લા ડોલ્સા વિતા : ચલચિત્ર. અંગ્રેજી શીર્ષક : ‘ધ સ્વીટ લાઇફ’. ભાષા : ઇટાલિયન, શ્વેત અને શ્યામ. નિર્માણ-વર્ષ : 1960. નિર્માણ-સંસ્થા : રાઇમા (ઇટાલી) અને પાથે કૉન્સોર્ટિયમ સિનેમા (ફ્રાન્સ). નિર્માતા : ગિસેપ્પી એમેટો, ઍન્જેલો રિઝોલી. દિગ્દર્શક : ફેડરિકો ફેલિની. પટકથા : ફેડરિકો ફેલિની, એન્નિયો ફ્લેયાનો, તુલ્લિયો પિનેલી અને બ્રુનેલો રોન્ડી. કથા : ફેલિની, ફ્લેયાનો અને પિનેલીની વાર્તા પર આધારિત. છબિકલા : ઓટેલો માર્ટેલી. કળા-નિર્દેશન અને પોશાક : પિયેરો ગેરાર્ડી. સંગીત : ફ્રાન્કો ફેરેરા. મુખ્ય કલાકારો : માર્સેલો માસ્ટ્રિયોઆની, અનિતા એકબર્ગ, એનૌક એઇમી, વૉન ફર્નિયાક્સ, માગાલી નોએલ, એલેન કની, નાદિયા ગ્રે.
દિગ્દર્શક ફેડરિકો ફેલેનીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવનાર આ પ્રશિષ્ટ ચિત્ર નવો ચીલો પાડનારું ગણાયું છે. માર્સેલો એક ડિંગબાજ પત્રકાર છે. રોમના સમાજજીવનનાં મૂલ્યો સાથે તે તાલ મિલાવી શકતો નથી અને પોતાની જિંદગીને નિરર્થક માની રહ્યો છે, પણ તેને તે બદલી શકવાની ક્ષમતા ધરાવતો નથી. તેની ઇચ્છા તો એવા પત્રકાર-લેખક બનવાની છે, જેને હરકોઈ ગંભીરતાથી લે. પત્રકાર હોવાને નાતે અને તેના જીવનમાં બનેલી કેટલીક ઘટનાઓને કારણે તેના જીવનમાં રોમાંચ તો છે, પણ આત્મીય સંબંધો અને વ્યક્તિગત સંતોષ નથી. આ ચિત્રે પ્રદર્શિત થયું હતું તે સમયે તેના સચોટ નિરૂપણને કારણે ખાસ્સો ખળભળાટ મચાવ્યો હતો. હકીકતમાં આ ચિત્ર તેના નિર્માણ દરમિયાન જ સનસનાટી ફેલાવતું રહ્યું હતું. તેમાં રોમના સામાજિક જીવન વિશે કેટલીક વાંધાજનક બાબતો રજૂ કરાઈ હતી. તે એટલે સુધી કે વૅટિકન સિટીએ પણ તેનો વિરોધ કર્યો હતો. ખાસ કરીને ફિલ્મમાં એક પ્રસંગ એવો નિરૂપાયો છે કે રોમમાં વસતાં બે બાળકોને મધર મેરીનું વરદાન મળ્યું છે અને તેઓ બીમાર માણસોને સાજા કરી દેવાનો ચમત્કાર કરી શકે છે. હજારો લોકો આ બાળકો પાસે પોતાની બીમારી મટાડવા જઈ રહ્યાં છે. પત્રકાર માર્સેલો પણ આ બાબતમાં તથ્ય શું છે તે જાણવા ત્યાં જાય છે અને આ આખી બાબત બોગસ હોવાનું બહાર આવે છે. ફિલ્મમાં આવાં નિરૂપણોએ વિવાદ જગાવ્યો હતો. જોકે અમેરિકા અને પશ્ચિમના દેશોમાં તેને ખાસી સફળતા મળી હતી. આ ચિત્રમાં પોશાક માટે પિયેરો ગેરાર્ડીને ઑસ્કર એવૉર્ડ મળ્યો હતો અને શ્રેષ્ઠ દિગ્દર્શન, શ્રેષ્ઠ પટકથા અને શ્રેષ્ઠ કળા-નિર્દેશન માટે ઑસ્કરનાં નામાંકન મળ્યાં હતાં. ખ્યાતનામ વ્યક્તિઓના અંગત જીવનની ચોરીછૂપીથી તસવીરો પાડનાર તસવીરકારો માટે ‘પાપારેઝી’ શબ્દ વપરાય છે. આ શબ્દ આ ચિત્રથી ચલણમાં આવ્યો છે. આ ચિત્રમાં એક તસવીરકારનું નામ પાપારેઝ છે.
હરસુખ થાનકી