહયોગી | મૂળ કિંમત | રાજભાગ | વેચાણવેરો | આખરી |
ખનિજો | (MT) | (MT) | (MT) | (MT) |
સિલિકા (રેતી) | રૂ. 75-00 | રૂ. 13-00 | 12 % + 10 % સરચાર્જ | રૂ. 99.62 |
શ્વેત ગોલકમૃદ | રૂ. 20-00 | રૂ. 18-00 | ” “ | રૂ. 43.02 |
* રાજપારડીનો લિગ્નાઇટ દક્ષિણ ગુજરાતના તેના વપરાશકારોને જ અપાય છે.
* કિંમતો ખાણના સ્થળ ખાતેના માલની છે.
માતાનો મઢ અને ઉમરસર લિગ્નાઇટ પ્રકલ્પ : લિગ્નાઇટની વધતી જતી માંગને પહોંચી વળવા માટે શક્ય એટલી વહેલી તકે માતાના મઢ ખાતેના લિગ્નાઇટ જથ્થાઓનું ખાણકાર્ય હાથ પર લેવાનું આયોજન છે. અહીંની આશરે 600 હેક્ટર ભૂમિમાં અંદાજે 4 કરોડ ટન લિગ્નાઇટનો અનામત જથ્થો ઉપલબ્ધ થઈ શકે તેમ છે. ત્યાંનો અધિભાર ખોદી કાઢવાનું કામ શરૂ થયું છે. તે પૂરું થતાં લિગ્નાઇટનું ઉત્પાદન થઈ શકશે. વાર્ષિક 10 લાખ ટન જેટલી પ્રારંભિક ઉત્પાદનક્ષમતાના આયોજન મુજબ અહીંનું મૂડીરોકાણ 20 કરોડ રૂપિયાનું મુકાયું છે.
ઉમરસર લિગ્નાઇટ નિક્ષેપો પાનન્ધ્રોની ઉત્તર તરફ આવેલા છે. તેનો વિકાસ કરવાનું કામ હાથ ઉપર લેવાયું છે. અહીંના લિગ્નાઇટ જથ્થા પાનન્ધ્રોની નજીકના સ્થળે હોવાથી ઊર્જા-પ્રકલ્પનો સ્રોત પૂરો પાડવાનો વિકલ્પ બની રહેશે, તેમજ ઉદ્યોગોને પણ તેનું વિતરણ કરી શકાશે. અહીંના અનામત જથ્થાનો અંદાજ 2.5 કરોડ ટન જેટલો છે. અહીંથી દર વર્ષે એક લાખ ટન ઉત્પાદન લઈ શકાશે અને મૂડીરોકાણનો અંદાજ 15 કરોડ રૂપિયાનો મૂકવામાં આવેલો છે.
ગુજરાતમાં લિગ્નાઇટના કુલ અનામત જથ્થાનો ચોક્કસ આંકડો ઉપલબ્ધ નથી, પરંતુ છેલ્લાં સંશોધનો મુજબ તે આશરે 70 કરોડ ટન સુધીનો હોવાની શક્યતા છે, કદાચ ભવિષ્યની ખોજ આ અંદાજને 200 કરોડ ટન સુધી લઈ જાય એવી સંભાવના પણ મુકાઈ છે. હમણાંનું એકલા પાનન્ધ્રો ખાણનું વાર્ષિક ઉત્પાદન આશરે 50 લાખ ટન જેટલું છે. આ રીતે જોતાં મુખ્ય હિસ્સો કચ્છમાંથી અને ઓછો હિસ્સો દક્ષિણ ગુજરાતમાંથી મળે છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે
ગિરીશભાઈ પંડ્યા