લા ચુંગ (La Chung) : સિક્કિમ રાજ્યના ‘નૉર્થ ડિસ્ટ્રિક્ટ’ જિલ્લાનું ગામ. ભૌગોલિક સ્થાન : આ સ્થળ આશરે 28° ઉ. અ. અને 88° 45´ પૂ. રે. નજીક સિક્કિમના પાટનગર ગંગટોકથી ઉત્તરે 43 કિમી.ને અંતરે આવેલું છે. તેની પૂર્વે ચીનની સીમા આવેલી છે. આ ગામ તિસ્તા નદીની સહાયક નદી લા ચુંગને કિનારે વસેલું છે. આ ગામ મકાઈ અને કઠોળ જેવા ધાન્ય પાકોનું વેપારી મથક પણ છે. અહીં પ્રાથમિક સારવાર કેન્દ્ર, કૃષિમથક, આરામગૃહ, પ્રાથમિક શાળા અને બૌદ્ધ મઠ પણ આવેલા છે. આ ગામ ‘નૉર્થ સિક્કિમ’ ધોરી માર્ગથી સંકળાયેલું છે. આ ગામની ઉત્તરે ચરાણ-વિસ્તાર આવેલો હોવાથી ત્યાં હંગામી વસાહતો ઊભી થયેલી છે. તિબેટની સીમા સાથે સાંકળતો રસ્તો અહીં નજીકના થાંગ કાર ઘાટમાંથી પસાર થાય છે.

આ ગામ ચીનની સીમાની નજીક આવેલું હોવાથી તેનું લશ્કરી દૃષ્ટિએ વિશેષ વ્યૂહાત્મક મહત્વ અંકાય છે.

નીતિન કોઠારી