લાસો, ઑર્લાન્ડો (Lasso, Orlando)
January, 2004
લાસો, ઑર્લાન્ડો (Lasso, Orlando) (જ. 1530થી 1532 વચ્ચે, મોંસ, સ્પૅનિશ હેઇનુર; અ. 14 જૂન 1594, મ્યૂનિક) : યુરોપિયન રેનેસાં-સંગીત પર ઘેરી છાપ મૂકી જનાર ફ્લેમિશ રેનસાં-સંગીતકાર.
મોંસમાં સેંટ નિકોલસ કેથીડ્રલમાં એક કૉઇરબૉય તરીકે તેઓ એટલું તો સુંદર ગાતા હતા કે તેઓ હજી સાવ બાળક જ હતા ત્યારે જ અન્ય કૉઇર્સે (ગાયકવૃંદોએ) ત્રણ વાર તેમનું અપહરણ કરેલું ! ચાર્લ્સ પાંચમાના સેનાપતિ ફર્ડિનાન્ડ ઑવ્ ગૉન્ઝાઝાની સેવામાં તેઓ જોડાયા અને એ સેનાપતિ સાથે 1544માં તેઓ ઇટાલી ગયા. ઇટાલીમાં તેઓ દસ વરસ રહ્યા. રોમમાં પોપના ચર્ચ સેંટ જૉન લેટેરનના તેઓ ચૅપલમાસ્ટર બન્યા. એ પછી મ્યૂનિકમાં તેઓ બવેરિયાના ડ્યૂક આલ્બેખ્ટ પાંચમાના કોર્ટ-ચૅપલના ચૅપલમાસ્ટર બન્યા. નાની નાની યાત્રાઓને બાદ કરતાં લાસો, પછી, આયુષ્યનાં અંત સુધી મ્યૂનિકમાં જ રહ્યા. 1570માં સમ્રાટ મૅક્સિમિલિયને લાસોને અઢળક સંપત્તિ તથા રાજવી ખિતાબથી નવાજીને તેમનું બહુમાન કર્યું.
1574માં લાસોએ પોતાના માસનો સંગ્રહ પ્રસિદ્ધ કર્યો અને પોપ ગ્રેગરી 13માને અર્પણ કર્યો. બદલામાં પોપ ગ્રેગરી 13માએ રોમના સર્વોચ્ચ સન્માન ‘ગોલ્ડન સ્પુર’થી લાસોને નવાજ્યા.
લાસોએ 2,000થી પણ વધુ રચનાઓ સર્જી. એમાંની મોટાભાગની 1555થી 1604 સુધીમાં પ્રકાશિત થઈ. 1555માં ઇટાલિયન મૅડ્રિગલનું એમનું પહેલું પુસ્તક પ્રકાશિત થયેલું. 1556માં એમનો મોટેટ્સનો પ્રથમ સંગ્રહ પ્રકાશિત થયેલો. ઇટાલિયન, ફ્રેન્ચ અને જર્મન લઢણોનો સમન્વય ધરાવતી એમની સંગીત-શૈલી આ બે પુસ્તકોના પ્રકાશનથી સમગ્ર યુરોપમાં છવાઈ ગઈ. 1570માં એમણે પ્રકાશિત કરેલાં મૌલિક ફ્રેન્ચ ગીતોથી એમની ખ્યાતિ ઑર વધી. એ પછી એમણે જર્મન ગીતો રચ્યાં, જે સાત ગ્રંથોમાં પ્રકાશિત થયાં છે. એમની શ્રેષ્ઠ રચના ‘સામી ડેવિડિસ પોનિટેન્ટિયલ્સ’ (Psalmi Davidis Peoenitentiales) (1584) ગણાય છે. 1838માં મળી આવેલી આ કૃતિને કારણે લાસોના સમગ્ર સર્જનમાં લોકોને નવો રસ જાગ્રત થયેલો. 1604માં લાસોના 516 લૅટિન મોટેટને લાસોના પુત્રોએ વેનિસમાં મરણોત્તર પ્રકાશિત કરેલાં. ‘મૅગ્નમ ઓપસ મ્યૂઝિકમ’ નામે પ્રસિદ્ધ થયેલાં આ મોટેટ ધાર્મિક વૃંદગાનની ચરમ સીમાને રજૂ કરે છે. ધાર્મિક તેમજ બિનધાર્મિક સંગીત માટે થઈને લાસોની કૃતિઓનું આજે પણ ગાયનવાદન કરવામાં આવે છે.
અમિતાભ મડિયા