લા સ્પેઝિયા (La Spezia) : ઉત્તર ઇટાલીના પૂર્વ લિગુરિયામાં આવેલો પ્રાંત અને તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે 44° 07´ ઉ. અ. અને 9° 50´ પૂ. રે.ની આજુબાજુનો 883 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ પ્રાંત લિગુરિયન સમુદ્રના ભાગરૂપ જિનોઆના પૂર્વ કાંઠે આવેલો છે. તે વારા નદીના થાળાથી મેગા નદીના હેઠવાસનો ખીણપ્રદેશ આવરી લે છે. આ બે ખીણપ્રદેશો સિવાયનો આ પ્રાંતનો બાકીનો પ્રદેશ પહાડી છે અને પ્રાંતના કુલ વિસ્તારનો અડધો ભાગ જંગલઆચ્છાદિત છે. અહીંનાં જાન્યુઆરી અને જુલાઈનાં સરેરાશ તાપમાન અનુક્રમે 12° સે. અને 25° સે. જેટલાં રહે છે તથા સરેરાશ વાર્ષિક વરસાદ 750 મિમી. જેટલો પડે છે. આ પ્રાંતના આશરે 20 % લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં રોકાયેલા રહે છે. અહીં ઑલિવ, ખાટાં રસદાર ફળો, દ્રાક્ષ, ધાન્ય પાકો તથા ફૂલોની ખેતી થાય છે. આ ઉપરાંત કેટલાક લોકો અહીં માછીમારીની પ્રવૃત્તિમાં તથા આરસપહાણના ખાણકાર્યમાં રોકાયેલા છે. લા સ્પેઝિયા અને સારઝાનામાં ઉદ્યોગો કેન્દ્રિત થયેલા છે. પ્રવાસન-ઉદ્યોગ અહીં આર્થિક દૃષ્ટિએ ફાયદાકારક હોવાથી તેનો વિકાસ થયેલો છે. પાટનગર લા સ્પેઝિયામાં તેમજ પહાડી ભાગોમાં વિહારધામોની સુવિધા ઊભી કરવામાં આવેલી છે.
શહેર : આ શહેર લિગુરિયન સમુદ્રના કાંઠા પર જિનોઆના અખાતના પૂર્વ છેડા પર, તેના ફાંટારૂપ લા સ્પેઝિયાના સાંકડા અખાતને મથાળે આવેલું છે. તે જિનોઆથી અગ્નિકોણમાં આશરે 80 કિમી.ના અંતરે આવેલું છે. લા સ્પેઝિયાનો અખાત ખડકાળ કાંઠાવાળો તેમજ ઊંચી ભેખડોવાળો હોવાથી તેનું વ્યૂહાત્મક દૃષ્ટિએ વધુ મહત્વ છે. આ શહેર બે નદીઓના દોઆબ-વિસ્તારમાં આવેલું છે. શહેરના પશ્ચિમ તરફના છેડાના જૂના ભાગમાં ઇટાલીનું સૌથી મહત્વનું નૌકામથક આવેલું છે અને તેને સંલગ્ન ઉદ્યોગો પણ અહીં વિકસ્યા છે. શહેરનો નવો વિકસેલો ભાગ ઈશાન તરફ આવેલો છે. શહેરનું વિશેષ ઐતિહાસિક મહત્વ ન હોવાથી અહીં ખૂબ જ ઓછાં સ્મારકો આવેલાં છે. અહીં કેથીડ્રલ, સંગ્રહાલય અને ચૌદમી સદીનો કિલ્લો આવેલાં છે. શસ્ત્રાગાર અને જહાજવાડા ઉપરાંત, અહીં માલસામાનનું બજાર, ગંધકના શુદ્ધીકરણનાં કારખાનાં, લાટીઓ અને ખનિજતેલ-સંગ્રહ માટેની ટાંકીઓ છે. વીજળીનાં સાધનો, યંત્રસામગ્રી, રેશમી કાપડ, શણના કોથળા, ખાદ્યપદાર્થો, દારૂ, આટો અને અન્ય ચીજવસ્તુઓનું ઉત્પાદન અહીં લેવાય છે.
અહીંના વેપારી બંદરને વિકસાવીને અદ્યતન બનાવાયું છે. અહીંથી પેદાશી માલસામાનની નિકાસ થાય છે. આ શહેર જિનોઆ રોમના મુખ્ય રેલમાર્ગ પર આવેલું છે, વળી તે પો નદીની ખીણ સાથે ટ્રાન્સ-ઍપેનાઇન રેલમાર્ગથી સંકળાયેલું છે.
ઇતિહાસ : મધ્યયુગથી આજ સુધી અહીંની ભૂમિ અને કાંઠાવિભાગો કોટથી રક્ષાયેલા હતા. અહીં નેપોલિયનને મોટું નૌકામથક બાંધવાનો વિચાર આવ્યો હતો. 1850ના દાયકામાં સાર્ડિયન સરકારે આ કાર્ય કરવા માન્યતા પણ આપેલી, પરંતુ આ સ્થળ ઇટાલીના જોડાણ વખતે નાનું નગર માત્ર હતું. 1862 પછીથી નૌકામથક બાંધવાનું કામ વેગવંતું બન્યું, પરિણામે નૌકા અને ઔદ્યોગિક વસાહતો ઝડપથી વિકસતાં ગયાં. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ સ્થળ નૌકાદળનું આશ્રયસ્થાન બનેલું. તેને કારણે અહીં ભારે હવાઈ હુમલા પણ થયા હતા.
નીતિન કોઠારી