લા તૂર, જ્યૉર્જ દ (La Toor, George de)

January, 2004

લા તૂર, જ્યૉર્જ દ (La Toor, George de) (જ. 19 માર્ચ 1593, લૉરેઇન, ફ્રાન્સ; અ. 30 જાન્યુઆરી 1652, લૉરેઇન, ફ્રાંસ) : કાળી ડિબાંગ રાતમાં મીણબત્તીનો પ્રકાશ ચીતરવા માટે જાણીતો ફ્રેન્ચ બરોક-ચિત્રકાર.

એવું માનવામાં આવે છે કે તરુણાવસ્થામાં લા તૂરે ક્લોદ દોગોઝ નામના ચિત્રકાર પાસે તાલીમ લીધેલી. ફ્રાંસનો રાજા લૂઈ તેરમો તેના પ્રારંભિક ઘરાકોમાંનો એક હતો. ઇટાલી અને હોલૅન્ડની યાત્રાઓના પ્રતાપે કારાવાજિયો અને હૉન્થૉર્સ્ટની જેમ એકાદ બિંદુએથી પ્રકટતા મીણબત્તીના પ્રકાશને કૅન્વાસ પર પકડવાની ચિત્રણા કરવી શરૂ કરી.

1915માં જર્મન કલા-ઇતિહાસકાર હર્મેન વોસ અને બીજા કેટલાકે સંદિગ્ધ કલાકૃતિઓમાંથી લા તૂરે ચીતરેલાં ચિત્રોની સ્પષ્ટ ઓળખ કરીને તેમને અલગ તારવી આપ્યાં.

કાળી ડિબાંગ રાતમાં મીણબત્તીનો પ્રકાશ પકડતાં લા તૂરનાં શ્રેષ્ઠ ચિત્રોમાં ‘ધ મૉકિંગ ઑવ્ ધ જૉબ’, ‘ધ ન્યૂ બૉર્ન’, ‘સેંટ જૉસેફ, ધ કાર્પેન્ટર’, ‘ધ લૅમેન્ટેશન ઓવર સેંટ સેબાસ્ટિયન’, ‘ધ હડીગર્ડી પ્લેયર’, ‘ધ શાર્પર’ અને ‘ધ ફૉર્ચ્યૂન ટેલર’નો સમાવેશ થાય છે.

કારાવાજિયોની શૈલીનો શ્રેષ્ઠ ફ્રેંચ અનુસરણકર્તા લા તૂર છે.

અમિતાભ મડિયા