લાસ વેગાસ : યુ.એસ.ના નેવાડા રાજ્યના અગ્નિકોણમાં આવેલું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 36° 10´ ઉ. અ. અને 115° 08´ પૂ.રે..
આ શહેર તેનાં જુગારખાનાં અને રાત્રિક્લબો માટે ખૂબ જાણીતું છે. તે મોટું પ્રવાસીમથક ગણાય છે. અહીં દર વર્ષે આશરે 1.3 કરોડ જેટલા પ્રવાસીઓની અવરજવર રહે છે. 1905માં અહીં યુનિયન પૅસિફિક રેલમાર્ગ નંખાયો અને રેલમથક બનાવાયું. તે પછીથી તેનો વધુ વિકાસ થયો છે.
ફળદ્રૂપ જમીનો પર ઘાસના પ્રદેશો હતા, ત્યાં લાસ વેગાસની સ્થાપના કરવામાં આવી છે. ‘લાસ’ અને ‘વેગાસ’ જેવા ઘાસ અને મેદાનના અર્થમાં વપરાતા બે સ્પૅનિશ શબ્દો પરથી આ નામ ઊતરી આવેલું છે. અહીંનો આખો પ્રદેશ ઘાસિયા ભૂમિથી બનેલો છે.
બીજા વિશ્વયુદ્ધ (1939–1945) દરમિયાન અહીં નેલ્લિસ હવાઈ દળનું મથક સ્થાપવામાં આવેલું. વિશ્વયુદ્ધ પૂરું થતાં 1946માં અહીં સર્વપ્રથમ મોટું જુગારખાનું શરૂ કરવામાં આવેલું. 1950ના દશકામાં જુગારખાનાં વધ્યાં અને લાસ વેગાસ યુ.એસ.નું મોટું પ્રવાસનમથક બની રહ્યું. તે પછીથી જ અહીં પ્રવાસીઓની અવરજવર વધી છે. 2000 મુજબ તેની વસ્તી આશરે 4,18,658 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા