લાસ્ટ લાફ, ધ : મૂક ચલચિત્ર. શ્વેત અને શ્યામ. નિર્માણ-વર્ષ : 1924. દિગ્દર્શક : એફ. ડબ્લ્યૂ. મૂરનાઉ (F. W. Murnau). પટકથા : કાર્લ મેયર. છબિકલા : કાર્લ ફ્ર્યુન્ડ. મુખ્ય કલાકારો : એમિઇલ જેનિંગ્ઝ, માલી ડેલ્શૉફ્ટ (Maly Delschaft), મૅક્સ હિલર, હૅન્સ અન્ટરકિર્ચન (Hans Unterkirchen).
જર્મનીના ખ્યાતનામ યુએફએ સ્ટુડિયોમાં નિર્માણ પામેલા આ મૂક ચિત્રમાં દિગ્દર્શકે ભાષાના ઉપયોગ વિના દૃશ્યોને વધુમાં વધુ અસરકારક બનાવવા કૅમેરાનો એ રીતે ઉપયોગ કર્યો હતો કે આ ચિત્રે ચલચિત્રોની છબિકલામાં ભારે પરિવર્તન આણી દીધું હતું. કૅમેરાને મોટાભાગે તેના સ્ટૅન્ડ ઉપર ગોઠવેલો રાખીને જ ત્યારે ચિત્રોમાં ઉપયોગ કરાતો; પણ આ ચિત્રમાં દિગ્દર્શકે કૅમેરાને સ્ટૅન્ડ ઉપર ભાગ્યે જ રાખ્યો છે. પરિણામે માત્ર કૅમેરા વડે કથા કહેવાનો તેમનો આ પ્રયોગ ચલચિત્રોના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ બની રહ્યો છે. મૂક ચિત્રોમાં કોઈ મહત્વના સંવાદ કે પરિસ્થિતિના નિરૂપણ માટે લખાણોનો ઉપયોગ કરાતો તે પણ આ ચિત્રમાં કરાયો નથી.
ચિત્રમાં નાયક એમિલ જેનિંગ્ઝ એક ભવ્ય અને મોંઘી હોટલના બારણે ઊભો રહીને આવતા-જતા ગ્રાહકોને સલામ કરતો ડૉરમૅન છે. એ જમાનામાં જર્મનીમાં ગણવેશ ધારણ કરનારાઓને કેવાં માનપાન મળતાં તે આ ચિત્રમાં દર્શાવાયું છે. એક દિવસ ડૉરમૅનને નવી ફરજ સોંપવામાં આવે છે, હોટલનાં શૌચાલયોની સંભાળ રાખવાની. આ નવી ફરજમાં તેણે ગણવેશ પહેરવાનો નથી, એટલે હવે તેની નોકરી નીચી પાયરીએ ઊતરી જતાં તે અપમાનની અને હીણપતની લાગણી અનુભવતો રહે છે. તેના જે પાડોશીઓ તેને ગણવેશને કારણે માન આપતા તેઓ પણ હવે તેની ઉપેક્ષા કરવા માંડ્યા છે. આ ચિત્રને અમેરિકા સહિત ઘણા દેશોમાં વ્યાવસાયિક સફળતા મળી હતી અને તેના દિગ્દર્શકને ચિત્રોનું સર્જન કરવા માટે હૉલિવુડથી તેડું આવ્યું હતું. દિગ્દર્શક મૂરનાઉએ જર્મનીમાં રહીને બનાવેલાં ઘણાં પ્રશિષ્ટ મૂક ચિત્રો નાશ પામ્યાં છે, પણ સદ્-નસીબે જે કેટલાંક ચિત્રો જાળવી શકાયાં છે તેમાં આ ચિત્રનો પણ સમાવેશ થાય છે. 1955માં જર્મનીમાં આ ચિત્રને સવાક બનાવાયું હતું.
હરસુખ થાનકી